Madhya Gujarat

આણંદમાં 12 વિદ્યાર્થીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ

પેટલાદ : આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધો.6માં પ્રવેશ માટે 12 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા દોઢેક માસથી રઝળપાટ કરી રહ્યા છે. આ શાળામાં પ્રવેશ માટે લેવાતી પરિક્ષા પાસ કર્યા બાદ પણ આ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ વિદ્યાર્થીઓનો પ્રવેશ અર્બન અને રૂરલના નિયમો વચ્ચે અટવાયો છે. જેને કારણે બાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ દોઢેક માસથી ભણતર વિના ચિંતીત છે. આ વિદ્યાર્થીઓના વાલીઓએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. જો આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો કદાચ આગામી દિવસોમાં વાલીઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાના હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ જીલ્લાઓ ખાતે જવાહર નવોદય વિદ્યાલય ચલાવે છે. આ શાળામાં ખાસ તો મોટા ભાગે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા હોય છે. જેઓને રહેવા, જમવા, ડ્રેસ, પુસ્તકો વગેરે જેવી તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે. આ શાળાનું સંચાલન જે તે જીલ્લાના કલેક્ટર હસ્તક કાર્યરત હોય છે. આ શાળાઓમાં ધો.6થી ધો.12 સુધીનો અભ્યાસ કાર્યરત છે. જેમાં ધો.6 અને ધો.8માં જ પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ માટે પરિક્ષા લેવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ધો.6માં પ્રવેશ મેળવવા માટે પરિક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે કાર્યરત છે. જ્યાં ધો.6માં પ્રવેશ આપવા પૂર્વે આપવામાં આવતી પરિક્ષા માટે ગત ફેબ્રુઆરી 2023માં ફોર્મ ભરાયાં હોવાનું પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતુ.

આ અંગે વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા થઈ ગયા પછી જૂન 2023માં તેનું પરિણામ આવતા મેરીટ લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં અમારા બાળકોના નામો હતા. બાદમાં શાળા દ્વારા પ્રવેશ મેળવનારા 80 જેટલા વિદ્યાર્થીઓનું ગૃપ બનાવવામાં આવ્યું હતું. જેના દ્વારા પ્રવેશ માટે જરૂરી કાગળો લઈ નિર્ધારીત દિવસે શાળામાં જવાની સૂચના મળી હતી. જેથી અમો શાળાએ પહોંચતા આચાર્યએ અમોને જણાવ્યું હતું કે, તમે એડમિશન રૂરલ માંગો છો, પરંતુ તમે અર્બનમાંથી આવતા હોવાને કારણે પ્રવેશ આપી શકાશે નહીં.

વિદ્યાર્થી રહે ગમે ત્યાં, પરંતુ અભ્યાસ ક્યાં કરે છે ? તેના આધારે પ્રવેશ માટે રૂરલ અને અર્બન નક્કી થતું હોય છે. આ જાણી વાલીઓ ડઘાઈ જતાં તેઓએ જે શાળામાં ધો.5નો અભ્યાસ કર્યો હતો, ત્યાંથી રૂરલ હોવાનો પત્ર લાવવા છતાં શાળા પ્રવેશ આપતા નથી. આ ઉપરાંત આ પત્ર ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરતાં તેઓ પણ રૂરલનો દાખલો આપવા તૈયાર નથી. જેથી 12 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરિક્ષા પાસ કરી હોવા છતાં પ્રવેશથી વંચિત છે. આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પ્રવેશ તથા ન્યાય મેળવવા છેલ્લા દોઢેક માસથી નેતાઓ, અધિકારીઓ વગેરે સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. છતાં હજી પણ પ્રવેશના મુદ્દે પરિણામ શૂન્ય રહેતા આ 12 વિદ્યાર્થીઓ શિક્ષણથી પણ વંચિત છે.

હવે કેમ આવો નિયમ ?
નવોદય વિદ્યાલયમાં ધો.6ના પ્રવેશ‌ માટે મેરીટ જાહેર થયુ છે. જે મુજબ આરવ ચૌહાણ, પૂર્વી ઠાકોર, હિરવા રાઠોડ, દર્શ ઠાકોર, સંકેત ઠાકોર, પ્રિયાંશી રોહિત, કિર્તન રોહિત, યુવરાજ રાવળ, માનવ પ્રણામી, શાનીયા ડામોર, માનવી સરગરા વગેરેનો મેરીટમાં સમાવેશ થાય છે. જે પૈકી દર્શ ઠાકોરના મોટા ભાઈનો પ્રવેશ બે વર્ષ અગાઉ થયો હતો, જે હાલ પણ આ શાળામાં અભ્યાસ કરે છે. એ જે શાળામાં કરતો હતો ત્યાં જ દર્શ ઠાકોરે અભ્યાસ કર્યો છે. તો હવે કેમ આ શાળાને રૂરલના બદલે અર્બનમા ગણવામાં આવે છે ? આ ઉપરાંત અન્ય એક વાલીએ પણ જણાવ્યું હતું કે, હાલ તેમના બાળકો જે શાળામાં ધો.5માં અભ્યાસ કરી નવોદયના પ્રવેશથી વંચિત છે, તે જ શાળામાંથી અગાઉ ઘણા વિદ્યાર્થીઓ નવોદયમાં પ્રવેશ મેળવી આગળનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો હવે કેમ આવો નિયમ બનાવવામાં આવ્યો છે ?

પરીક્ષામાં ટોપર છતાં પ્રવેશ ન મળ્યો
આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા અંદાજીત પાંચેક હજાર જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેસે છે. જેમાંથી પ્રવેશ માત્ર 80 વિદ્યાર્થીઓને આપવાનો હોય છે. જેનું પ્રથમ મેરીટ જાહેર થતાં પ્રથમ નંબર આરવ કમલેશભાઈ ચૌહાણ છે. છતાં આ વિદ્યાર્થી હજી પણ પ્રવેશથી વંચિત છે.

પ્રવેશ પ્રક્રિયા સાથે ચેડાં ?
અગાઉના વર્ષોમાં પ્રવેશ આપ્યા હોવા છતાં આ વખતે રૂરલ – અર્બનનો મુદ્દો ઉછળતાં બોરીયાવીના એક વાલીએ જણાવ્યું હતું કે, આ અંગે શાળામાં કોલ કર્યો હતો. તો શાળામાંથી એવો જવાબ મળ્યો હતો કે અગાઉ પ્રવેશ આપવામાં ભૂલ થઈ ગઈ હતી, જે આ વર્ષથી નથી કરવાની. શું પ્રવેશ પ્રક્રિયા સાથે આવા ચેડાં કેમ થઈ રહ્યા છે ? શું કોઈ આર્થિક લાભ મેળવવાનો ઈરાદો છે ? શા માટે રાજકીય નેતા, આગેવાનો કે ઉચ્ચ અધિકારીઓને અમારા આ ગંભીર પ્રશ્નને ઉકેલવામાં રસ નથી ? આવા અનેક પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top