વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ જીવણ નગરના રહીશો હાલ જીવ અઘ્ધર રાખીને આવાસોમાં રહી રહ્યા છે. 10 વર્ષ પહેલા જ ફાળવાયેલ મકાનોના છતના પોપડા ખરી રહ્યા છે અને ગમે ત્યારે છત પણ પડી જાય તેવી સ્થિતિ છે ત્યારે આ મુદ્દે હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ ભાજપાના જ નગર સેવક દ્વારા કરવામાં આવી છે.
વાઘોડિયા રોજ ઉપર આવેલ જીવણ નગરના રહીશો દ્વારા તેઓને ફાળવવામાં આવેલ મકાનો તકલાદી હોવાનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. , માત્ર 8 – 10 વર્ષ અગાઉ ફાળવેલ મકાનો હાલમાં પડી ગયા છે. છત ઉપરથી પોપડા ખરી રહ્યા છે. આ અંગે મકાનો ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી.
જો કે અહીંના લોકો જાયે તો જાયે કહા જેવી સ્થિતિ છે. ત્યારે ભાજપાના નગરસેવક આશિષ જોશીએ આ અંગે કમિશ્નરને કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ કરી છે તેઓએ પાત્ર લખી જણાવ્યું છે કે આ આવાસની હાલમાં સ્થિતિ પ્રથમ દૃષ્ટિએ જ હલકી કક્ષાનું બાંધકામ થયું હોય તેમ દેખાઇ આવે છે અને હાલમાં જ આ આવાસ યોજનામાં જે ઘટનાઓ ઘટી કે જેમાં સ્લેબના પોપડા ખરવા માંડ્યા, ધરોમાં પાણી ટપકવા માંડ્યું, સાથે સાથે સ્લેબ લીક થવાને કારણે પંખા પણ પડ્યા અને આવાસમાં રહેતા નાગરિકો ઘાયલ પણ થયા રહીશોની ફરીયાદો આવ્યા બાદ જો તંત્રએ ઇજારદારને બોલાવી રીપેરીંગ કરાવ્યું હોત તો આ સ્થિતિનું નિર્માણ ના થાત. દુ:ખ સાથે જણાવવું પડે છે કે, માત્ર ૧૩ વર્ષમાં જ આ આવાસોની સ્થિતિ ખુબ ભયજનક છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અસંખ્ય મકાનો વડોદરા શહેરમાં બાંધવામાં આવેલા છે. જેથી એક ઇંટ સુધ્ધાય ખરી નથી ત્યારે એ ચોક્કસ કહી શકાય કે જીવનનગરનું બાંધકામ ખુબજ હલકી ગુણવત્તાનું થયેલું છે.