Comments

મિનીમમ અને મેક્સીમમ

એક દિવસ સોશ્યલ સાયન્સના વર્ગમાં જીવનની સાર્થકતા વિષે વાતો થતી હતી.સાર્થક જીવન કેવું હોવું જોઈએ? પ્રોફેસરે પૂછ્યું. કોઇએ કંઈ જવાબ ન આપ્યો. એક પોતાને હોશિયાર સમજતી છોકરીએ કહ્યું, ‘સર, જીવન સફળ હોય તો જ ખુશીઓથી ભરેલું હોયને? માટે જીવન સાર્થક બનાવવા માટે સફળ થવું પડે.સફળતા મળે તો પૈસા મળે ..માન મળે…ચાર માણસોમાં મહત્ત્વ મળે …ઘરમાં બધા તમારું સાંભળે અને જયારે આ બધું જ મેક્સીમમ લેવલ સુધી પહોંચે ત્યારે જીવનમાં ખુશી મળે અને જીવન સાર્થક થાય.’ પ્રોફેસર બોલ્યા, ‘બરાબર છે ,તારી વાત ખોટી છે તેમ નહિ કહું, કારણ કે મોટા ભાગનાં લોકો આ રીતે જ વિચારે છે અને આમ જ પોતાના જીવનની સાર્થકતાનો આધાર સફળતા પર …પૈસા પર ….બીજાએ આપેલા ઘડી બે ઘડીના સન્માન પર રાખે છે. પણ આ રીત ખોટી છે. બધાએ પોતાની માન્યતા બદલવાની જરૂર છે.હું અત્યારે તમને એક વાત સમજાવીશ. જો તમે તે સમજી લેશો તો તમારા બધાનું જીવન કોઈ પર કે કોઇ પણ વસ્તુ પર આધાર રાખ્યા વિના સાર્થક ગણાશે.’ બધા પ્રોફેસરની વાત સાંભળવા આતુર બન્યા, જે એક સાથે બધાના જીવન સાર્થક બનાવી શકે છે.

પ્રોફેસર બોલ્યા, ‘બે શબ્દો સાંભળ્યા છે — મિનીમમ અને મેક્સીમમ બરાબર …અને અર્થ પણ જાણો જ છો …સૌથી ઓછું એટલે મિનીમમ અને સૌથી વધારે એટલે મેક્સીમમ…હવે મારી પાસેથી આ બે શબ્દનો સૌથી મહત્ત્વનો ઉપયોગ જાણો, જીવનમાં તમારી જરૂરિયાતો …તમારી અપેક્ષાઓ મિનીમમ રાખો અને તમે જીવનમાં મેક્સીમમ એડજસ્ટમેન્ટ કરો. પરિવારમાં ,દોસ્તીમાં કે કામમાં કંઇક છોડવા, કોઈને પોતાની વસ્તુ આપી દેવા, કોઈ વસ્તુ વિના ચલાવી લેતાં શીખી લો તો વધુ કંઈ પણ કર્યા વિના …કોઈ ભવ્ય સફળતા કે ઢગલાબંધ પૈસા વિના પણ આનંદમાં રહી શકશો.કોઈ પાસેથી કંઈ લેવાની ,મેળવવાની અપેક્ષા નહિ હોય અને કોઈ માટે કરી છૂટવાની ભાવના મનમાં સદા રહેશે તો જીવન આ ઘડીએ સાર્થક છે.

કોઈ  આપે તેવી આશા જ ન રાખીએ તો દુઃખ કે અપમાનનો સ્પર્શ થતો જ નથી…જે મળ્યું છે તે પૂરતું છે. ઇચ્છાઓ જ મિનીમમ હોય તો કૈંક ખૂટે છે તેવી લાગણી થતી જ નથી. કોઈ માટે કૈંક કરી છૂટો પછી જોજો, મનમાં કેવો આનંદ અનુભવો છો.શું મિનીમમ રાખવું અને શું મેક્સીમમ તેની યાદી મનમાં બનાવી લેજો. તે પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરજો એટલે જીવન સફળ અને આનંદદાયક જ લાગશે અને કોઈ પૈસા ,માન, સન્માનની જરૂર વિના સાર્થક ગણાશે.’બે શબ્દોના અર્થોની રમત સાથે પ્રોફેસરે બહુ સરસ વાત સમજાવી.
 -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top