Charchapatra

સુરત શહેરના રસ્તાઓની ખરાબ ગુણવત્તા

વર્ષાઋતુએ સુરત શહેરમાં થોડા વિલંબથી પણ ધમાકેદાર આગમન કર્યું છે ! શહેરમાં અનેક સ્થળે પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થઇ ગયા છે ! આપણા શહેરના રસ્તાના બાંધકામ કેટલે અંશે કાચા છે કે, રોડ જાણે ચંદ્દની ધરતી સમાન ખાડા ધરાવે છે ! નવા બ્રીજનું બાંધકામ પણ પ્રથમ વરસાદે કાચું નિવડયું! આ સમગ્ર બાંધકામની જવાબદારી તંત્રની જ હોઇ શકે, અનેક સ્થળે ખાડામાં પાણી જમા થઇ જતું હોવાથી વાહનો, રાહદારીઓ પર દૂષિત પાણીનો છંટકાવ કરતા રહે છે. અમુક સ્થળે પાણો ભરાવો થતો હોવાથી ખાડાનાં ઊંડાણ દેખાતા નથી અને વાહનને નુકસાન સહિત અકસ્માતનો પણ ભય રહે છે. ચોક વિસ્તારમાં મેટ્રોની કામગીરી સક્રિય હોવાથી પ્રજાજનોની હાલાકી વધતી જ જાય છે. વારંવાર ‘ટ્રાફિકજામ’નો સામનો કરવો જ પડે છે.

રોડનું પેચવર્ક પણ થોડા સમયમાં નીકળી જતાં રસ્તો ઉબડખાબડ બની જતા અકસ્માત સર્જાવાની શકયતા રહે છે. આટલા કાચા રોડનું કારણ રોડ બનાવવાની સામગ્રી અયોગ્ય કક્ષાની હશે ? વિદેશમાં વરસાદની માત્રા આપણા દેશ કરતાં વધુ હોય છે. (લગભગ રોજ) પરંતુ ત્યાંના રસ્તા અતિ મજબૂત અને ટકાઉ હોય છે. પાણીના રેલાની માફક ત્યાં વાહનો પસાર થઇ જાય છે. ત્યાં રોડ બનાવવામાં ગોબાચારી આચરવામાં આવે તો કાયદાકીય દૃષ્ટિએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી એની સામે કાનૂની પગલાં અવશ્ય લેવામાં આવે છે. પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી થઈ જાય એ પ્રકારની વ્યવહસ્થા હોય છે. કરવેરા ચૂકવીને પણ નાગરિકોએ પ્રથમ વરસાદ બાદ હાલાકી જ ભોગવવાની ? તંત્રએ પણ જાગ્રત થઈ યોગ્ય ઇજારદારને મજબૂત અને ટકાઉ રસ્તા બનાવવાની ફરજ અવશ્ય પાડવી જ રહી !
સુરત              – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top