સુરત: કોર્ટને જીયાવ-બુડિયા ખાતે ખસેડવાનો મુ્દો વધુ ગરમાતો જઈ રહ્યો છે. વકીલો લડી લેવાના મુડમાં છે. ત્યારે ખાસ આ જ મુદ્દે આજે સુરત જિલ્લા વકીલ મંડળની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં લોક અદાલતનો બહિષ્કાર કરવા તેમજ મિડિએશન સેન્ટરમાં સેવા આપવાનો વિરોધ કરવા ઠરાવો કરવામાં આવ્યા હતાં.
આજે મળેલી સામાન્ય સભામાં કોર્ટ કમિટીએ કરેલ કામગીરી બાબતે અને કોર્ટ કમિટીએ કરેલા સુચનો સામાન્ય સભામાં વાંચી સંભળાવેલ હતાં. સામાન્ય સભામાં વકીલોએ પોતપોતાનાં સુચનો અને રજુઆત કરેલ તેમજ કોર્ટ જીયાવ – બુડીયા ન લઇ જવાનાં સૂરને સામાન્યસભાએ વધાવેલ અને ઉગ્ર આંદોલન કરવાની તેમજ છેલ્લે સુધી લડી લેવાનો મુડ સામાન્ય સભામાં આક્રોશ સાથે જોવા મળ્યો હતો.
સામાન્ય સભાના અંતે વકીલ ઉદયભાઈ પટેલ તરફથી લોક અદાલતના કાર્યક્રમનો બહિષ્કાર, મિડીએશન સેન્ટરમાં સેવા આપતા વકીલશ્રીઓને સેવા ન આપવા એટલે કે, મીડીએશન સેન્ટરની સેવાનો બહિષ્કાર કરવાની વિનંતી અંગે ઠરાવ રજુ કરવામાં આવેલ. સાથે જ હાથમાં લાલપટ્ટી બાંધી તમામ વકીલોને વિરોધ પ્રદર્શીત કરવા અંગેના ઠરાવ રજુ કરવામાં આવ્યા હતા.
સુરતના કલેકટર અને પોલીસ કમિશનર પાસેથી પરવાનગી મેળવી કલેકટરને આવેદનપત્ર આપવા માટે મહારેલી કાઢવા અંગેનો ઠરાવ રજુ કરવામાં આવેલ છે, જે ઠરાવને વકીલ જીતેન્દ્રભાઈ ગીનીયા અને કિરણબેન જોષીનાંએ ટેકો જાહેર કરેલો અને આ તમામ ઠરાવો સામાન્ય સભામાં હાજર રહેલા સભ્ય વકીલોએ એક સુરે મંજૂર રાખ્યા હતા.
સામાન્ય સભામાં સુરત જિલ્લા વકીલ મંડળનાં પ્રમુખ પરસોતમ ટી. રાણા, ઉપપ્રમુખ અમર વી. પટેલ, મંત્રી હિમાંશુ આઇ. પટેલ, સહમંત્રી સાગર જરીવાલા અને ખજાનચી ધર્મેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યાં હતાં.
આ બાબતે પ્રમુખ પરસોતમ રાણાએ જણાવ્યું હતું કે મિડિએશન સેન્ટરમાં સેવા આપતા વકિલોને અપીલ કરાશે કે તેઓ સેવા ન આપે. જો કોઈ વકીલ અપીલ નહીં માને તો તેવા સંજોગોમાં શું કરવું તે પછીથી સુરત જિલ્લા વકિલ મંડળ નક્કી કરશે.
ત્રણ હોદ્દેદારો જ સામાન્ય સભામાં હાજર નહીં રહેતાં રોષ, ખુલાસો કરાયો
આજે કોર્ટને જીયાવ-બુડિયા ખાતે નહીં ખસેડવાના મુદ્દે ખાસ સામાન્ય સભા મળી હતી. તેમાં સભ્યો એડવોકેટ જીતેન્દ્ર ગોળવાળા, આર.એન.પટેલ અને હિતેશ પટેલ સભામાં હાજર રહ્યાં ન હતા. તેથી વકિલોએ તેમના પ્રત્યે નારાજગી દર્શાવી હતી. જો કે આ બાબતે ખુલાસો કરતાં એડવોકેટ જીતેન્દ્ર ગોળવાળાએ જણાવ્યું હતું કે આજ રોજ સમગ્ર ગુજરાતના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણઅર્થે મુખ્યમંત્રીએ 5 કરોડ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. તેમાં ત્રણેય એડવોકેટ હોદ્દેદાર હોવાથી તેમણે ત્યાં હાજર રહેવું જરૂરી હોવાથી તેઓ ચેક અર્પણ કાર્યક્રમમાં ગયા હતાં. તેથી તેઓ સુરત કોર્ટમાં સામાન્ય સભામાં હાજર રહી શક્યા ન હતાં.