સુરત: વેસુના (Vesu) એક નવનિર્મિત બિલ્ડીંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલા શ્રમજીવી મજૂરનું મોત (Death) નિપજતા ચર્ચાનો વિષય બન્યો છે. રોજગારીની શોધમાં એક મહિના પહેલા આવેલો એક મજૂરના કરુણ મોતથી તેનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યારે પોલીસે (Police) આ કેસમાં આગામી તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રવીણ ગિલ નામનો મજૂર એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં પિતરાઈ ભાઈ સાથે સુરત આવ્યો હતો. તે બેડરૂમમાં ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. ત્યારે અરિહંત સુપરિયા નામના નવનિર્મિત પ્રોજેકેટમાં શુક્રવારની રાત્રે એક કરુણ ઘટના બની હતી. જેમાં પ્રવીણ ત્રીજા માળે બેડરૂમની બારીમાંથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત પ્રવીણને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.
આ અંગેની જાણ વોચમેને કોન્ટ્રાકટરને જાણ કરી હતી. ઘટના અંગે તેનાં અન્ય સાથીદારોએ જણાવ્યું હતું કે અમે સૂઈ ગયા હતા તે સમયે એકાએક બુમાબુમ થતા ઉંઘ ઉધડી ગઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવીણની પત્ની અને બે બાળકો વતન રાજસ્થાનમાં રહે છે. પ્રવીણનાં મોતનાં સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘરમાં કમાઉ એક માત્ર પ્રવીણ જ હતો. હાલ પ્રવીણ મૃત્યુ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ડુમસમાં નિર્માણાધીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતાં શ્રમજીવીનું મોત
સુરત: ડુમસમાં અવધ ઉટોપિયા પાસે નવી બંધાતી બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાયેલા કારીગરીનું મોત નિપજ્યું હતું.
ડુમસ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ડિંડોલીના નવાગામમાં અવધેશ રામક્રિપાલ મોર્યા (38 વર્ષ) પરિવાર સાથે રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની અવધેશ મોર્યાના પરિવારમાં પત્ની અને એક દીકરી છે. તે એલિવેશનના કામ સાથે સંકળાયેલો હતો.
હાલમાં ડુમસમાં એરપોર્ટની સામે અવધ ઉટોપિયા પાસે વોલ સ્ટ્રીટમાં એલિવેશનનું કામ ચાલતું હતું. આજે સવારે તે ત્રીજા માળે એલિવેશનનું કામ કરતો હતો ત્યારે આશરે 11.30 વાગે કોઈ રીતે તેઓ નીચે પટકાયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડુમસ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારજનો અંતિમવિધી માટે મૃતદેહને જોનપુર લઈ ગયા છે.