World

દક્ષિણ આફ્રિકામાં ગેસ લીક ​​થવાના કારણે મહિલાઓ અને બાળકો સહિત 24નાં મોત

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South Africa) બોક્સબર્ગમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેસ (Gas) લીક ​​થવાને કારણે અફરા તફરી મચી ગઈ હતી. બોક્સબર્ગમાં સિલિન્ડરમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં 3 બાળકો અને 5 મહિલાઓ સહિત 24 લોકોના મોત (Death) થયા છે. હાલ રાહત કામગીરી ચાલી રહી છે અને પીડિતોને હોસ્પિટલમાં (Hospital) લઈ જવામાં આવ્યા છે.

સિલિન્ડરમાંથી લીકેજને કારણે અકસ્માત
દક્ષિણ આફ્રિકાની પોલીસે બુધવારે જણાવ્યું હતું કે જોહાનિસબર્ગની પૂર્વ સરહદે બોક્સબર્ગ શહેરમાં એક ટાઉનશીપમાં આ અકસ્માત થયો હતો. ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા વિલિયમ નાટલાડીએ જણાવ્યું હતું કે એન્જેલો ટાઉનશીપમાં ઝૂંપડીમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાંથી લીક થવાને કારણે આ ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૃતદેહો દુર્ઘટના સ્થળની અંદર અને તેની આસપાસ પડેલા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બયુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું પ્રારંભિક માહિતી સૂચવે છે કે ગેસનો ઉપયોગ ‘ગેરકાયદે ખાણકામ પ્રવૃત્તિઓના ભાગ રૂપે’ કરવામાં આવી રહ્યો હતો.

ઘાયલોમાં 4 લોકોની હાલત અત્યંત ગંભીર
જાણકારી મુજબ ઘાયલોમાં 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે જ્યારે 11ની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. ઇમરજન્સી સેવાઓને રાત્રે 8 વાગ્યે ગેસ વિસ્ફોટ વિશે કોલ મળ્યો હતો પરંતુ ઘટના સ્થળે પહોંચતા તેમને ખબર પડી કે ઝેરી ગેસ સિલિન્ડરમાંથી લીક થતો હતો. જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાનું વ્યાપારી કેન્દ્ર છે અને તેની આસપાસ મોટી સંખ્યામાં ખાણિયાઓ મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે. બોક્સબર્ગમાં ગયા વર્ષે નાતાલના આગલા દિવસે એલપીજી વહન કરતી ટ્રક પુલની નીચે ફસાઈ ગઈ હતી અને વિસ્ફોટ થયો હતો જેમાં 41 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top