સુરત : વરસાદ શરૂ થતાની સાથે જ સાપ નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે. મંગળવારે શહેરમાં વરાછા યોગી ચોક અને પાલનપુર કેનાલ રોડ સ્થિતની સોસાયટીમાં સાપ નીકળતા નાસભાગ મચી હતી. રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
- વરાછા યોગી ચોક અને પાલનપુર કેનાલ રોડની સોસાયટીમાં સાપ નીકળતા રહીશોમાં ગભરાટ ફેલાયો
- યોગી ચોકની વિનાયક નગર સોસાયટીમાં અતિ ઝેરી કિંગ કોબ્રા પ્રજાતિના સાપના કણા નીકળતા ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું
ફાયરના સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે સવારે 10: 44 કલાકે પાલનપુર કેનાલ રોડ નજીક આવેલી તપસ સોસાયટીમાં સાપ નીકળ્યો હતો. સોસાયટીના મકાન નંબર-15માં સાપ ઘૂસી ગયો હતો. ઘરમાં રહેતા સભ્યોની નજર તેની ઉપર પડતા નાસભાગ મચી ગઈ હતી. સોસાયટીમાં આજુબાજુમાં રહેતા લોકો પણ ભેગા થઇ ગયા હતા.
ફાયર કંટ્રોલ રૂમને જાણ કરતા પાલનપુર ફાયરના કાફલાએ સ્થળ ઉપર પહોંચીને સાપને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં લાગી ગયા હતા. ફાયર સબ ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે, અમારી ટીમે ઘરનો સમાન દૂર કરીને સાપને થોડી જ મિનિટોમાં પકડી લીધો હતો, જોકે આશરે 4થી 5 ફૂટ મોટો આ સાપ બિનઝેરી હતો, જે રૂપસુંદરી પ્રજાતિનો સાપ કહેવાય છે. રેસ્ક્યુ કર્યા બાદ ફાયરની ટીમે તેને નજીકની કેનાલમાં છોડી મુક્યો હતો.
આ તરફ વરાછામાં યોગી ચોક વિસ્તારમાં ડિવાઇન શાળાની પાસે આવેલી વિનાયક નજીક સોસાયટીમાં કિંગ કોબ્રાનું બચ્ચુ નીકળતા ભયનો માહોલ ફેલાયો હતો. પૂણા ફાયર અધિકરી દિનુ પટેલે જણાવ્યું હતું કે, ફાયરની ટીમને કોલ મળતાની સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. કોબ્રાનું બચ્ચું ખુબ નાનું હતું. પરંતુ તે અત્યંત ઝેરી પ્રજાતિનું હોવાથી સાવચેતી વર્તીને તેને પકડી લેતા સોસાયટીમાં રહેતા રહીશોના જીવના જીવ આવ્યો હતો. પકડાયેલા કણાંને દૂરના અવાવરું વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલાં વેપારીના એકિટવામાંથી સાપ મળ્યો હતો
શનિવારે મોડી રાત્રે કોહિનૂર માર્કેટમાં કાપડનો વેપાર કરતાં વેપારી તેમનું મોપેડ હાંકી રહ્યા હતા ત્યારે તેમને કંઈક અલગ જ પ્રકારનો સ્પર્શ થતાં તેમણે પાર્લે પોઇન્ટ પુલ ઉપર જ પોતાનું મોપેડ સાઈડ ઉપર રોકી દીધું હતું. મોબાઈલની ટોર્ચથી જોતાં અંદર સાપ હોવાનું માલુમ પડ્યું હતું. થોડી ક્ષણ માટે તો વાહનચાલક ગભરાઈ ગયો હતો. તેણે તાત્કાલિક પ્રયાસના વોલેન્ટિયરોને જાણ કરતા વોલેન્ટિયરો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એક્ટિવાના આગળના ભાગને તોડીને એક કલાકની મહેનત બાદ સાપને બહાર કાઢ્યો હતો.
દર્શન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાપ અત્યંત ઝેરી સાપની પ્રજાતિમાં આવતો ખડચીતરો નામથી ઓળખાતો સાપ છે, જે જોઈને અમે પણ ચોંકી ગયા હતા. કારણ કે, આ પ્રકારના સાપ શહેરમાં જવલ્લે જ જોવા મળતા હોય છે. જો આ સાપ કરડે અને સારવારમાં વિલંબ થાય તો જીવ પણ જઈ શકે છે. ગુજરાતીમાં આ સાપને કાળોતરો પણ કહેવામાં આવે છે. આ સાપે જંગલમાં છોડી મુકવાની વ્યવસ્થા કરાઇ હતી.