Madhya Gujarat

તારાપુરમાં સમલૈંગીક સંબંધમાં વૃદ્ધની હત્યા

આણંદ : તારાપુરમાં લોખંડના ખાટલા અને પીપડા વેચવાનો વ્યવસાય કરતાં વેપારીની 26મી જૂનના રોજ ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસ ઉકેલવા માટે 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સાત ટીમ બનાવવામાં આવી છે. જેમાં સીસીટીવી ફુટેજ આધારે પરપ્રાંતિય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવક સાથે મૃતકને સમલૈંગીક સંબંધ હતાં. જેમાં યુવકે નાણા માંગતા તે ન આપતાં તેણે સોનાના ચેઇનની લૂંટ કરવા વૃદ્ધની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

તારાપુરના નાજુમલ અસ્ટેટમાં રહેતા અશોકકુમાર નાજુમલ મહેશ્વરીના નાનાભાઈ પિતાંબરદાસ ઉર્ફે પોપટભાઈ લોખંડના ખાટલા તથા પીપડા વચેવાની દુકાન ચલાવતાં હતાં. પિતાંબરદાસ મહેશ્વરી 26મી જૂનના રોજ બપોરના સુમારે દુકાનેથી ક્યાંક જવા નિકળ્યાં હતાં. બાદમાં તેમના ઘરના ઉપરના માળે કોઇ અજાણ્યા શખસે તેમના ગળા પર ક્રૂરતાપૂર્વક છરાના ઘા ઝીંકી હત્યા કરી હોવાની હાલતમાં લાશ મળી હતી. આ અંગે તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. પટેલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ મળ્યાં હતાં. જેમાં એક પીળા શર્ટવાળો શખસ જતો દેખાયો હતો. પરંતુ તે પરત ફર્યો તે સમયે શર્ટ પહેરેલો નહતા. આથી, તેના પર શંકા જતા શોધખોળ હાથ ધરી હતી. જેમાં આ યુવક પર પ્રાંતિય હોવાનું ખુલ્યું હતું.

આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ ભરતભાઈ તથા કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી મળી હતી કે, સીસીટીવી કેમેરામાં દેખાયેલો શખસ સમલૈંગીક સંબંધ ધરાવતો માણસ છે. જે ઘટના બાદ ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. આથી, ખાસ ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી શંકાસ્પદ યુવકની અટક કરી હતી. આ યુવકની પૂછપરછ કરતાં તે ગોવિંદ ઓમપ્રકાશ યાદવ (રહે.ફતેપુર, લેહદા તોલા, રુદ્રપુર, જિ. દેવરીયા, ઉત્તરપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગોવિંદની આગવીઢબે પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

ગોવિંદ સમલૈંગીક સંબંધ ધરાવતો હતો. મૃતક પિતાંબરદાસ અને ગોવિંદ વચ્ચે છેલ્લા ચારથી પાંચ મહિનાથી સમલૈંગીક સંબંધ હતાં. દરમિયાનમાં ગોવિંદને નાણાની જરૂર હોવાથી તેણે પિતાંબરદાસ પાસે માંગ્યાં હતાં. પરંતુ પિતાંબરદાસે ના પાડી હતી. આથી, તેણે તેના ગળામાં રહેલો સોનાનો ચેઇન લૂંટ કરવા આયોજન ઘડ્યું હતું અને બજારમાંથી છરો ખરીદી બપોરના સુમારે સીધો ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે પિતાંબરદાસ સાથે સમલૈંગીક સંબંધ બાધ્યા બાદ છરો કાઢી પિતાંબરદાસના ગળા અને અન્ય ભાગોમાં ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી સોનાનો દોરો લૂંટ કરી ભાગી ગયો હતો. આ માહિતી આધારે પોલીસે ગોવિંદ ઓમપ્રકાશ યાદવ (ઉ.વ.18 વર્ષ 5 મહિના)ની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો દોરો જપ્ત કર્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગોવિંદ યાદવના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય બાબતોનો ઘટસ્ફોટ થશે.

ગોવિંદ સામે લૂંટની કલમ ઉમેરાશે
ગોવિંદ યાદવ સામે હત્યાના ગુનાની કલમ ઉપરાંત હવે લૂંટની કલમ આઈપીસી 392 પણ ઉમેરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કાવત્રું અને પુરાવાના નાશ સંબંધી કલમ ઉમેરવી કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
તારાપુરમાં બહેનના ઘરે આવ્યો હતો
ઉત્તરપ્રદેશનો વતની ગોવિંદ યાદવના બહેન – બનેવી તારાપુર રહે છે. આથી, રોજગારી અર્થે તે તારાપુર આવ્યો હતો. જેમાં બજારમાં જ પિતાંબરદાસની ઓળખ થઇ હતી. બાદમાં બન્નેએ સ્વૈચ્છીક રીતે સમલૈંગીક સંબંધ બાંધ્યાં હતાં. આશરે પાંચેક મહિનાથી ચાલતા આ સંબંધમાં ગોવિંદે નાણા માંગતા આખરે હત્યા સુધી પહોંચ્યો હતો.

એડમીશન લેવાનું છે તેમ કહી ગોવિંદ યુપી ભાગી ગયો
ગોવિંદ યાદવ હત્યા કર્યા બાદ ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. જોકે, તેણે હત્યા કરી લોહીવાળા કપડા અને છરો ઘરની પાછળ ફેંકી દીધો હતો. બાદમાં તે બહેનના ઘરે જઇ એડમીશન લેવા માટે ઘરે જાવ છું તેમ કહી ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. પોલીસ તપાસમાં તે ધો.12 કોમર્સ સુધી અભ્યાસ કર્યો હતો.
પોલીસ આરોપીને કેવી રીતે પકડે છે ? તે સોશ્યલ મિડિયા પર વિડીયો જોયા
ગોવિંદ યાદવ ખાસ કોઇ અભ્યાસ કર્યો નથી. પરંતુ તે મોબાઇલનો સતત ઉપયોગ કરતો હતો. તેણે હત્યા કરતાં પહેલા પોલીસ હત્યારાને કેવી રીતે પકડે છે ? તેના વિડીયો સોશ્યલ મિડિયા પર જોયાં હતાં. બાદમાં તેણે હત્યાને અંજામ આપવા માટે કાવત્રુ ઘડ્યું અને બજારમાંથી છરો ખરીદી પિતાંબરદાસની હત્યા કરી હતી.

Most Popular

To Top