Charchapatra

ઉચ્ચ શિક્ષણ માટે સરકારી મદદ

તા.01-06-23ના ‘ગુજરાતમિત્ર’નો તંત્રીલેખ ખૂબ જ મનનીય છે. એમણે કેરળ હાઈકોર્ટના ચુકાદાને અગ્રિમ સ્થાન આપ્યું છે અને બેંકોને તથા તે દ્વારા સરકારને વિનંતી કરી છે કે જો દેશમાં ઉચ્ચ શિક્ષણને સરકાર દ્વારા મદદમાં  વિદ્યાર્થીની CIBIL સ્કોર બાકી હોય તો પણ વિદ્યાર્થીને ભણતર માટે લોન આપવી જોઈએ. બેંકની લોન વગર યુવાન ઉચ્ચતર અભ્યાસ કરી શકતો નથી અને દેશનું યુવાનધન વેડફાઈ જાય છે.

ખાનગી યુનિવર્સિટી કે કોલેજો તો વિદ્યાર્થીને મદદ કરી શકવાની નથી તથા ફીનું માળખું ઓછું કરી શકવાની નથી. પરંતુ સરકાર આમાં મદદ કરી શકે છે અને તે પોતાની તિજોરી ખાલી ન કરતાં દેશના માલેતુજારો અને મોટા ઉદ્યોગો પર ઈન્કમટેક્ષમાં ‘એજ્યુકેશન ટેક્ષ’ઉમેરી તે દ્વારા મદદ કરી શકે છે. આમાં કોઈના ગજવામાંથી નાણાં જવાના નથી કારણ માલેતુજારો પણ અઢળક નાણાં કમાય છે અને મોટા ઉદ્યોગો પણ અઢળક નફો કરે છે. આ રીતે ઈન્કમટેક્ષ દ્વારા નાણાં ભેગાં કરી સરકાર જ આ બેંક લોનનું વ્યાજ ભરપાઈ કરી શકે છે અને વિદ્યાર્થીનો વ્યાજનો ભાર હલકો કરી શકે છે. વિદ્યાર્થી ઉચ્ચતર સિક્ષણ લીધા પછી બેંકોની લીધેલી લોનને હપ્તે હપ્તે હાલમાં ચૂકવી રહ્યા છે. તે ચાલુ રાખી સરકારે ઈન્કમટેક્ષમાંથી ‘એજ્યુકેશન ટેક્ષ’દ્વારા બેંકનું વ્યાજ ભરપાઈ કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને ફક્ત લોનના હપ્તા જ ચૂકવવાના રહે. આ રીતે સરકાર શિક્ષણમાં મદદ કરી શકે છે. છાશવારે શિક્ષણની નીતિ બદલવા કરતાં આ પગલું સરકારને પણ માન અપાવશે.
પોંડીચેરી – ડૉ.કે.ટી.સોની     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણે ત્યાં રેલવે સેફટી એજન્સી કેમ નથી?
આપણાં દેશમાં 2011 થી અત્યાર સુધીમાં કુલ આઠ સૌથી મોટી રેલ્વે દુર્ઘટનાઓ સર્જાઇ છે. રેલ્વે ટ્રેનોની સુરક્ષા પર ધ્યાન રાખવા અર્થે વિકસિત દેશોમાં રેલ્વે સેફટી એજન્સીના નામે અલગ જ તંત્ર અસ્તિત્વમાં હોય છે. નિયમિતપણે આ એજન્સી દ્વારા તમામ પ્રકારની સુરક્ષાની ચકાસણી કરીને જરૂરી પગલાંઓ લેવાતાં હોય છે. રેલ્વે ટ્રેનના પેસેન્જરોની અંગત સુરક્ષાથી માંડીને અકસ્માત નિવારણ સુધીની તમામ દેખરેખ આ એજન્સી રાખતી હોય છે. આપણા દેશ વિશ્વમાં સૌથી વિશાળ રેલ્વે નેટવર્ક ધરાવે છે. છતાં પણ આવું અલાયદું તંત્ર નથી! કે કોઇ એજન્સી નથી! આપણાં દેશમાં પણ રેલ્વે ટ્રેનોના પેસેન્જરોની સુરક્ષા અર્થે આવું કાયમી અલાયદું સુવ્યવસ્થિત તંત્ર ઊભું કરવાની તાતી જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top