Editorial

સામાન્ય પ્રજા પર તો પોલીસ તૂટી પડી પરંતુ જોખમી સ્કૂલ વાહનો અને ઓવર લોડ ટ્રકો કેમ દેખાતી નથી?

ચાર દિવસ પહેલા અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગોતાના રહેવાસી અને નામચીન શખ્સ એવા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે ગઇકાલે રાત્રે ઈસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સર્જયો હતો. તે જે કાર ચલાવતો હતો તે જગુઆરની સ્પીડ 160 કિ.મી. પ્રતિ કલાકની હતી. તેણે બ્રિજ પર સર્જાયેલા એક અકસ્માત જોવા ઊભા રહેલા ટોળા પર તેણે કાર ચડાવી દીધી હતી જેમાં 9નાં મોત થઇ ગયા હતાં. ત્યાં હાજર લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડતા હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. તથ્ય પટેલ ગોતાના ધનાઢય પરિવારનો પુત્ર છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પોલીસ તથા રાજકારણીઓ સાથે સંબંધ ધરાવે છે. આરોપી તથ્ય પટેલ તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અનેક જમીન કૌભાંડોમાં પણ સામેલ હોવાની વિગતો બહાર  આવી છે. અમદાવાદના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બુધવારે મોડી રાતે બે અકસ્માત સર્જાયા હતાં. જેમાં પહેલા થાર કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતાં.

આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગું થયું હતું. તે દરમિયાન જ તથ્ય પૂરઝડપે કાર લઇને આવ્યો હતો અને ટોળાને કચડી માર્યું હતું. જેમાં નવ લોકોના મોત ઉપરાંત સાત લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતાં. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપ કેસના આરોપી હોવાનું જાણવા મળે છે. મૃતકોમાં બે પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. જો કે, એક સાથે નવ નવ વ્યક્તિના મોત થઇ જતાં રાજ્યની પોલીસ તરત હરકતમાં આવી ગઇ હતી અને કેસ હાઇપ્રોફાઇલ હતો એટલે કાયદાકીય કાર્યવાહી પણ રોકેટની ઝડપે કરી દીધી હતી.

પરંતુ રોજે રોજ લોકો રસ્તા પર અકસ્માતમાં મરી રહ્યાં છે તેમનો શું ગુનો? તેઓ પણ કોઇ બહેનનો લાડકવાયો ભાઇ, કોઇ મા નો લાડકવાયો પુત્ર કે કોઇના પિતા હોય શકે છે. આ મોત માટે પોલીસ કેમ આટલી જલદી હરકતમાં આવતી નથી. મોત તો મોત હોય છે. હાલમાં રાજ્યની સ્થિતિ જોઇએ તો ઘરેથી નીકળેલી વ્યક્તિ ઘરે ક્યારે પાછી આવશે તે નક્કી નથી હોતું. તેનું એક જ કારણ છે કે, ટ્રાફિક પોલીસે જાણે ગુનો કરવાની પરવાનગી આપી દીધી હોય તેવી રીતે ચાલકો વર્તી રહ્યાં હોય છે. બહુ દૂર જવાની વાત નથી રાજ્યના કોઇપણ શહેરના કોઇ પણ મુખ્યમાર્ગના ખૂણા ઉપર ઊભા રહી જાવ તો સ્કૂલ ઓટો અથવા સ્કૂલ વાનમાં ખૂબ જ જોખમી રીતે ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે.

આ દ્રશ્ય રોજે રોજ ગુજરાતની કોઇ પણ વ્યક્તિ જોવા મળતાં હશે પરંતુ તેમાંથી બાકાત છે માત્ર ટ્રાફિક પોલીસના જવાનો કે અધિકારીઓ જેમને આવા જોખમી વાહન દેખાતા નથી. તેનું કારણ શું છે તે બધાને જ ખબર છે. આવી જ રીતે ઓવર લોડ ટ્રકો અને જરૂરથી વધારે સામાન ભરેલા કોમર્શિયલ વાહનો, તો ગામના અંતરિયાળ વિસ્તારો જેમાં છકડો અને જીપમાં 20 થી 30 મુસાફરો જોખમી રીતે મુસાફરી કરે છે તે પોલીસને કોઇ દિવસ નહીં દેખાશે. હવે આ અકસ્માત થયો છે એટલે પોલીસના ધાડેધાડા રસ્તા ઉપર ઉતરી પડશે. બ્લેક ફિલ્મ લગાડી હોય અથવા તો સીટબેલ્ટ નહીં પહેર્યો હોય તેવા વાહન માલિકોને હેરાન કરશે. હેલમેટ કેમ નથી પહેરી, પીયુસી કેમ નથી એવા સવાલો પૂછીને દંડ કરશે.

અરે પોલીસે એ જાણી લેવું જોઇએ કે આ કાયદાનો ભંગ ભલે છે પરંતુ હેલમેટ નહીં પહેરવાના કારણે કે સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણે ઇસ્કોન બ્રિજ જેવો કોઇ અકસ્માત થતો નથી.રાજયના મુખ્ય‍ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ કમિશનર, રેન્જા વડાઓ અને એસપી સાથે વિડિયો કોન્ફરન્સ મારફત મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને ઓવર સ્પીડ, નશો કરેલ હાલતમાં  વાહન ચલાવવા, પ્રતિબંધિત હોર્ન જોર જોરથી વગાડી સિનિયર સિટીઝન સહિત અન્ય વાહન ચાલકોને ભયભીત કરવા, સર્પ આકારે વાહન ચલવવા તથા જાહેર સ્થળો પર સ્ટંટ કરતા યુવા પેઢીને કાયદાના પાઠ ભણાવવા તાકીદ કરી છે. આ બેઠકમાં હાજર રાજ્યના લો એન્ડ ઓર્ડર નરસિંહ્માં કોમાર દ્વારા પણ વિડિયો કોન્ફરન્સમાં મહત્વના સૂચનો કરી તેની અમલવારી કડક રીતે કરવા સાથે નિર્દોષ નાગરિક સાથે કોઈ અયોગ્ય વર્તન ન થાય તેની કાળજી લેવા પણ સૂચના આપી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડર વડા સાથે રાજ્યના ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યાં હતાં. આ ત્રણેય સીનીયર પોલીસ અધિકારીઓએ ભૂતકાળમાં આઇબી દ્વારા ધાર્મિક તહેવારો અંતર્ગત ચેતવણીનાં સુરો રેલાવાયા છતાં પથ્થરમારા જેવી ઘટનાઓ બની તેનું મોહરમ જેવા તહેવારો સમયે પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવા સૂચના આપી હતી. જેને લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર ન બને તેની ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. તેમજ સ્ટેટ આઇબી દ્વારા આ માટે ખાસ કેટલાક સૂચનો ભૂતકાળમાં આવી બાબત માટે પંકાયેલા શહેર તેમજ જિલ્લાઓ અંગે સૂચનો કરાયા હતા. રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને નરસિંહમાં કોમાંર દ્વારા સ્ટેટ આઇબી સાથે રહીને મોહરમના આયોજકો સાથે બેઠક કરીને રૂટ પર નિરીક્ષણ કરી ખાસ કરીને કોઈ રૂટ પર કોઈ સ્થેળે બાંધકામ સાઈટને કારણે પથ્થરો તથા સળીયા પડ્યા હોય તો તે તાત્કાલિક દૂર કરવા સાથે મહત્વના સૂચનો કરી તેની અમલવારી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં હીટ એન્ડ રનના વધતાં બનાવો અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્ટંટ કરનાર બાળકોના પરિવાર પણ એ બાળકો જેટલા જ જવાબદાર છે. જેના પરિવારજનો બાળકોના મોજશોખ પૂરા કરવા માટે મોંઘા પ્રકારના બાઈકો અપાવે છે. જેની પાસે લાયસન્સ ના હોય એવા બાળકોને બાઈકો અને મોપેડ અપાવીને તેના બાળકોના મોજ શોખ પૂરા કરે છે. પરંતુ આવા બાળકોના દ્વારા અન્યના અનેક પરિવારોએ પોતાના લાડલા દીકરા- દીકરીને ગુમાવ્યા છે. ગુજરાતમાં તમામ જગ્યા પર આ જ પ્રકારની કામગીરી ચાલે છે. અને હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તમે તમારા બાળકોના મોજશોખ તમારા ઘર પૂરતા સીમિત રાખજો. જો રાજ્યના કોઈપણ રોડ કે રસ્તાને રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ કરશે તો તેની પર સખત કાર્યવાહી થશે જ. તે પછી બાળક હોય કે તેના પિતા હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં. ત્યારે તમારા બાળક પાસે લાયસન્સ ના હોય તો હવે તમે જો તેમને વ્હીકલ આપશો અને જો તે કોઈ પણ પ્રકારના નિયમ તોડશે તો જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ. અને આમાં કોઈ જ પ્રકારની ભલામણો કે કોઈ જ પ્રકારની છૂટ તેમને છોડવામાં નહીં આવે. ગૃહ મંત્રીની આ વાત સાથે સો ટકા સહમત થવું પડે એમ છે પરંતુ ગૃહમંત્રીએ સ્કૂલવાન કે સ્કૂલ ઓટો કે પછી ઓવર લોડ ટ્રકો જે રસ્તા પરથી ટ્રાફિક પોલીસની સામેથી જ બિન્દાસ્ત પસાર થાય છે તે બાબતે લાંબી સ્પીચ નહીં આપવી હોય તો કંઇ નહીં પરંતુ એક શબ્દ તો બોલવો જોઇતો હતો.

Most Popular

To Top