Comments

છોડતાં શીખો

એક બોધ કથા છે. મદારીઓ વાંદરાઓને પકડવા માટે ક્યારેય તેમની પાછળ દોડતા નહિ કારણ કે તેમ કરતાં વાંદરાઓ સરળતાથી પકડાતા નહિ.મદારીઓ તેમને જીવતા પકડવા ઇચ્છતા હતા એટલે તીર મારવાનો તો સવાલ જ ન હતો એટલે તેઓ એક યુક્તિનો પ્રયોગ કરતા. તેઓ વાંદરાઓને દેખાય તે રીતે સાંકડા મોઢાવાળી કાચની બરણીમાં કેળાં મૂકી બરણીનું મોં ખુલ્લું રાખી આજુબાજુની ઝાડીમાં છુપાઈ જતા. વાંદરાઓ ત્યાં આવતાં, કેળાની સુગંધ પારખી આજુબાજુ નજર દોડાવતા, તેમને કાચની બરણીમાં કેળાં દેખાતાં એટલે તેઓ દોડીને બરણી પાસે પહોંચી જતા અને બરણીની નજીક જઈને કેળાં લઇ લેવા અંદર હાથ નાખતા અને હાથમાં તરત કેળું આવી જતું,

પણ વાંદરાઓનો હાથ કેળા સાથે બહાર નીકળતો નહિ.તેઓ ઘણી માથાકૂટ કરતા પણ ઘણી કોશિશો બાદ પણ હાથ કેળા સાથે સાંકડા મોંવાળી બરણીમાંથી બહાર આવતો જ નહીં, જો કેળાંને તેઓ છોડી દે તો હાથ બહાર આવી શકે તેમ હતો…પણ કેળાની લાલચને લીધે વાંદરાઓ કેળાં છોડતાં નહિ, કેળાં સાથે હાથ બહાર કાઢવાની ખટપટ કરતા જ રહેતા અને એટલી વારમાં પાછળથી આવીને મદારીઓ તેમને ગુનીમાં ભરીને પકડી લેતા અને પછી તેમને પોતાના ગુલામ બનાવી નાચ નચાવતા.ખેલ કરાવતા.કેળાં છોડી દે તો હાથ બહાર કાઢી તેઓ ભાગી શકે અને સહેલાઈથી પકડાય નહિ…પણ વાંદરાઓ હાથમાં આવેલાં કેળાં છોડતા નહિ, પોતે પકડાઈ જતા.

આ બોધકથા પરથી જીવનનો મહત્ત્વનો બોધપાઠ શીખવા જેવો છે કે આ વાંદરા જેવા ન બનો.જીવનમાં ખાસ યાદ રાખો કે જીવનમાં જે વસ્તુ ,વ્યક્તિ ,સંજોગો તમને આગળ વધતાં રોકી રહ્યા છે તેને ઓળખો અને તેને કયારે..કયા સમયે છોડવું તે તમારે સમયસર નક્કી કરીને બધું છોડીને આગળ વધવાનું છે. જો સમયસર છોડશો નહિ તો મોડું થઇ જશે. કેટલીક વાર જીવનમાં એવા સંજોગો નિર્માણ થાય છે કે આગળ વધવા, સફળતા મેળવવા તમારે  અત્યારે તમારી પાસે જે છે તેને છોડવું પડશે, પછી તમને તે વસ્તુ ,વ્યક્તિ ભલે ગમે તેટલી પ્રિય હોય, તમારે મમત ,લાલચ અને જીદ છોડવી પડશે.મનને મક્કમ કરી મનગમતું છોડીને આગળ વધવું પડશે તો જ સફળતા મળશે.જો જીવનમાં સમયસર છોડી નહિ શકો તો વધુ સારું કદાચ નહિ મેળવી શકો…આગળ નહિ વધી શકો.લાલચ ,મોહ તમને આગળ વધતાં અટકાવશે.સફળતા મેળવવા, આગળ વધવા મહેનત સાથે ત્યાગ પણ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top