સુરત વિવિધ કળાના કલાકારોની ભૂમિ પણ છે. કોઇ કલાકૃતિઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે તો કોઈ પોતાના હાથે કલાકૃતિઓનું સર્જન કરે છે. પણ સોનાલીબેનમાં બંનેનો સંગમ જોવા મળે છે. તેઓ બોર્ન આર્ટિસ્ટ છે તો મિનીએચર કલાકૃતિઓના સંગ્રહનો અનોખો શોખ પણ ધરાવે છે. જોકે, તેમનો આ શોખ એકદમ હટકે એટલા માટે કહી શકાય કે તેમને દેશ-વિદેશની મિનીએચર કપ-રકાબીઓનો સંગ્રહ કરવો ગમે છે. તેમના કપ-રકાબીઓના ખજાનામાં દેશ-વિદેશના મિનીએચર કપ-રકાબીઓ છે. તેઓના આ ખજાનામાં બસો-અઢીસો વર્ષ જૂની એન્ટિક કપ-રકાબીઓ પણ છે. સોનાલીબેનના ઘરમાં પ્રવેશતા જ દીવાલો વિદેશની કલા પ્રદર્શિત કરતા શો પીસથી ડેકોરેટ કરેલી જોવા મળશે. તેઓને અનોખા કલાકાર એટલા માટે પણ કહી શકાય કે તેઓ રૂપિયાની નોટોના ફૂલ બનાવી આંખોને આંજી દે તેવા બુકે બનાવે છે. તેમની આ કળાની કદર કરવા માટે તેમના હસબન્ડે બેન્ક લોકરમાં કાંઈક અલગ જ સંગ્રહ કરીને રાખ્યું છે તે શું છે? સોનાલીબેનને મિનીએચર કપ-રકાબી સંગ્રહ કરવાનો શોખ કઈ રીતે જાગ્યો? તેમના ઘરમાં રહેલા કોઈન બુક (coin book) માં કયા-કયા રાજાઓના સમયના કોઈન છે ? તે આ લેખમાં જાણીએ…
200-250 વર્ષ જૂની એન્ટિક કપ-રકાબી છે કિંમતી
સોનાલીબેન પાસે ત્રણ કપ-રકાબી 200થી 250 વર્ષ જૂની છે. આ એન્ટિક કપ-રકાબી એક પારસી પરિવાર તરફથી મેળવી હતી. ફાધર ઇન લો ધનપાલભાઈ વકીલે ગોલ્ડ પ્લેટેડ મિનીએચર ટી-સેટ લાવી આપ્યો હતો. તેમાં 5 કપ-રકાબી અને કીટલી છે. આ કલાકૃતિ ખાસ્સી મોંઘી છે. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈથી લાવેલા કપ-રકાબી છે. ફ્રેન્ડ્સને મારી આ હોબીની જાણ હોવાથી તેઓ જ્યારે બહારગામ ફરવા ગયા હોય અને ત્યાં એન્ટિક મિનીએચર કપ-રકાબીના દેખાય તો ફોન કરે છે અને મારા માટે લઈ આવતા હોય છે. કેટલીક કપ-રકાબીતો સાવ ટચૂકડી અને ડેલીકેટેડ જોતા જ ગમી જાય તેવી છે.
રૂપિયાની નોટોનો બુકે તૈયાર કરવા એક-બે રૂપિયાની થોડી ઘણી નોટો લોકરમાં મૂકી છે
સોનાલીબેન 1, 2, 5, 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોના ફૂલોના બુકે બનાવવાની કળામાં પણ માહિર છે. નોટોમાંથી ફૂલ, દાંડી અને સ્ટીક બનાવે છે. એક હજાર ટાંકણી અને 4થી 5 હજાર મોતીનો ઉપયોગ આ બુકે બનાવવા માટે કરે છે. ડોટર જુહીના સરને ગુરુપૂર્ણિમા પર આપવા માટે અને ફ્રેંડસને આપવા માટે આવા બુકે બનાવ્યા હતા. આવા બુકે તૈયાર કરી શકાય તે માટે એક અને 2 રૂપિયાની થોડીક નોટો લોકરમાં રાખી મૂકી છે. અત્યાર સુધી આવા રૂપિયાની નોટોના 8 જેટલાં બુકે બનાવ્યા છે.
અમેરિકા, ચાઈના, જાપાનના મિનીએચર કપ-રકાબી છે આકર્ષિત
સોનાલીબેને જણાવ્યું કે, મારી પાસે 100થી વધુ મિનીએચર કપ-રકાબીનું કલેક્શન છે. અલગ-અલગ જગ્યા પરના એગ્ઝીબિશનમાંથી અમેરિકા, ચાઈના, જાપાનના કપ-રકાબી છે મેળવ્યા હતા. જે એક ઇંચથી માંડીને 5 ઇંચ સુધીના છે અને કિંમત 40 રૂપિયાથી માંડીને 2500 સુધીની છે. આ અનોખું કલેક્શન 20 વર્ષ જૂનું છે. ચાઈનાના કપ-રકાબી પર ડ્રેગન છે. તો જાપાની કપ-રકાબી પર જાપાની ઢીંગલીઓ છે.
અકબર, ઔરંગઝેબ અને અંગ્રેજોના સમયના કોઈન
સોનાલીબેનના ઘરમાં પ્રવેશ કરતા જ જાપાની અને ચાઈનાની કલાકૃતિઓના શો પીસ ઘરની શોભા વધારતા જોવા મળે છે. તેમની પાસે અકબર-ઔરંગઝેબના સમયના અને 1800ની સાલના કોઈન છે ઉપરાંત ઇંગ્લેન્ડના કિંગ્સના પણ કોઈન છે. કોઈન બુકસ તેમના ફાધર ઇન લો ધનપાલભાઈ વકીલે એન્ટિક વસ્તુઓનું સેલિંગ કરતા વેપારીઓ પાસેથી લાવીને ભેટમાં આપી હતી. આ કોઇન્સ તાંબા અને સિલ્વરના છે.
20 વર્ષ પહેલા મિનીએચર કપ-રકાબીના સંગ્રહનો શોખ જાગ્યો
સોનાલીબેન વકીલે જણાવ્યું કે હું સ્કૂલમાં હતી ત્યારે અલગ-અલગ પ્રકારની પેન્સિલ અને કીચેનનું કલેક્શન કરવાનું મને ગમતું. સ્કૂલ બેગ એવી એલ્યુમિનિયમની પેટીમાં મારું આ કલેક્શન રાખતી. લગ્ન પહેલા મેં એલ્યુમિનિયમના પતરા પર ફ્રેમ એમ્બોઝિંગ તૈયાર કરેલું જેમાં એક સુંદર કન્યા અને ઝેરનો વાટકો એવી વાર્તા ઉપસાવેલી હતી. લગ્ન વખતે મેં વાંસનું હાઉસ બનાવેલું જેની તારીફ ઘણા લોકોએ કરી હતી. મેરેજ બાદ હું અને મારા હસબન્ડ પાવન વકીલ 20 વર્ષ પહેલાં મુંબઈ ગયા હતા ત્યાં મે પહેલી વાર એક ઇંચથી પણ નાના મિનીએચર કપ-રકાબી ખરીદયા હતાં જેની કિંમત ત્યારે 700 રૂપિયા હતી. બસ ત્યારથી મને મિનીએચર કપ-રકાબીના સંગ્રહનો શોખ જાગ્યો હતો. મારો આ શોખ પૂરો કરવા માટે મારા સાસુ લીનાબેન અને ફાધર ઇન લો ધનપાલભાઈ વકીલ મારા માટે ઘણા બધા મિનીએચર કપ-રકાબી ખરીદી લાવી મને સપોર્ટ કરતા. મારી ડોટર જુહી મને કહેતી હોય છે કે મમ્મી દાદાએ જે કલાકૃતિઓ ભેટ આપેલી છે તેને સાચવી રાખજે. મારો આ કલા વારસો જો હું કોઈને આપવા માંગુ છું તો તે મારી ડોટરને કેમકે તે પણ એક સારી કલાકાર છે.