હમણાં ચાર દિવસ પહેલા શહેરમાં બનેલી એક ઘટનાને જાણ્યા બાદ સુરતીઓની આંખો પહોળી થઈ ગઈ હતી અને મોઢામાંથી “ના હોય” ના શબ્દો સરી પડયા હતા. એ ઘટના એટલે પીપલોદ બ્રિજ પર એક વ્યક્તિના એક્ટિવામાંથી કોમન ક્રેટ નામનો ઝેરીલો સાપ નીકળ્યો હતો તે. આ ઘટનાએ શહેરવાસીઓમાં ખાસ્સું કુતુહલ જગાવ્યું હતું અને તેના સમાચાર વાયુવેગે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા હતા. સામાન્ય રીતે જંગલમાં કે અવાવરું જગ્યા પર જોવા મળતા આ જીવો માનવોથી ઉભરાતા શહેરો સુધી કઈ રીતે પહોંચી જાય છે?
આ સવાલ લોકોને થયા કરે છે. અત્યારે તો શહેરમાં ચકલીઓ જોવી પણ દુર્લભ થઈ ગઈ છે. ત્યારે રેર ગણી શકાય તેવા શરીરમાં ધ્રુજારી પેદા કરી દેતા સાપ કે અજીબોગરીબ દેખાતા સમુદ્રી જીવો કે પછી હિંસક પ્રાણીઓ શહેરના માર્ગો પર કે કોઈના ઘરમાં કે પછી ગાડીમાં દેખાય તો માણસોમાં કુતુહલ સર્જાય છે પણ આ રીતે માર્ગ ભટકીને શહેરી વિસ્તારમાં આવી ચડતા આ જીવો ક્યારેક ઇજાગ્રસ્ત અવસ્થામાં હોય છે. સુરતમાં આવા રેર બનેલા કયા જીવો મળી આવ્યા હતા? તેમને કઈ રીતે રેસ્ક્યુ કરાયા અને તેમને ટ્રીટમેન્ટ આપ્યા બાદ ક્યાં છોડી મુકાયા તેની રસપ્રદ વાતો આપણે જાણીએ…
ઉત્તર ગુજરાત તરફ જોવા મળતો ગ્લોસિ બેલીડ રેસર સાપ ફરતો-ફરતો ગાડીમાં સુરતના ડિંડોલી આવી ગયો!
આ સાપ આંશિક ઝેરી છે. બે વર્ષ પહેલા ડીંડોલીમાં લોકડાઉન પહેલા એક ગાડીમાંથી મળી આવ્યો હતો. ચાર-પાંચ દિવસ બાદ ડીંડોલીમાંથી જ આ જ પ્રજાતિનો સાપ મળી આવ્યો હતો. આ સાપ ગુજરાતમાં મહેસાણા, પાલનપોર, મોડાસા, ડીસામા મળે ત્યાં પણ જોકે તે રેર જ છે. આ સાપ ગાડીમાં ટ્રાવેલ કરી અહીં સુધી આવી ગયો હોવાનું માનવામાં આવ્યું હતું. આને શહેરની એક જીવદયા સંસ્થાએ રેસ્ક્યુ કરી એના માટે સુગમ રાહ પર રિલીઝ કરાયો હતો.. આ સાપ દંશ દે તો થોડીક બળતરા થાય, ફોલ્લી થાય અને બને કે કોઈને કાંઈજ નહીં થાય.
વિલુપ્ત થઈ રહેલું સ્મૂથ કોટેડ ઓટર (જળબિલાડી) કોઇકવાર તાપી કિનારે મળી આવે છે
આ જળબિલાડી વિલુપ્ત થતી પ્રજાતિમાં છે. દુર્લભ બની રહેલા જીવોના કન્ઝર્વેશન અને રેસ્ક્યુ માટે કામ કરી રહેલી એક સંસ્થા દ્વારા જળબિલાડીઓને વેડ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવી છે. તે નદી કિનારે કુરુક્ષેત્ર, રામમમઢી, ઇસ્કોન મંદિર પાસે, ગવીયરમાં જોવા મળે છે.
ડાંગમાં જોવા મળતો અતિ દુર્લભ અોર્નામેન્ટલ ફ્લાઇંગ સ્નેક પાંડેસરાના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી મળ્યો
આ સાપ સુપર રેર હોય છે. તે આખી જિંદગી ઝાડની ટોચ પર રહેતું હોય છે અને ગલાઈડ કરી શકે છે. તેને કોઈ પક્ષીથી બીક લાગે ત્યારે તે જમ્પ મારીને પોતાની બોડીને પેરાશૂટની જેમ ફેલાવી ફ્લાય કરી નીચે લેન્ડ કરે છે. ખાસ્સા સમય પહેલા આ સાપ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એરિયમા કોઈ ગાડીમાંથી રેસ્ક્યુ કરાયો હતો. તે પણ આંશિક ઝેરી હોય છે તેના દંશ દેવાથી ખંજવાળ આવે છે અને ફોલ્લી થાય છે. તે ડાંગના જંગલમાં જોવા મળે છે.
પાણી, ખોરાક મળી રહે તેવી અવાવરું જગ્યા પર રિલીઝ કરાય છે: મેહુલ ઠાકુર
પ્રયાસ સંસ્થા સાથે સંકળાયેલા મેહુલભાઈ ઠાકુરે જણાવ્યું કે, અમે રેસ્ક્યુ કરાયેલા જીવોને ટ્રીટમેન્ટથી સાજા કર્યા બાદ એવી અવાવરું જગ્યા પર કે તેમના નેટિવ સ્થાન પર રિલીઝ કરીએ છીએ જ્યાં પાણી અને ખોરાક તેમને મળી રહે. સાપને પાણી જોઈએ એટલે અમે જ્યા વોટર બોડી હોય ત્યાં રિલીઝ કરીએ છીએ. અમને દર વર્ષે રેસ્ક્યુ માટેના લગભગ 12 હજાર કોલ મળતા હોય છે. જ્યારે રેસ્કયુની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે લોકોની ભીડ અડચણરૂપ બનતી હોય છે, વળી તેઓ અમને શું કરવું તેની સલાહ આપવાનું શરૂ કરી દે છે. ક્યારે ફાયર બ્રિગેડની પણ મદદ લેવી પડે છે.
જળબિલાડી માટે કન્ઝર્વેશન પ્રોજેકટ કર્યો છે: સ્નેહલભાઈ પટેલ
નેચર કલબ સુરતના સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે, જળબિલાડી વિલુપ્ત પ્રજાપતિમાં આવે છે. નેચર કલબે તેના કન્ઝર્વેશન માટે પ્રોજેક્ટ કર્યો છે. જેમાં સર્વે કરાયો કે, તેની સંખ્યા કેમ ઓછી થાય છે? માછીમાર માછલાં પકડવા જાળ નાખે એટલે જળબિલાડી માછલાં ખાવા જાળ કાપી નાખે. આને કારણે માછીમારો દ્વારા જળબિલાડીને નુકસાન પહોંચાડવામાં આવે છે. માછીમારીને જાગૃત કરાયા કે, આ વિલુપ્ત થઈ રહી છે એટલે તેમને બચાવવી જરૂરી છે. તમે એના સંરક્ષણ માટે ધ્યાન આપો અને આ રીતે તેની સંખ્યા વધારવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 1987થી નેચર કલબ દ્વારા જીવોના રેસ્કયુના કાર્યો થઇ રહ્યા છે. રેસ્ક્યુ માટે વોલિયન્ટર રાખ્યા તેમને ટ્રેન્ડ કર્યા. પછીથી ફુલટાઇમ એમ્પ્લોય રાખ્યા. અમે વેસુમાં પ્રાણીઓની હોસ્પિટલ બનાવી છે. જંગલ ખાતાને મદદ કરીએ છીએ.
ઇજાગ્રસ્ત થયેલા ગ્રીન સી ટર્ટલ સુરતના દરિયા કિનારે તણાઇ આવતા હોય છે
આ કાચબા દરિયામાં જ જોવા મળે છે. તેને બોટના એન્જીનના પંખામાં આવી જતા વીંગમાં ઇન્જરી થાય છે એટલે તે તરી નહીં શકે અને બહાર આવી જાય છે. આ કાચબા ડુમસ, હજીરા, ઉભરાટથી રેસ્ક્યુ કરાયા છે. તે ઈંડા મુકવા દરિયાની બહાર આવે છે. રેતીમાં ખાડો ખોદી ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી સૂરજના પ્રકાશથી બચ્ચા બહાર નીકળે છે. આને જ્યારે ઈન્જરી થાય ત્યારે ટ્રીટમેન્ટ માટે આર્ટિફિશ્યલ દરિયાનું પાણી તૈયાર કરાય છે. પાણીમાં મરીન સોલ્ટ નાખી દરિયા જેવું પાણી તૈયાર કરી આ કાચબાને તેમાં રાખવામાં આવે છે.
વરાછા વિસ્તારમાં એક થેલામાંથી ફોર હોર્ન્ડ એન્ટીલોપ (ચોસિંગા)નાં બે બચ્ચાંને રેસ્ક્યુ કરાયાં
તે વાઈલ્ડ એનિમલ છે ઘોર જંગલમાં રહેનારું છે. થોડાક સમય પહેલાં વરાછમાં એક થેલામા બે બચ્ચા મળી આવ્યા હતા. તેને ફાર્મ હાઉસમાં રાખવા કે તેને ખાવા લઈ જવામાં આવતા હોય છે. આ બંને બચ્ચાઓને એક જીવદયા સંસ્થાએ રેસ્ક્યુ કરી વાંસદાના જંગલમાં રિલીઝ કર્યા હતા.
દામકા તળાવ પાસેથી ફ્લેમીંગોને કરાયું રેસ્ક્યુ
આ પક્ષી માઈગ્રેટરી બર્ડ છે પણ તે હવે વેસ્ટર્ન ઘાટ પર દરિયા કિનારે બારેમાસ જોવા મળે છે. તે ગુજરાતનું સ્ટેટ બર્ડ હોવાથી તેની વેલ્યુ વધારે છે. 5-6 દિવસ પહેલા જ તે દામકા તળાવ પાસે જાળમાં ફસાયેલું જોવા મળ્યું હતું. તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
ડિહાઇડ્રેટ થયેલું રેડનેક ફાલ્કન (લાલ ગર્દનવાળું બાજ) અડાજણમાં મળી આવ્યું
તે માઈગ્રેટરી બર્ડ છે અને તે ઘણું રેર છે. તે માઈગ્રેટ કરતી વખતે ડીહાઇડ્રેટ થાય ત્યારે તેને રેસ્ક્યુ કરાય છે. હમણાં થોડાક દિવસ પહેલા જ તે અડાજણમાં ડીહાઇડ્રેશનની સ્થિતિમાં મળી આવ્યું હતું. તેને ડીહાઇડ્રેડ કરવા પાણી પીવડાવવું પડે. તેને નોર્મલ થઈને રિલીઝ કરવામાં 20 દિવસ લાગે. તે આફ્રિકામાં અને ઇન્ડિયામાં વેળાવદરમાં જોવા મળે છે.