Editorial

બે હજારની નોટો બહુ સરળતાથી બેંકોમાં પરત આવી જશે એમ જણાય છે

હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેટલાક સપ્તાહ પહેલા ચલણમાંથી બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી, તે સાથે ઘણાને ૨૦૧૬માં થયેલી નોટબંધીની યાદો પણ તાજી થઇ ગઇ, જે નોટબંધીમાં પાંચસો રૂપિયા અને હજાર રૂપિયાની તે સમયે ચલણમાં હતી તે નોટો ચલણમાંથી રદ કરવાની જાહેરાત અચાનક કરવામાં આવી હતી અને તેના પછી સપ્તાહો સુધી વ્યાપક અંધાધૂંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને તે નોટબંધી વખતે જ બે હજાર રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. આ નોટો હવે ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે.

૧૯મી મેના રોજ એક આશ્ચર્યજનક પગલામાં આરબીઆઇએ રૂ. ૨૦૦૦ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને જાહેર જનતાને આ નોટોને તેમના ખાતાઓમાં જમા કરાવી દેવા કે બદલાવી લેવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. નવેમ્બર ૨૦૧૬ની નોટબંધી, કે જેમાં રૂ. પ૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રાતો રાત ચલણમાંથી રદ કરવાના આંચકાજનક પગલાથી વિપરીત રૂ. ૨૦૦૦ની નોટો ૩૦ સપ્ટેમ્બર સુધી ચલણમાં ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બે હજાર રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાતે પણ થોડો ગભરાટ તો ફેલાવ્યો પણ હવે આ નોટો જમા કરાવવાની કે બદલાવવાની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી રહી છે અને ઘણે અંશે તો પૂરી પણ થઇ ગઇ છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં જણાવ્યું છે કે ચલણમાં ફરતી રૂપિયા બે હજારની ચલણી નોટોમાંથી ૭૬ ટકા જેટલી નોટો લોકોએ ક્યાં તો બેન્કોમાં જમા કરાવી છે કે અન્ય નોટોમાં બદલાવી લીધી છે. આરબીઆઇએ જાહેર જનતાને અપીલ પણ કરી છે કે બાકીની નોટો ૩૦ સપ્ટેમ્બર પહેલા બદલાવી લેવામાં આવે. મૂલ્યની દષ્ટિએ, ચલણમાં ફરતી રૂપિયા ૨૦૦૦ની નોટો ૩૦મી જૂનના રોજ ઘટીને રૂ. ૮૪૦૦૦ કરોડની થઇ ગઇ હતી, જેની સામે તે જ્યારે ૧૯મી મેએ આ નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તે રૂ. ૩.પ૬ લાખ કરોડ જેટલી હતી.

એક નિવેદનમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ જણાવ્યું છે કે અત્યાર સુધી બેન્કોમાં પરત આવેલી રૂ. ૨૦૦૦ની નોટોમાંથી ૮૭ ટકા નોટો લોકોએ તેમના બેંક ખાતાઓમાં જમા કરાવી છે અને બાકીની ૧૩ ટકા નોટો અન્ય મૂલ્યની નોટો સાથે બદલાવી છે. આ બે હજારની નોટો ચલણમાંથી ખેંચવાની જાહેરાત કરવામાં આવી તેના પછીથી ૩૦ જૂન સુધીમાં રૂ. ૨.૭૨ લાખ કરોડની આ નોટો બેંકોમાં આવી ગઇ છે જે ચલણમાંની આ કુલ નોટોના ૭૬ ટકા થાય છે એ મુજબ આરબીઆઇએ જણાવ્યું હતું.

આ રીતે જોઇએ તો ચલણમાં જેટલી બે હજારની નોટો ફરી રહી હતી તેમાંથી પોણા ભાગની નોટો તો બેંકોમાં આવી પણ ગઇ છે અને હવે પા ભાગની બાકી નોટો માટે તો અઢી મહિના કરતા વધુ સમય બાકી છે અને આશા છે કે બાકીની નોટો પણ કશી જ અંધાધૂંધી વગર બેંકોમાં જમા થઇ જશે. જો કે આ બે હજારની નોટો પાછી ખેંચવાની જાહેરાત પછી પણ થોડી અફરા તફરી અને તનાવ તો સર્જાયા જ છે, અને તે ખાસ કરીને બેંકોમાં નહીં પણ બેંકોની બહાર અન્ય સ્થળોએ. જેમ કે શરૂઆતમાં કેટલાક લોકોએ પોતાની પાસેની બે હજારની નોટો વટાવવા પેટ્રોલ પંપો અને સુપર સ્ટોરો કે મોલ્સમાં ધસારો કર્યો. એકસો રૂપિયાનું પેટ્રોલ ભરાવીને કે પછી સો-બસો રૂપિયાની ખરીદી કરીને લોકો બે હજાર રૂપિયાની નોટો આપવા માંડ્યા! તેમાંથી સંઘર્ષો અને લડાઇ ઝઘડાના દ્રશ્યો પણ સર્જાયા. જો કે આ બધું શરુઆતના ગભરાટના દિવસોમાં જ હતું, હવે આવી ઘટનાઓ નહીંવત જણાય છે.

બે હજાર રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની બાબતમાં અને પાંચસો અને હજાર રૂપિયાની નોટો રદ કરવાની ૨૦૧૬ની નોટબંધીમાં મહત્વ્નો ફેર એ છે કે નોટબંધી સમયે પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો તત્કાળ અસરથી ચલણમાંથી રદ કરવામાં આવી હતી અને તેને કારણે લોકોમાં વ્યાપક ગભરાટ ફેલાયો હતો. વળી, પાંચસો રૂપિયાની નોટો તો સાધારણ સ્થિતિના લોકો પાસે પણ મોટા પ્રમાણમાં હતી. જ્યારે હાલ બે હજારની નોટો એટલા મોટા પ્રમાણમાં લોકો પાસે ન હતી. છેલ્લા ત્રણેક વર્ષથી તો આ બે હજારની નોટો ચલણમાં ખૂબ ઓછી ફરી રહી હતી.

આરબીઆઇએ વળી આ નોટો ચલણમાંથી રદ કરવાની જાહેરાત કરી નથી, ફક્ત પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ૩૦ સપ્ટેમ્બર પછી પણ તે ચલણમાં તો ચાલુ જ રહેશે એમ જણાવાયું છે અને તે તારીખ પછી આ નોટો બેંકો ભલે નહીં સ્વીકારે પણ આરબીઆઇની પ્રાદેશિક કચેરીઓમાં તો સ્વીકારવામાં આવશે જ, એમ જણાવાયું છે. જો કે આરબીઆઇની પ્રાદેશિક કચેરીઓ આખા દેશમાં ૧૯ જેટલી જ છે તેથી ત્યાં જવાનું ઘણા માટે મુશ્કેલ બની શકે છે તેથી સમય મર્યાદામાં બેંકોમાં જ આ નોટો જમા કરાવી દેવાનુ કે બદલાવી લેવાનું બહેતર છે. અને હાલનો પ્રવાહ જોતા લાગે છે કે બે હજાર રૂપિયાની નોટો બેંકોમાં બહુ સરળતાથી પરત આવી જશે.

Most Popular

To Top