દાસબહાદુર વાઇવાલાને એમના યુવાની કાળમાં જયારે પણ એમના સલાબતપુરાના નિવાસસ્થાન પર મળવા જવાનું બનતું ત્યારે એમના સતત ભરચક કાર્યક્રમને કારણે ઘરમાં મળતા નહીં. ઘરમાંથી એક જ જવાબ મળતો તેઓ બહાર ગયા છે. એના કારણે સદાબહાર એમની ઓળખ બની ગઇ હતી. બાકી તેઓ દેવઆનંદ કે પછી રાજેશ ખન્ના ટાઇપના સદાબહાર કલાકાર નહોતા. તેઓ તો હાસ્ય કલાકાર મુકરી જેવી હાઇટ ધરાવનાર બેઠી દડીના હાસ્યકાર બટુકદાસ, દાસબહાદુર વાઇવાલા હતા. વણાટકામનો આ માણસ માત્ર ચાર પાંચ ચોપડી ભણેલા, પરંતુ અનુભવથી ઘડાયેલા આ માનવીએ એમના જીવનમાં વામન સ્વરૂપમાં વિરાટ કામ કરી ગયા એવું કહી શકાય.
આ હાસ્ય કલાકારની દર રવિવારે અમારી ઝાંપાબજારની લોટરીની દુકાનમાં બેઠક હતી. વડીલો સાથેના જુના પુરાણા સંબંધો એમણે સાચવી રાખેલા. દુકાન પર સલાબતપુરાથી ચાલતા ચાલતા આવતા. ચા પાણી કરીને તેઓ જુના અંબાજી મંદિરના દર્શને જતા. અંબાજીના પરમ ભકત હતા. જતી વખતે જય અંબે બોલીને વિદાય લેતા. અર્ધા કલાકની બેઠકમાં તેઓ ખૂબ હસતા અને હસાવતા. અમારી રવિવારની સવાર સુધરી જતી. અસ્સલ સુરતીલાલાઓની અટક પરથી અને જુની પુરાણી કહેવત પરથી બનાવેલી એમની હાસ્ય રચના યાદગાર બની ગઇ હતી. એમના જાહેર કાર્યક્રમ તદ્દન મામૂલી ફીમાં આ શહેરમાં અને બહારગામમાં યોજાતા. ચેરીટી શો કરીને કેટલીક સંસ્થાને મદદરૂપ બનતા. આ એક સેવાભાવી માણસને સુરતીલાલાઓ બહુ સારી રીતે ઓળખતા. આ જિન્દાદીલ ઇન્સાન તદ્દન નિરહંકારી હતો. ખત્રી સમાજનું અણમોલ રતન હતું. હસતા રહો, હસાવતા રહો એમનો જીવનમંત્ર હતો.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અમેરિકી સંસદમાં ભારતની શાન વધારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે ગયા. ત્યાં તેમનું ઠેર-ઠેર ઉષ્માભર્યું સ્વાગત થયું. અમેરિકાના પ્રમુખ બાઈડેન દ્વારા તેમને રેડ-કારપેટ બીછાવીને શાહી-સ્વાગત કર્યું હતું. અમેરિકામાં રહેતાં ભારતીયો પણ મોદીના આગમનથી ખુશખુશાલ થઇ ગયાં હતાં. અમેરિકી સંસદમાં મોદીએ સંબોધન કરતાં 15 વાર સ્ટેન્ડીંગ એવેશન મળ્યું હતું. મોદી જયારે પ્રવચન આપતા હતા ત્યારે અમેરિકામાં રહેતાં ગુજરાતીઓએ મોદી-મોદી, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ ગૌરવવંતી ઘટનાથી ભારતની શાન વધારી છે. બીજી વાર પ્રધાનમંત્રી બનેલા મોદીએ આજ સુધીમાં 45 થી વધુ દેશોનો પ્રવાસ કરીને અનેક મોટા પ્રોજેકટો માટે M.O.U. કર્યા છે, જેથી દેશે હરણફાળ પ્રગતિ કરી છે.
આવા વિકાસપુરુષ મોદીને આવતી ચૂંટણીમાં હરાવવા માટે સત્તાસ્થાનેથી ઉથલાવવા માટે વિપક્ષોએ ગઠબંધન કર્યું છે. પરંતુ તેમાં પણ એકતા દેખાતી નથી. આથી વિપક્ષોનો સંઘ કાશીએ જાય તેમ લાગતું નથી. ગઠબંધન-ઠગબંધન બને તો નવાઈ નહીં. એક સમય એવો હતો કે અમેરિકા મોદીના વિઝા આપતું ન હતું. આજે અમેરિકા મોદીને બોલાવીને મૈત્રીપૂર્ણ સંબંધો રાખે છે. કેમ કે મોદી વિશ્વમાં ભારતની શાન બની ગયા છે. અમેરિકા ભલે મહાસત્તા ગણાય, મોદી પાસે લોકસત્તા છે. રાહુલ ગાંધી જયારે અમેરિકા ગયા ત્યારે તેમણે ભારત દેશને નીચો પાડવાની વાતો કરી હતી. જયારે મોદીજીએ વિશ્વભરમાં ભારતની શાન વધારી છે. મોદી સિવાય કોઇ વિકલ્પ નથી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે