વ્યારા: રાજ્યમાં એકતરફ ‘સર્વ શિક્ષા અભિયાન’ ચલાવવામાં આવે છે અને બીજી બાજુ શાળાઓની સ્થિતિ એવી હોય છે કે, બાળકો શાળા છોડી જવા માટે મજબૂર બને છે. રાજ્યમાં અનેક શાળાઓ એવી છે કે, ત્યાં સુધી વિકાસ તો ખૂબ દૂરની વાત છે પણ બાળકોને પ્રાથમિક સુવિધા પણ નસીબ નથી થતી. જેમાં સોનગઢ તાલુકાનાં છેવાડા વિસ્તારમાં આવેલી શાળાનો પણ સમાવેશ થાય છે. અહીં માળ ગામની પ્રાથમિક શાળા છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં છે.
ચોમાસામાં શાળામાં પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પણ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. અહીંની સમસ્યાઓની વાત કરવામાં આવે તો, શાળામાં કુલ ૪૫ જેટલાં વિદ્યાર્થીઓ હતા. પરંતુ શિક્ષકો શાળાએ આવતા ન હોવાના કારણે ૬ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે અને હાલમાં ભણી રહેલા ૩૯ જેટલાં વિદ્યાર્થીઓનું ભાવિ પણ ડામાડોળ છે.
મળતી માહિતી મુજબ શાળાની શિક્ષિકા બીમાર હોવાના કારણે શાળાએ આવતી નથી. તેની જગ્યાએ ગામનો એક વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતો હતો.
વર્તમાન સમયમાં શિક્ષિકાના પતિ શાળાએ આવે છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે. તેવું માજી સરપંચે જણાવ્યું હતું. પોતે શિક્ષક નથી તો વિદ્યાર્થીઓને શું ભણાવતા હશે? શિક્ષણ જગતને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. એક બાજુ સરકાર શિક્ષણ બાબતે મોટી મોટી વાતો કરે છે. બીજી તરફ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની આવી હાલત જોવા મળી છે.
આ સંદર્ભે ઓટાના ગામના સરપંચ વનીતાબેન ગામીતનું કહેવું છે કે, પ્રાથમિક શિક્ષણ વિભાગને આ બાબતે લેખિત અને મૌખિક અનેકો રજૂઆતો કરી છે, કોઇ ઉકેલ આવ્યો નથી. શાળાએ ક્યારે કોણ ભણાવવા માટે આવે છે? તેજ માલુમ પડતું નથી.
વાંસદાની ૧૭૦ વર્ષ જૂની પ્રાથમિક શાળા વિકાસથી વંચિત
વાંસદાના ધરમપુરી ગામે પ્રાથમિક શાળાની પાણીની પરબ અને મધ્યાહન ભોજન હોલની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મધ્યાહન ભોજન હોલમાં પતરામાં કાંણા પડી જતાં બાળકોને બેસવામાં મુશ્કેલી ઊભી થઈ છે સાથે જ બાળકોને પરબ પર પાણી પીવા જતાં લપસી ગંભીર ઈજા પહોંચે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
૧૭૦ વર્ષ જૂની વાંસદા તાલુકાના ધરમપુરી ગામની એક માત્ર શાળામાં આદિવાસી ગરીબ પરિવારના ૧૬૦ જેટલા બાળકોના સારા ભણતર માટે ૧ થી ૮ ધોરણનો અભ્યાસ કાર્યરત છે. સરકાર આજે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં સારા શિક્ષણને લઇ અનેક પ્રયત્નો કરી રહી છે, ત્યારે ધરમપુરી અને માળ ગામની પ્રાથમિક શાળા સરકારના વિકાસના કામોથી વંચિત રહી જવા પામી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.