Charchapatra

ધર્માંતરણ રોકવું જરૂરી છે

દેશમાં આજે ચર્ચાતો ગંભીર પ્રશ્ન ધર્માંતરણનો બનેલ છે ત્યારે સરકારોએ, સંસ્થાઓએ તેમજ નાગરિકોએ આ બાબતે જાગૃત બનીને ત્વરિત પગલાંઓ લેવાની જરૂર છે. ધર્માંતરણ દ્વારા નાગરિકનું રાષ્ટ્રાંતર થતું હોય છે, જે ભવિષ્યમાં દેશ માટે ગંભીર પ્રશ્નો ઊભો કરનાર છે અને તેથી પૂરા દેશમાં ધર્માંતરણ સદંતર પ્રતિબંધિત કરવાની જરૂર છે. રાષ્ટ્રીય બાળ અધિકાર ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં ઓનલાઇન ધર્માંતરણ રેકેટની તપાસ કરવા માટે ઇલેકટ્રોનિકસ અને આઇ.ટી. મંત્રાલયને પત્ર લખેલ છે.

સગીર છોકરાઓના ધર્મપરિવર્તનમાં ઓનલાઇન ગેમીંગ પ્લેટફોર્મનાં નામો બહાર આવેલ છે. ઓનલાઇન ગેમીંગ પ્લેટફોર્મ ‘ફોર્ટનાઇટ’ના માધ્યમથી સગીર બાળકોને વાતચીતમાં ફસાવવામાં આવે છે અને પછી ડિસ્કોર્ડ પર ધાર્મિક પરિવર્તન માટે બ્રેઇન વોશ કરવામાં આવે છે તેવું બહાર આવેલ છે. દિલ્હીના રેનબસેરાઓમાં સમાજસેવાને નામે વોટ્સએપ ગ્રુપ બનાવી ધર્માંતરણ કરાવતાં હોવાની ફરિયાદ બહાર આવેલ છે, જે ધર્માંતરણના વિસ્તારનો વ્યાપ સાબિત કરે છે. દેશના આદિવાસી પછાત વિસ્તારોમાં વર્ષોથી આવા ધર્માંતરણ ખ્રિસ્તી મિનશનરીઓ દ્વારા થઇ રહ્યું છે, જેની ચર્ચાઓ દેશભરમાં થતી રહી છે.

મણીપુર રાજ્યની હાલની હિંસક ઘટનાઓમાં આડકતરી રીતે મૂળ ધર્માંતરણનો જ પ્રશ્ન સંડોવાયેલ છે, જેને એક યા બીજાં કારણોસર બહાર લવાતો જ નથી. ધર્માંતરણના ગંભીર પ્રશ્નોને સરકારે રાજકીય ભેદભાવો ભૂલીને અને બેંકોની રાજનીતિ છોડી નિવેડો લાવવો જ રહ્યો, કારણ કે આ ગંભીર પ્રશ્ન દેશમાં દૂરગામી અસરો ઊભો કરનાર છે. દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણ અંગે દેશની સુપ્રિમ કોર્ટે પણ તાજેતરમાં ચિંતા વ્યકત કરેલ છે અને કેન્દ્ર સરકારને બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા શું પગલાંઓ લઇ શકાય તે પૂછેલ છે.

સુપ્રિમ કોર્ટે જણાવેલ છે કે બળજબરીથી થતા ધર્માંતરણ માટે વધુ ટાર્ગેટ કરાય છે. લાલચ-બળજબરીથી ધર્માંતરણ બાબતે કેન્દ્ર સરકારે પણ જણાવેલ છે કે ધાર્મિક સ્વતંત્રતા દેશમાં ખરી પણ ફરજીયાત ધર્માંતરણ અધિકાર નથી જેની સંબંધિત નોંધ લેવાની જરૂર છે. દેશનાં જે રાજ્યોએ ધર્માંતરણ રોકવા માટે કાયદાઓ કરેલ નથી તે સર્વે રાજ્યોએ આ ગંભીર પ્રશ્ને સત્વરે કાયદા કરવાની જરૂર હોય એમ લાગે છે. દેશની સેવાકીય સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતાનું કાર્યક્ષેત્ર અધિકારી પાછળ વિસ્તારોને બનાવીને આવા અરાષ્ટ્રીય ધર્માંતરણ સત્વરે રોકવાની હવે જરૂરી બનેલ છે.
અમદાવાદ         -પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top