SURAT

હાર્ટ એટેક આવતાં ગાર્ડને મોપેડ પર સારવાર માટે લઈ જવાયો, પણ જીવ ન બચ્યો

સુરત: હાલમાં દેશમાં હાર્ટ એટેક (Heart Attack) આવવાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરત (Surat) શહેરના પાલ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ (Security Guard) તરીકે નોકરી કરતા 39 વર્ષિય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળે એ માટે સ્કૂલનો સ્ટાફ યુવકને નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જંબુસરના પ્રકાશભાઈ હરમાન પટેલ (ઉં.વ.39) હાલમાં અમરોલીમાં જૂના કોસાડ રોડ પર આવેલી સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા હતા. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરો છે. પ્રકાશભાઈ પાલમાં આવેલી ગજેરા સ્કૂલમાં છેલ્લા ચારેક મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગુરુવારે સવારે પણ તેઓ નોકરી પર હતા. ત્યારે સાડા આઠેક વાગે તેઓ અચાનક નીચે પડી ગયા હતા. તેમને ગભરામણ થવા લાગી હતી. આથી સ્કૂલનો સ્ટાફ પ્રકાશભાઈને તાત્કાલિક સારવાર મળે એ માટે એમ્બ્યુલન્સ કે મોટાં વાહનની રાહ જોયા વગર થ્રી ઇડિયટ ફિલ્મની જેમ મોપેડ પર પ્રકાશભાઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું હતુ.

અગાઉ રાજકોટમાં ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત
છેલ્લાં ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક (heart attack) આવવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવો જ એક બનાવ રાજકોટમાં (Rajkot) થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. રાજકોટમાં આવેલી SVGP ગુરુકૂળમાં ગુરૂપુર્ણિમા નિમિત્તે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી જે ધો.10 માં અભ્યાસ કરે છે. દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. દેવાંશ સ્પીચ આપતા આપતા અચાનક જ સ્ટેજ પર બેભાન થઈ ગયો હતો. દેવાંશ સ્ટેજ પર બેભાન થતાં આજુબાજુના લોકો તથા તેના શિક્ષકો દોડીને તેની પાસે આવ્યા હતા. જે પછી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

દેવાંશ એકનો એક દિકરો હતો
મૃતક વિદ્યાર્થી દેવાંશ ભાયાણીના પિતા વીંટુભાઈ ધોરાજી ભૂમિ પોલિમર પાલસ્ટિખમાં પાઈપ બનાવવાનું કારખાનું છે. દેવાંશ તેમનો એકનો એક જ પુત્ર હતો. એકના એક પુત્રને હાર્ટએટેક થી મોત થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Most Popular

To Top