નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 (World cup 2023) આ વર્ષે 5 ઓક્ટોબરથી ભારતમાં (India) શરૂ થવા જઈ રહ્યો છે. હવે આ ટુર્નામેન્ટ (Tournament) માટે તમામ 10 ટીમોના નામ નક્કી કરવામાં આવ્યા છે. આઠ ટીમો પહેલેથી નક્કી કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા ક્વોલિફાયર રાઉન્ડ પછી બે ટીમોને વર્લ્ડ કપ માટે ટિકિટ મળી ગઈ છે. ગુરુવારે નેધરલેન્ડ્સે તેની છેલ્લી મેચમાં સ્કોટલેન્ડને (Scotlands) ચાર વિકેટથી હરાવીને તેની ટિકિટ પર મહોર મારી હતી. અગાઉ શ્રીલંકાએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે 9 જુલાઈએ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની ફાઈનલ શ્રીલંકા (Sri Lanka) અને નેધરલેન્ડ્સ (Neatherlands) વચ્ચે રમાશે. ત્યારબાદ ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2ના નામ નક્કી કરવામાં આવશે. અત્યારે આ બંને ટીમોએ પોતપોતાની જગ્યાઓ કન્ફર્મ કરી લીધી છે.
નેધરલેન્ડને 12 વર્ષ પછી ટિકિટ મળી
સુપર સિક્સીસની તેમની અંતિમ મેચમાં નેધરલેન્ડે સ્કોટલેન્ડ સામે જોરદાર જીત નોંધાવી હતી. આ મેચમાં સ્કોટલેન્ડે નેધરલેન્ડને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ડચ ટીમને ક્વોલિફાય થવા માટે 44 ઓવરમાં આ મેચ જીતવી જરૂરી હતી. બાસ ડી લીડની શાનદાર સદીના કારણે નેધરલેન્ડે માત્ર 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને વર્લ્ડ કપ 2023ના મુખ્ય રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. નેધરલેન્ડે 12 વર્ષ બાદ વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં જગ્યા બનાવી છે. અગાઉ 2011માં ડચ ટીમ ભારત દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા વર્લ્ડ કપમાં રમી હતી.