ઉત્તર ભારતમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ૫૦ વર્ષના સૌથી વિનાશક પૂરો આવ્યાં તેને કારણે કાલકા-સિમલા વચ્ચેનો વહેવાર ખોરવાઈ ગયો છે તો કુલુ-મનાલી વચ્ચેનો નેશનલ હાઇ વે તો લગભગ આખો ધોવાઈ ગયો છે. યમુના નદી હિમાચલ પ્રદેશમાંથી પસાર થઈને દિલ્હી આવતી હોવાથી દિલ્હીમાં વગર વરસાદે ભયંકર પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ કર્યા હતા. યમુના નદીનું જળસ્તર વધતાં તેમના તમામ દાવાઓની પોલ ખૂલી ગઈ છે.
અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં દિલ્હીને ઉદયપુરની જેમ તળાવોની નગરી બનાવવાનું વચન આપ્યું હતું. આજે દિલ્હીમાં ઠેરઠેર તળાવો જોવા મળી રહ્યાં છે. યમુના નદી છેલ્લાં આશરે ૫૦ વર્ષથી લાલ કિલ્લાથી દૂર જતી રહી હતી, તેનાં પાણી હવે લાલ કિલ્લાની દિવાલને અડી ગયા છે. લાલ કિલ્લાને પર્યટકો માટે બંધ કરવાની સરકારને ફરજ પડી છે. સરકારે ૩,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બનાવ્યો તે યમુનાના પૂરમાં જળમગ્ન બની ગયો છે. તેમાં પાણીનો નિકાલ કરવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે પોકળ પુરવાર થયું છે. યમુનાનાં પાણી સુપ્રીમ કોર્ટનાં પગથિયાં સુધી આવી ગયાં છે અને તેમાં અડધો રાજઘાટ પણ ડૂબી ગયો છે.
હિમાચલ પ્રદેશમાં બિયાસ અને સતલજ નદીમાં જે પૂરો આવ્યાં તેમાં નદીકિનારે ગેરકાયદે બનાવવામાં આવેલાં સંખ્યાબંધ મકાનો અને હોટેલો પત્તાના મહેલની માફક પૂરમાં તણાઈ ગયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કુદરતના નિયમોની ઉપેક્ષા કરીને જે મહામાર્ગો તૈયાર કરવામાં આવ્યા છે તે ધોવાઈ ગયા છે. તેના પર નદીઓ વહી રહી છે. આ મહામાર્ગો બનાવવા માટે પહાડો કાપવામાં આવ્યા હતા તેને કારણે શિલાઓ ગબડી રહી છે. નવી દિલ્હી જેવાં શહેરોમાં પણ યમુનાના પટમાં ગેરકાયદે વસાહતો ઊભી કરવામાં આવી હતી તે જળબંબાકાર થઈ ગઈ છે. કુદરતના કાનૂનોના ભંગની સજા માનવજાત ભોગવી રહી છે. આ પહેલી વાર નથી, જ્યારે દિલ્હી પૂરના વિનાશનો સામનો કરી રહ્યું છે.
આ પહેલાં દિલ્હીમાં ૧૯૨૪, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૯૫, ૨૦૧૦ અને ૨૦૧૩માં ભારે પૂરનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ૪૫ વર્ષ પહેલાં ૧૯૭૮માં આવેલું પૂર દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી ભયાનક પૂર હતું. છેલ્લી વખત ૧૯૭૮ માં યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ વખતે પણ યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે પૂર આવ્યું છે. આ વર્ષે યમુના નદીનું જળસ્તર ૨૦૭.૬૬ મીટરે પહોંચી ગયું છે, જેના કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ ૧૯૭૮માં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ૨૦૭.૪૯ મીટરે પહોંચ્યું હતું.
૧૯૭૮ માં દિલ્હીમાં જે પૂર આવ્યું તે અગાઉના કોઈ પણ પૂરમાં અભૂતપૂર્વ હતું. લોકોનાં ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં, જેના કારણે લોકો બેઘર બન્યાં હતાં. આ વખતે પણ હજારો લોકોએ દિલ્હીમાં પોતાનું ઘર છોડવું પડ્યું છે. ૧૯૭૮માં આવેલા પૂર પહેલાં દિલ્હીએ ૧૦૦ વર્ષ સુધી આવું પૂર જોયું ન હતું. દેશની રાજધાનીમાં કટોકટી જેવી સ્થિતિ હતી, તમામ વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવી હતી. યમુનાના તમામ પુલો પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. યમુના નદી જૂના રેલ્વે પુલમાં ખતરાના નિશાનથી ૨.૫૦ મીટર ઉપર વહી રહી હતી અને નદીનું જળસ્તર આખરે ૨૦૭.૪૯ મીટરના નિશાનને સ્પર્શ્યું હતું. ૧૯૭૮માં પણ હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી લગભગ સાત લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું,
જેના કારણે યમુનામાં આવેલા વિનાશક પૂરને કારણે આખું દિલ્હી પાણીમાં ડૂબી ગયું હતું. આજે ૪૫ વર્ષ બાદ દિલ્હીમાં પૂરનું કારણ પણ હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી છે. સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ અનુસાર દિલ્હીથી ૧૮૦ કિલોમીટર દૂર હરિયાણાના યમુનાનગર સ્થિત હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુના નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને વિનાશક મોજાંના કારણે દિલ્હી ડૂબી ગયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર પહેલાં હથનીકુંડ બેરેજનું પાણી પહોંચવામાં બેથી ત્રણ દિવસ લાગતા હતા, પરંતુ આ વખતે બેરેજનું છોડેલું પાણી ખૂબ જ ઓછા સમયમાં દિલ્હી પહોંચી ગયું છે. આ પૂરનું કારણ યમુના નદીના કિનારે કરવામાં આવેલું જબરદસ્ત અતિક્રમણ છે. તેના કારણે હથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને બહાર નીકળવા માટે ખૂબ જ સાંકડો રસ્તો મળ્યો હતો અને દિલ્હીના વિસ્તારોમાં તેજી સાથે પાણી ભરાઈ ગયાં હતાં. આ સિવાય યમુના નદીનું સ્તર કાંપથી ઉપર આવી ગયું છે, જેના કારણે દિલ્હીમાં પૂર આવ્યું છે.
મોગલ કાળમાં યમુના નદીના પશ્ચિમ કિનારે દરિયાગંજમાં બજાર ભરાતું હતું. લાલ કિલ્લો અને સલીમગઢ જેવી ઇમારતો પણ નદીના પશ્ચિમ કિનારે બનાવવામાં આવી હતી. પછીના સમયગાળામાં યમુનાનો પ્રવાહ પૂર્વ દિશામાં ફેરવાઈ ગયો હતો અને યમુના લાલ કિલ્લાથી દૂર થઈ ગઈ. ૧૯૭૮ના પૂર દરમિયાન પૂરનું પાણી આ વિસ્તારમાં પહોંચ્યું હતું. ૪૫ વર્ષ પછી હવે યમુના ફરી એક વાર લાલ કિલ્લા સુધી ફેલાઈ ગઈ છે. તેના પરથી લાગે છે કે નદીને પણ પોતાની યાદશક્તિ હોય છે. નદી પોતાનો જૂનો રસ્તો કદી ભૂલતી નથી. INTACH ના નેચરલ હેરિટેજ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા મનુ ભટનાગર જણાવે છે કે સલીમગઢના પાયાનો ઉપરનો ભાગ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે પાણીના મજબૂત પ્રવાહને બે ભાગમાં વહેંચવાથી પૂરની અસરને નિષ્ફળ બનાવવામાં આવે છે.
આ બંને ઐતિહાસિક ઈમારતો પણ યમુના કિનારે બનાવવામાં આવી હતી. આ ઇતિહાસમાં નોંધાયેલી હકીકત છે. જહાંગીરપુરી, ભાલસ્વા તળાવ, લેન્ડફિલ અને તિમારપુરની આસપાસના મોટા વિસ્તારોમાં કળણવાળી જમીન હતી. તેમાં પૂરનાં પાણી ફેલાઈ જતાં હતાં. હવે નદીની બંને બાજુએથી પાળાઓ કરવામાં આવ્યા હોવાથી તેને પહોળાઈમાં ફેલાવવું શક્ય નથી. તેના બદલે નદીની ઊંચાઈ વધે છે અને જ્યારે પ્રવાહ વધારે હોય છે ત્યારે નદી તેની સરહદ ઓળંગીને તેના જૂના પ્રવાહના વિસ્તાર પર આગળ વધે છે. દિલ્હીમાં અત્યારે યમુના સાથે આવું જ થઈ રહ્યું છે.
જલ બોર્ડના નિવૃત્ત અધિકારી અને યમુના નદીના પ્રવાહોના જાણકાર એસ.એ. નકવી કહે છે કે દિલ્હીની ખરાબ બાબત એ છે કે તેની પાસે ન તો પોતાની ડ્રેનેજ સિસ્ટમ છે કે ન તો સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ માટે કોઈ યોજના છે. અગાઉ જે સવલતો હતી તે પણ નાબૂદ કરવામાં આવી છે. દાખલા તરીકે અંગ્રેજોના સમયમાં કરોલ બાગમાં એક નાળું હતું. તે આનંદ પર્વત અને પહાડગંજ થઈને યમુનામાં મળતું હતું. જો યમુનામાં વધુ પડતું પાણી આવે તો તે કરોલ બાગના નાળામાં ઠલવાઈ જતું હતું. હવે તે ગાયબ થઈ ગયું છે. તેની જગ્યા પર ઝૂંપડાંઓ બની ગયાં છે. આ ઝૂંપડાંમાં રહેતાં ગરીબો રાજકારણીઓની મતબેન્ક છે, માટે તેમને હટાવી શકાતાં નથી.
પરિણામે થોડો વરસાદ આવે કે યમુના નદી પૂરના કારણે છલકાઈ જાય છે. ભાજપ, કોંગ્રેસ અને આપની સરકારોએ જેટલું ધ્યાન દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવવા અને ફ્લાયઓવર બાંધવા પર આપ્યું છે તેના સોમા ભાગનું ધ્યાન પણ પાણીના નિકાલની વ્યવસ્થા પર આપ્યું નથી. આવી સ્થિતિમાં જો દિલ્હીને બચાવવી હશે તો સરકારે આ દિશામાં મોટા પ્રયાસો કરવા પડશે અને ગેરકાયદે બાંધકામો હટાવવાં પડશે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.