એક યુવાન જીવનની મુશેક્લીઓથી થાક્યો અને હાર્યો હતો.જીવનમાં દરેક મોરચે તેને પછડાટ મળતી હતી.નોકરી મળી નહિ એટલે ધંધો શરૂ કર્યો પણ તે જામતો ના હતો.ઓછી આવક અને નાનું ઘર અને ઉપરથી માતા, પિતા, બહેન, પત્ની અને એક દીકરાની જવાબદારી એકલા તેની પર હતી. વળી ઘરમાં કંકાસ હતો. રોજ કોઈ ને કોઈ વાતે મગજમારી અને ઝઘડા થતાં.તે કંટાળી ગયો હતો. એક દિવસ એક મંદિરના ઓટલે તે બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા.પુજારીએ પૂછ્યું, ‘યુવાન કેમ આમ હિંમત હારી આંખોમાં આંસુ સાથે અહીં બેઠો છે. શું ચિંતા છે?’ યુવાન રડી જ પડ્યો. બોલ્યો, ‘પુજારીજી એક ચિંતા હોય તો કહું, હું તો ચારે બાજુથી ચિંતાઓથી અને મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છું. કંઈ ખબર જ નથી પડતી કે શું કરું?’ પુજારીજીએ તેને પાણી આપ્યું અને પછી ભગવાનનો પ્રસાદ આપતા બોલ્યા, ‘યુવાન, ચલ ઊભો થા અને ભગવાનના દર્શન કર અને સૌથી પહેલાં તો ભગવાન પર વિશ્વાસ રાખ કે ભગવાન મારી સાથે જ છે.ચલ હું તને ચિંતા સાથે કઈ રીતે લડવું તે સમજાવું.’
યુવાને પુજારીના કહ્યા પ્રમાણે કર્યું.પછી પૂજારીની સામે જોયું. પૂજારીજીએ તેને કહ્યું, ‘યુવાન ચિંતા સાથે લડવાનું સૌથી પહેલું શસ્ત્ર છે ‘વિશ્વાસ.’ ભગવાન પર અને પોતાની જાત પર વિશ્વાસ રાખ કે ભગવાન મારી સાથે છે અને આ પરિસ્થિતિમાંથી હું કોઈક રસ્તો તો શોધી જ લઈશ એવો ભરોસો રાખ અને રોજ આમ વિચારીને નીકળ. બીજું શસ્ત્ર છે ‘ધ્યાન.’તું ધ્યાન કરીને તારી શક્તિ એકત્ર કર અને પછી એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર જેને તું પ્રયત્નોથી બદલી શકે.જે વસ્તુ અને સ્થિતિ તારા હાથમાં જ નથી જેને તું બદલી શકવાનો જ નથી તેની પર ધ્યાન આપીને કશું જ હાંસલ નહિ થાય તેને છોડી દે.’ યુવાન પુજારીજીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
પૂજારીજી આગળ બોલ્યા, ‘યુવાન દોસ્ત ત્રીજું શસ્ત્ર છે ‘સાથ.’કોઈ સ્વજન ,મિત્ર ,પ્રિયજનનો સાચો સાથ મેળવ અને તેની પાસે એક વાર હૈયું ઠાલવી દે.તારી ચિંતા કહી દે.ચિંતા દૂર ભલે ન થાય, મન હળવું ચોક્કસ થશે અને તને સારું લાગશે.કોઈ એવું સ્વજન ન હોય તો હું તૈયાર છું તારી વાત સાંભળવા.નહિ તો એક કાગળમાં મનની બધી વાત લખી પ્રભુનાં ચરણોમાં મૂકી દે.મનમાંથી ચિંતા દૂર થશે તો મન કૈંક સકારાત્મક વિચારી શકશે અને હા, જ્યાંથી પણ સકારાત્મક સાથ મળે, શુભેચ્છા મળે તે મેળવવાની કોશિશ કર.’પૂજારીજીએ આ શસ્ત્રોની સમજ આપી યુવાનને ચિંતા સાથે લડવાની હિંમત આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.