મુંબઈનું ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે કુખ્યાત છે. માત્ર ૨.૮ ચોરસ કિલોમીટર જેટલી જમીનમાં ૧૦ લાખ લોકો સંપીને રહેતાં હોય તેવી દુનિયાની આ એકમાત્ર વસાહત છે. ધારાવી મુંબઈ શહેરની મધ્યમાં આવેલું હોવાથી તેમાં એક ઝૂંપડું પણ ૧૦થી ૩૦ લાખ રૂપિયાની કિંમત ધરાવે છે. સ્લમડોગ મિલિયેનર જેવી ફિલ્મોને કારણે ધારાવીની ઝૂંપડપટ્ટી વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. વિદેશી સહેલાણીઓ માટે મુંબઈનાં જોવાલાયક સ્થળોની યાદીમાં ધારાવીનું નામ પણ મહાલક્ષ્મીના ધોબીઘાટ સાથે લેવામાં આવે છે.
કરીમ લાલા જેવા માફિયા ડોને પોતાની કારકિર્દીનો પ્રારંભ ધારાવીથી કર્યો હતો. ધારાવી જેમ ગુનેગારોનું સ્વર્ગ ગણાય છે તેમ મહેનતુ અને ઇમાનદાર કારીગરોનું પણ ધામ ગણાય છે. ધારાવીમાં ચામડાના ઉદ્યોગથી માંડીને રેડિમેડ ગાર્મેન્ટની ફેક્ટરીઓ આવેલી છે. માટીનાં વાસણોથી લઈને પાપડનું ઉત્પાદન ધારાવીમાં થાય છે. રાજકારણીઓ માટે ધારાવી મતબેન્ક ગણાય છે. ધારાવીના ગુંડાઓ હજારો મતદારો પર પ્રભુત્વ ધરાવતા હોય છે. તેમને કેટલાક લાખ રૂપિયા અને શરાબની બોટલો આપીને હજારો મતો ખરીદી શકાય છે. ધારાવીના નગરસેવકો તો ઝૂંપડપટ્ટીના દાદાઓ જ હોય છે.
મહારાષ્ટ્ર સરકારે ધારાવીની ઝૂંપડપટ્ટી નાબૂદ કરીને તેના સ્થાને ગગનચુંબી ઇમારતો બનાવવાની અનેક યોજનાઓ જાહેર કરી હતી, પણ તે તમામ નિષ્ફળતાને વરી હતી. જે કેટલીક ગગનચુંબી ઇમારતો બની તેમાં ઝૂંપડાંના રહેવાસીઓને ફ્લેટો આપવામાં આવ્યા હતા, પણ તેમને ફ્લેટોમાં ફાવ્યું નહોતું. ફ્લેટો વેચીને તેઓ પાછા ઝૂંપડાંમાં રહેવા ચાલ્યા ગયાં હતાં. હવે મહારાષ્ટ્ર સરકારે અદાણી જૂથને ધારાવીનું પુનર્નિર્માણ કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો તેનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. ગૌતમ અદાણી કહે છે કે તેઓ મુંબઈમાં આવ્યા ત્યારે ધારાવીમાં રહ્યા હતા, માટે ધારાવી સાથે તેમને લાગણીના સંબંધો છે. ગૌતમ અદાણી માટે ધારાવીનું પુનર્નિર્માણ જિંદગીનો બહુ મોટો પડકાર છે.
અદાણી ગ્રૂપે રૂ. ૫,૦૬૯ કરોડની સૌથી વધુ બોલી બોલીને ધારાવીનો પ્રોજેક્ટ મેળવ્યો છે. બીજી સૌથી વધુ બોલી લગાવનાર ડીએલએફ ગ્રુપ હતું, જેણે રૂ. ૨,૦૨૫ કરોડની બોલી લગાવી હતી, જ્યારે નમન જૂથની બોલી નકારી કાઢવામાં આવી હતી. આ ટેન્ડરમાં ૮ વૈશ્વિક કંપનીઓએ રસ દાખવ્યો હતો, પરંતુ વાસ્તવમાં માત્ર ત્રણ કંપનીઓએ જ ટેન્ડર સબમિટ કર્યા હતા. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લગભગ બે દાયકાથી અટવાયેલો છે. તે મુંબઈમાં એવા સ્થાન પર સ્થિત છે જે રિયલ એસ્ટેટના બિઝનેસમાં સોનું ગણાય છે.
તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની નજીક છે. બાંદ્રા-કુર્લાને ભારતનો સૌથી ધનિક બિઝનેસ ડિસ્ટ્રિક્ટ માનવામાં આવે છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ૨૦ હજાર કરોડ રૂપિયાનો છે. સરકાર આગામી ૧૭ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું અને સાત વર્ષમાં તેના આશરે ૧૦ લાખ રહેવાસીનું પુનર્વસન પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ પ્રોજેક્ટ હેઠળ જેઓ તા. ૧ જાન્યુઆરી, ૨૦૦૦ પહેલાં ધારાવીમાં રહેતાં હશે તેમને પાકું મકાન મફતમાં આપવામાં આવશે, જ્યારે ૨૦૦૦ થી ૨૦૧૧ વચ્ચે અહીં સ્થાયી થયેલાં લોકોએ કિંમત ચૂકવવી પડશે.
વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ રિલીઝ થયા બાદ આ વિસ્તારને લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. આ પછી ફિલ્મ ગલી બોયમાં ધારાવીની ઝૂંપડપટ્ટી જોવા મળી હતી. આ વિસ્તાર ૧૮૮૨માં અંગ્રેજોએ વસાવ્યો હતો. તેની સ્થાપના મજૂરોને સસ્તું રહેઠાણ આપવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. ધીરે ધીરે અહીં લોકો વધવા લાગ્યાં અને ઝૂંપડપટ્ટીઓ બની. અહીંની જમીન સરકારી છે. ૨.૮ ચોરસ કિ.મી.માં ફેલાયેલી ઝૂંપડપટ્ટીમાં ચામડાની ચીજવસ્તુઓ અને માટીકામ કરવામાં આવે છે, જેમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે.
અહીં ઉત્પાદિત માલ દેશ-વિદેશમાં વેચાય છે. રાજ્ય સરકાર આ સમગ્ર વિસ્તારને ગગનચુંબી ઇમારતોના સંકુલમાં રૂપાંતરિત કરવા માંગે છે. ધારાવીમાં ૬૦ હજાર પરિવારો અને લગભગ ૧૨ હજાર કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. અહીં કુલ આશરે ૧૦ લાખ લોકો રહે છે. વર્ષ ૧૯૯૯માં ભાજપ-શિવસેના સરકારે પ્રથમ ધારાવીના પુનર્વિકાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ ૨૦૦૩-૨૦૦૪માં મહારાષ્ટ્ર સરકારે ધારાવીને સંકલિત આયોજિત ટાઉનશિપ તરીકે પુનઃવિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે એક એક્શન પ્લાન મંજૂર કરવામાં આવ્યો અને ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. ૨૦૧૧માં સરકારે તમામ ટેન્ડરો રદ કરીને માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.
૨૦૧૮માં ભાજપ-શિવસેના સરકારે ધારાવી માટે સ્પેશ્યલ કંપનીની રચના કરી હતી અને તેને પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સૂચિત કર્યું હતું. બાદમાં વૈશ્વિક ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૧૯માં દુબઈ સ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ સિકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને અદાણી ગ્રુપને હરાવી બોલી જીતી હતી, પરંતુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રેલવેની જમીનનો સમાવેશ કરવાના નિર્ણયને પગલે તેને ટેન્ડર આપવામાં આવ્યું ન હતું. વર્ષ ૨૦૨૦ સુધીમાં મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ હતી અને તે જ વર્ષે ઓક્ટોબરમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે ટેન્ડર રદ કર્યું હતું અને કહ્યું હતું કે નવા ટેન્ડરો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
એમવીએ સરકારે આક્ષેપ કર્યો હતો કે ટેન્ડરો રદ કરવા પાછળનું એક કારણ પ્રોજેક્ટ માટે મહત્ત્વની રેલવે જમીન ટ્રાન્સફર કરવામાં કેન્દ્ર દ્વારા થયેલો વિલંબ હતો. પછી સરકાર બદલાઈ અને એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા, જે અદાણી જૂથે જીત્યા હતા. છેલ્લાં ૧૫ વર્ષોમાં મહારાષ્ટ્ર સરકારે ધારાવીના પુનર્વિકાસના ઓછામાં ઓછા ચાર પ્રયાસો કર્યા છે, જે બધા અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. હવે ગૌતમ અદાણી જૂથને ટેન્ડરોની ફાળવણી થઈ હોવાથી તેમની તરફદારીનો આક્ષેપ થઈ રહ્યો છે. અદાણી જૂથને આ પ્રતિષ્ઠિત કોન્ટ્રેક્ટ મળતાં દુબઈની સિકલિંક ટેકનોલોજી કોર્પોરેશન હાઈ કોર્ટમાં ગઈ છે.
રાજકીય રીતે ધારાવી રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્ત્વપૂર્ણ છે. ધારાવીની વસ્તી લાખોમાં છે અને ત્યાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયનાં લોકો પણ રહે છે. તેથી જ તે રાજકીય પક્ષો માટે મોટી વોટબેંક છે. ધારાવી મુંબઈ-દક્ષિણ મધ્ય લોકસભા અને વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. આ મતવિસ્તાર અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠક પર કોંગ્રેસ અને શિવસેનાનો દબદબો રહ્યો છે. કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ મંત્રી વર્ષા ગાયકવાડ ૨૦૦૯થી આ મતવિસ્તારમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.
અગાઉ તેમના પિતા સ્વ. એકનાથ ગાયકવાડ આ મતવિસ્તારના જનપ્રતિનિધિ હતા. આ બેઠક પરથી શિવસેનાના રાહુલ શેવાળે સાંસદ છે.ધારાવીમાં શિવસેનાના ચાર કોર્પોરેટર છે, જ્યારે કોંગ્રેસ પાસે બે અને એનસીપી પાસે એક કોર્પોરેટર છે. આ મતવિસ્તારમાં વંચિત બહુજન આઘાડી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ધારાવીનો રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ થશે અને લોકોના જીવનમાં કેવો અને કેટલો બદલાવ આવશે તે જોવું રસપ્રદ રહેશે.