SURAT

સુરત: લગ્નના એક જ મહિનામાં પતિ બનેલા પ્રેમીએ મોંઢામાં કીડી મારવાનો પાઉડર ઠુસી દીધો

સુરત: સુરત (Surat) શહેરના લિંબાયત ખાતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પાંગરેલા પ્રેમમાં એક મહિના પહેલા લગ્ન કરનાર યુવતીને પતિએ બીજી છોકરીના પ્રેમના ચક્કરમાં કીડી મારવાનો પાઉડર પાણીમાં નાંખી અડધી બોટલ પાણી બળજબરીથી પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. લિંબાયત પોલીસે પતિ, સાસુ અને સસરાની સામે ફરિયાદ દાખલ કરી છે.

  • લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતા સાસુ-સસરાને ગમતી નહીં હોવાથી સાસુએ ઝાપટો મારી દીધી હતી અને સસરો ગાળો આપતો તેથી અલગ રહેવા ગયા તો પતિએ પ્રોત પ્રકાશ્યું
  • અન્ય યુવતી સાથે લફડામાં 19 વર્ષની પરિણીતાને જાનથી મારી નાંખવાનો પ્રયાસ

લિંબાયત ખાતે મહાપ્રભુનગરમાં રહેતી 19 વર્ષીય નુરસબાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેના પતિ આમીર એજાજ શેખ, સાસુ સમસા બેગમ એજાજ શેખ અને સસરા એજાજ ઈઝહારુલહક શેખ (બન્ને રહે. પ્લોટ નંબર- ૬૫, સરદારનગર, લિંબાયત) ની સામે ફરિયાદ નોધાવી છે. વર્ષ 2021માં આમીર સાથે મુલાકાત થતાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી.

બાદમાં મિત્રતા થતા પ્રેમ સંબંધ બંધાયો અને 19 જુન 2023ના રોજ લિંબાયતની મદ્રેસામાં નિકાહ થયા હતા. 22 જુને કોર્ટ મેરેજ કરી નુરસબા તેના સાસરે રહેતી હતી. પરંતુ સાસુ સસરાને તે ગમતી નહોતી. જેથી તેની સાથે રોજ ઝઘડો અને બોલાચાલી થતી હતી. 3 જુલાઈએ સાંજે સાસુએ તેને ચાર પાંચ ઝાપટ મારી હતી. અને સસરાએ ગાળો આપતા નુરસાએ તેના પતિને જાણ કરી હતી. પાંચ દિવસ પહેલા આમીર સાથે તે અલગ નીકળી પ્રભુનગરમાં રહેવા ગઈ હતી.

માતા સાથે વાત કરી તેમાં તો પરિણીતાનું માથું દિવાલ સાથે અફાળ્યું
આમીરનો અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થતો હતો. જેથી ગઈકાલે રાત્રે નુરસબાએ તેની માતાને ફોન પર કહ્યું હતું કે આમીર છુટાછેડા લેવાની વાત કરે છે. જેની અદાવત રાખીને આમીરે તેનું માથુ દિવાલ પર અથડાવી ઘરમાં લાલ કીડીનો પાઉડર તેના હાથમાં લઈને મોઢામાં નાંખી અડધો બોટલ પાણી પીવડાવી દીધું હતું. અને અગર તુને કિસીકો બતાયા કે મેં ને તેરે કો પાવડર ખિલાયા હૈ તો તુજે જાન સે માર દુંગા તેમ કહીને તે ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં પડોશીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને લિંબાયત પોલીસે સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top