Comments

અનાડી વોટબેન્કને પંપાળવી અને કડક બનવું! કયાંથી મેળ બેસે?

અમદાવાદમાં એક શ્રીમંતના છકી ગયેલા તારાજકુમારે એકસો વીસ કિલોમીટરની ઝડપે નવ નિર્દોષ લોકો પર જેગવાર કાર ચડાવી દીધી અને કચડી માર્યા. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જોહેરમાં અપીલ કરી કે તમારા બાળકોને ગાડીઓ ન સોંપો. એ શ્રીમાન એમ પણ બોલ્યા કે સરકાર કડક હાથે કામ લશે જ. દરેક સરકારના, નેતાઓ અને પ્રધાનોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. સંઘવીએ પણ બે જાતનાં ચોકઠાં ઘડાવી રાખ્યા છે અને નવાઇની વાત એ છે કે બંને દેખાડવાનાં જ છે.

ભાજપની સરકારમાં સુશાસન આવશે, પ્રજાએ અમુક મોટી કામના પૂર્ણ થાય તે માટે નાની નાની બાબતોને અવગણવી જોઇએ. આવો પ્રચાર નિયમિત થાય છે. પણ મહેરબાનો નાના લોકોનું જીવન નાની નાની બાબતો પર જ ‘જીવન’ બનતું હોય છે, અવલંબતું હોય છે. કયાં સુધી તેનો અનાદર કરશો? અને મોટી સિધ્ધિઓ માટે નાના બલિદાનો આપવા પડે એવું કયાંય લખ્યું નથી?

રોજબરોજની કાયદો અને વ્વયસ્થાની સ્થિતિ એ કંઇ મોટી સિધ્ધિ નથી. જો નેચીથી ટોચ સુધીના ભ્રષ્ટાચારને ઘટાડવામાં આવે તો? આજે બે ત્રણ કે ચાર છ પૈડાંના વાહન ધરાવતા તમામ લોકો જાણે છે કે રિજયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કઇ બલા છે? સાહેબો, આનાથી તમે અનભિજ્ઞ હશો, પણ ચોક્કસપણે અજાણ નથી. તમો કઇ રીતે કડક બનવાના?

સુરતમાન એકયુવતીની, એના એક તરફા પ્રેમીએ જાહેરમાં હત્યા કરી, લોકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો એટલે તમે અંગત રસ લઇ ત્વરિત કાર્યવાહી કરી અને તમારો મત વિસ્તાર હોય કે ન હોય તો પણ કરવી જરૂરી હતી. ત્યારપછીના થોડા દિવસોમાં ઉમરગામમાં એક સ્કૂટી પર જઇ રહેલી કન્યાની પણ એક તરફા પ્રેમીએ હત્યા કરી. જાણે કે એ કોઇ ઘટના જ ન હતી તેમ દબાઇ ગઇ. જરૂરી નથી અને શકય નથી કે ‘તથ્ય’ જેવી બગડેલી ઓલાદને ગૃહમંત્રી જાણે જઇને ગાડી રોકતા અટકાવી શકે. છતાં કાયદો અને વ્યવસ્થા એક મહત્વનું હથિયાર છે.

વિકસિત દેશોમાં ભારત કરતા દસ ગણાં વધુ વાહનો છે, ખૂબ ઝડપી છે. અને ભારત કરતા દસ ગણાં ઓછા અકસ્માતો થાય છે. કાયદાનું હથિયાર અજમાવવું જ જોઇએ. તે માટે અતિ આવશ્યક છે કડક કાયદો અને ભ્રષ્ટાચારમાં ઘટાડો. સાવ નિર્મૂળ તો તમે કરી શકવાના નથી. સાહેબોને કહો કે લાઇનોના ટારગેટ ઘટાડે. તમારે કડક બનવાની જાહેરાત કરી સોશિયલ મિડિયામાં વારંવાર વાહ વાહ મેળવવી છે.

અપીલ કરીને સમજદારીના સંકેતો આપવા છે. માત્ર મોઢેથી. કડક કાયદા અપનાવવા નથી. હમણા સુધી તો દરેક સરકારો, અધિકારીઓ એ બહાનું કાઢીને છટકી જતા હતા કે કાનૂનો ઓછા પડે છે. હવે તો ખૂબ વધી ગયા હતા અને તેથી અનેકને રદબાતલ કરાયા છે. ઓછા પડે તો અછતની આડ લેવી છે. વધુ પડે તો પાલન નથી કરવું. ‘આમ કહેતા કયાં ચાહતે હો?’ આ રીતે બંને બાજુ ઢોલ ન વગાડો. યોગીજીએ પ્રજાને એ ખોટી માન્યતામાંથી મુકત કરી છે કે આપણી પાસે કાયદા નથી. એ બહાનું હવે ચાલવાનું નથી.

કાયદા છે, પણ દાનત નથી. પાળવાથી લાઇનોનો પ્રવાહ બંધ થઇ જાય. વિદેશોમાં વસમી પ્રજા પણ કાબુમાં રાખી શકાતી હોય તો અહીં શા માટે નહીં? આ લખવાનો અર્થ એ નથી કે તમે એક માત્રજ ગુનેગાર છો. વાસ્તવમાં આખી વ્યવસ્થા જ સડી ગઇ છે, અને તેને સુધારવા કોઇ તૈયાર નથી. અને આ કિસ્સામાં તમે પણ પ્રમાણિક નથી. સંઘ, ભાજપ અને આ લખનાર પણ માને છે કે બુધ્ધિમતામાં આપણે અમેરિકા કે યુરોપીઅનોથી ઓછા નથી. બલ્કે વિશ્વગુરુ છીએ. તો ભારતની આ નિયતિ શા માટે? અકસ્માતો થાય ન થાય એવું નથી.

પણ આટલી હદે? એકલા વલસાડ નગરમાં જ (જયાં માંડ દોઢ લાખની વસતિ છે.) છેલ્લા પાંચેક વરસમાં વહેલી સવારે કે સાંજે ચાલવા નીકળ્યા હોય અને વાહનોની હડફેટે મૃત્યુને ભેટયા હોય એવા પાંચેક બનાવો બન્યા છે. બીજા તો અસંખ્ય છે. તેમાં બે તો નાના સંતાનોની માતાઓ હતી. એક વડીલ તબીબ હતા. એ ઉપરાંત એક સિંધી યુવતીનું સ્કૂટર ગાયની હડફેટમાં આવ્યું અને એ મરણ પામી. વિદેશીઓએ શોધેલા, ઘડેલા વાહનો ચલાવવા હોય તો તેઓની જેમ કાયદાનું પાલન કરાવવું અનિવાર્ય છે, એ આપ મહારાજને શિખવાડાવનું ન હોય!

ગડકરીને એ વાતની શરમ હતી કે દુનિયામાં સૌથી વધુ અકસ્માતો ભારતમાં જ થાય છે. ભાગ્યે જ કોઇક દિવસ ખાલી જાય છે જેમાં કોઇ ‘ગમખ્વાર’ ઘટના ઘટી ન હોય. ગડકરીએ સંસદમાં કડક કાનૂન પસાર કરાવ્યો અને બીજા દિવસે ગુજરાતના ત્યારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જ જાહેરાત કરી કે ‘અમે આ કાયદાનું પાલન કરાવીશું નહીં.’ ખૂબ ઊંચા દંડની જોગવાઇ હતી. અમુક અનાડી અને અમુક વ્યવહારુ પ્રજાએ એ કાયદાનો વિરોધ કર્યો હતો. અનાડી એ હતા જેઓ હવાલદારોને નાકા પર નાની રકમો આપીને કાયદાની ઐસી તૈસી કરવા માંગતા હતા. વ્યવહારૂઓ એ હતા જે પ્રમાણિકપણે માનતા હતા કે ઉંચી રકમના દંડનો દર બતાવી હવાલદારો વધુ મોટી રકમ ખાનગીમાં પડાવશે. તેઓ ટ્રાફિક વિભાગના ડીએનએથી પરિચિત છે. સરકારી તિજોરીને તો બંને બાજુએ નુકશાન હતું. પણ એક મોટો નિર્દોષ વર્ગ કાનૂનની તરફેણમાં હતો, જેમની પાસે વાહનો ન હોવાથી અનભિજ્ઞ રહ્યો અને તેઓની જાન હવે સરેઆમ કચડાઇ
રહી છે.

તે અબોલ હોવાથી વિયભાઇએ તેઓની નોંધ ન લીધી. અનાડી વોટબેન્કને ખુશ રાખવા માટે કાયદાનો આદર કરવાની મુખ્યમંત્રીએ ના પાડી દીધી. એ જ પક્ષની કેન્દ્ર સરકાર કાનૂન ઘડે અને એજ પક્ષની રાજય સરકાર તેનું પાલન કરવાનો ઇન્કાર કરે તે ઘટના સ્વતંત્ર ભારતમાં કદાચ પ્રથમ હશે. તેની પાછળ ભાજપનું આંતરિક રાજકારણ હશે તો હશે, સામાન્ય લોકોને એની પરવા નથી. વાત છે કડક પગલાં ભરવાની. તો શું અંગૂઠા પકડાવવા અને ઉઠબેસ કરાવવી એ ‘કડક’ પગલાં છે? કોઇને કયારેય શિક્ષાત્મક દંડરૂપે સજા થઇ છે ખરી? રોજીદના લઠ્ઠાકાંડ અને મોરબી પૂલના આરોપીઓનું શું થયું હતું? લોકો કાનૂન પાળવા મજબૂર થાય એવા કોઇઅ નુભવો, ઉદાહરણો, કોઇ યંત્રણા અને ઇચ્છાશકિત છે ખરા? સગીર વયના અથવા લાઇસન્સ નહીં ધરાવતા સંતાનને કે કોઇ અન્યને ગાડી સોંપનાર માલિકના ગુનાને બિનજામીનપાત્ર ગણાવી  લાંબા સમય માટે સળિયા પાછળ ધકેલી દો. પછી જેગ્વાર હોય કે મારૂતિ ઓમ્ની હોય. શબ્દો બોલીને શૂરવીર બની શકાતું નથી. દાનત બતાવો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top