નડિયાદ: મહેમદાવાદના હલધરવાસ ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સની ટીમે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં બાઈક ચાલકનો મોબાઈલ તેમજ રોકડ ભરેલી બેગ તેમના પરિવારજનોને સોંપી પ્રામાણિકતા દાખવી હતી.
કઠલાલ-અમદાવાદ હાઈવે પરના કુહા પાટીયા નજીક ગત તા.4-7-23 ના રોજ સવારના સમયે ટ્રેક્ટરની અડફેટે બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી હલધરવાસ ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સની ટીમમાં હાજર સંજયભાઈ તેમજ પાયલોટ દેવાંશુભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
તે વખતે બાઈકચાલકને ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં બેસાડ્યાં હતાં. આ ઈજાગ્રસ્ત દર્દી પાસેથી એક બેગ મળી હતી. જેમાં રોકડા રૂ.10,000 તેમજ રૂ.20,000 કિંમતનો એક મોબાઈલ હતો. સૌપ્રથમ ઈજાગ્રસ્તને કઠલાલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર અર્થે નડીઆદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. જે બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.30,000 ના મુદ્દામાલ ભરેલ બેગ ઈજાગ્રસ્તના પિતા ચંદુભાઈને સોંપી હતી. આમ ૧૦૮ ની ટીમે એક દર્દીનો જીવ બચાવવાની સાથે સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પણ પૂરૂ પાડ્યું હતું.