લુણાવાડા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હર ઘર નલ યોજનામાં મહિસાગર જિલ્લામાં મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હાલના તબક્કે વિજીલન્સ તપાસના અંતે યુનિટ મેનેજર સહિત છ કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરતાં ખળભળાટ મચી ગયો છે. વિજીલન્સ તપાસમાં સહકાર ન આપતા યુનિટ મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા અન્ય વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ગયાં છે.
મહિસાગર જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમિયાન ગેરરીતિ અંગેની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજીલન્સ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ તપાસમાં વાસ્મોના કર્મચારીઓ દ્વારા દસ્તાવેજો પુરા પાડવામાં આવતાં નહતાં. જ્યારે પુછાયેલા સવાલો અંગે પણ પુરતી માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતાં હતાં. આમ, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના કર્મચારીઓ દ્વારા કંઇક ગડબડ કરાઈ હોવાની ગંધ આવતી હતી. તેમાંય સૌથી મહત્વની બાબત એ હતી કે, તપાસ દરમિયાન મોટા ભાગના કર્મચારીઓ રજા પર ઉતરી ગયાં હતાં. જેના કારણે કામગીરીને ભારે અસર પહોંચી હતી.
આમ છતાં વિજીલન્સ દ્વારા કેટલીક બાબતોમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં રિપોર્ટ મુજબ રેકર્ડ કરેલા માપની સામે ઓછા માપની પાઇપો જોવા મળી હતી. અમુક કિસ્સામાં જે કંપનીની પાઇપ દર્શાવવામાં આવી છે, તે સિવાયની કંપનીની પાઇપ સ્થળ પર મળી હતી. આમ સ્થળ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર અનિયમિતતા જણાઇ હતી. આ ઉપરાંત સ્થળ તપાસમાં અસહકાર અને રૂકાવટના પ્રયત્નો ધ્યાને લેતાં યુનિટ મેનેજર એ.જી. રાજપરા સહિત 6 કર્મચારીને ફરજ મોકુફી હેઠળ ઉતારવાનો આદેશ વાસ્મોની વડી કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યાં હતાં.
આ આદેશ થતાં વાસમો કચેરીમાં હડકંપ મચી ગયો છે. વાસ્મોની કામગીરી સાથે સંકળાયેલા ઇજારેદારોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ બાદ મહીસાગર જિલ્લામાં પણ ‘નલ સે જલ’ યોજનામાં ગંભીર ગેરરીતિઓની ફરિયાદોમાં વિજિલેન્સ ટીમને તથ્ય જણાઈ આવતા આગામી દિવસો નવા યુનિટ મેનેજર સાથે નવી ટીમ સાથે વિજિલેન્સનો તપાસનો દૌર વધુ લંબાશે તેમ જણાઈ રહ્યું છે.
વાસ્મોમાં કોને કોને ફરજ મોકૂફ કરાયાં
એ.જી.રાપરા (યુનિટ મેનેજર), મૌલેશ હિંગુ, દશરથ પરમાર, ભાવિક પ્રજાપતિ, કર્મવીરસિંહ સિસોદિયા, અલ્પેશ પરમાર, સુરપાલસિંહ બારૈયાનો સમાવેશ થાય છે.
મહિસાગર જિલ્લામાં 230 કરોડનો ખર્ચ છતાં પાણીનો પોકાર ઉઠ્યો
મહીસાગર જિલ્લામાં આવેલા છ તાલુકાના 650થી વધુ ગામોમાં રહેતા ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેમજ ઉનાળામાં પશુપાલન માટે પણ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાઇપ લાઇન બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિવિધ પાણી જૂથ યોજના તેમજ વાસમોની હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એકલા મહીસાગર જિલ્લામાં હર ઘર ની સે જલ યોજના અંતર્ગત 230 કરોડ રૂપિયા ઉપરાંતની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવા છતાં ભર ઉનાળામાં પાણીના પોકારો પડ્યા હતા. આ યોજના સ્થાનિક વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર અને નેતાઓની મિલી ભગતના કારણે આ યોજના ફક્ત અને ફક્ત કાગળ પર થઇ હોવાની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી.