Editorial

ગ્લોબલ વૉર્મિંગને કારણે વાવાઝોડાઓની તીવ્રતામાં વધારો થયો છે

આ મહિને દિવસો સુધી દેશના પશ્ચિમ કાંઠાના લોકોને ચિંતા કરાવનાર, અનેક વખત દિશા બદલનાર અને છેવટે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર ત્રાટકેલ બિપોરજોય વાવાઝોડું અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું બની રહ્યું છે. આ વાવાઝોડાએ સદભાગ્યે ખાસ જાનહાની સર્જી નથી પરંતુ દિવસો સુધી તેણે અચોક્કસતાનો માહોલ સર્જી રાખ્યો. અનેક વખતે તેણે દિશા બદલી. ક્યાં ત્રાટકશે તે અંગે લાંબો સમય અચોક્કસતા પ્રવર્તતી રહી અને લાંબો સમય સમુદ્ર પર તે ઘૂમરીઓ લેતું રહ્યું અને છેવટે તેણે ૧૫ જૂને જમીનને સ્પર્શ કર્યો. હવે હવામાન વિભાગ જાહેર કર્યું છે કે દાયકાઓનું સૌથી લાંબો સમય ચાલનાર આ વાવાઝોડું પુરવાર થયું છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ૧૯૭૭ પછી સૌથી લાંબા ગાળા સુધી ચાલનાર વાવાઝોડું બન્યું છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ એ બાબત તરફ ફરીથી ધ્યાન દોરાયું છે કે બદલાતા વૈશ્વિક હવામાન સાથે વાવાઝોડાઓની તીવ્રતા વધી રહી છે અને તેમની તરાહમાં પણ ફેરફાર થઇ રહ્યો છે.

આ બિપોરજોય વાવાઝોડાની જ વાત કરીએ તો તે ૧૩ દિવસ કરતા વધુ સમય સુધી ચાલ્યું છે. બિપોરજોય, કે જે આ વર્ષમાં અરબી સમુદ્રમાં ઉદભવનાર સૌથી પહેલું વાવાઝોડાનું તોફાન હતું, તે ૬ જૂનના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાંથી શરૂ થયું હતું અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેણે જમીનને સ્પર્શ ૧૫ જૂનના રોજ કર્યો હતો અને ૧૮ જૂનના રોજ તે નબળું પડીને ડીપ્રેશનમાં ફેરવાયું હતું. આ વાવાઝોડાનું કુલ આયુષ્ઠ ૧૩ દિવસ અને ૩ કલાકનું રહ્યું છે(ડીપ્રેશનથી ડીપ્રેશન), જે અરબી સમુદ્રમાં ઉદભવેલા વાવાઝોડાઓના સરેરાશ આયુષ્ય છ દિવસ અને ત્રણ કલાક કરતા બમણા કરતા વધુ છે એમ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ બિપોરજોય અંગેના એક અહેવાલમાં જણાવ્યું છે.

ઉત્તર હિંદ મહાસાગરમાં અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય સુધી ટકી રહેનાર વાવાઝોડું ૧૯૭૭માં સર્જાયું હતું. તે બંગાળના અખાતમાં વિકસ્યું હતું અને અરબી સમુદ્રમાં જઇને નબળું પડ્યું હતું. તે ૮ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી, ૧૪ દિવસ અને ૬ કલાક સુધી ચાલ્યું હતું. તાજેતરના વર્ષોમાં અત્યંત તીવ્ર વાવાઝોડાનું તોફાન કયાર(ઓકટોબર, ૨૦૧૯)માં અરબી સમુદ્રમાં જન્મ્યું હતું જેણે નવ દિવસ અને ૧૫ કલાકનું આયુષ્ય રહ્યું હતું. જ્યારે બંગાળની ખાડીમાં નવેમ્બર ૨૦૧૮માં જન્મેલ ગજ નામના વાવાઝોડાનું આયુષ્ય નવ દિવસ અને ૧૫ કલાકનું રહ્યું હતું.

આ બિપોરજોય વાવાઝોડાની આગળ વધવાની ગતિ પણ ઘણી ધીમી રહી હતી. તે ૭.૭ કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે આગળ વધ્યું હતું, જેની સામે અરબી સમુદ્રમાં ચોમાસુ ઋતુમાં તેની શ્રેણીના ૧૯૯૦થી ૨૦૧૩ સુધીના અતિ તીવ્ર વાવાઝોડાના તોફાનોની સરેરાશ ગતિ ૧૫ કિમી પ્રતિ કલાકની રહી છે. આ વાવાઝોડાએ તેના કુલ ૨૫૨૫ કિમીના માર્ગમાં નવ વખત તો દિશા બદલી હતી તેથી હવામાન શાસ્ત્રીઓ માટે આ વાવાઝોડાના ચોક્કસ માર્ગની આગાહી કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું.
વાવાઝોડાઓ અંગેના અભ્યાસમાં જણાયું છે કે ગ્લોબલ વૉર્મિંગની સાથે દુનિયાભરમાં વાવાઝોડાઓની તીવ્રતા વધી રહી છે અને બદલાતા હવામાનની સાથે વાવાઝોડાઓની પેટર્નમાં પણ ફેરફાર જણાયો છે.

આપણા કાંઠાને લાગતા અરબી સમુદ્રની જ વાત કરીએ તો સમુદ્રના વધતા તાપમાનને કારણે અને ભેજની વધેલી ઉપલબ્ધતાને કારણે છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રવૃતિ વધી ગઇ છે. છેલ્લા બે દાયકામાં ગ્લોબલ વૉર્મિંગને કારણે આ ફેરફારો થયા હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં વાવાઝોડાઓના કુલ સમયગાળામાં ૮૦ ટકાનો વધારો થયો છે. જ્યારે અતિ તીવ્ર વાવાઝોડાઓના સમયગાળામાં તો ૨૬૦ ટકાનો વધારો થયો છે. સમુદ્રમાં ગરમીનું મોજું, કે જેને મરીન હીટવેવ કહેવામાં આવે છે તેમના દિવસોના પ્રમાણમાં વર્ષ ૨૦૦૦થી વધુ નોંધપાત્ર વધારો થયો છે અને ૨૦૧૫થી તે વધુ દેખાતા થયા છે.

અરબી સમુદ્રમાં તો છેલ્લા દાયકામાં મરીન હીટવેવ્ઝના પ્રમાણમાં ઝડપી વધારો નોંધાયો છે અને સાથે જ વાવાઝોડાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આઇઆઇટી પુણે દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ છેલ્લા બે દાયકામાં ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતા સમુદ્રના તાપમાન અને ભેજની વધેલી ઉપલબ્ધતાને કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રવૃતી વધી છે અને આ સમુદ્રમાં વાવાઝોડાઓની સંખ્યામાં બાવન ટકાનો વધારો નોંધાયો છે અને ૨૦૦૧થી ૨૦૧૯ વચ્ચે તીવ્ર વાવાઝોડાઓના પ્રમાણમાં તો ૧૫૦ ટકાનો વધારો નોંધાયો છે.

ફક્ત અરબી સમુદ્રમાં જ નહીં, વિશ્વભરમાં વાવાઝોડાઓનું પ્રમાણ અને તેમની તીવ્રતા વધી છે અને તેના માટે ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર માનવામાં આવે છે. સમુદ્રો ગરમ થવાની સાથે ભેજની ઉપલબ્ધતા વધી છે અને તેને કારણે વાવાઝોડાઓ સાથે વધુ વરસાદ ખેંચાઇ આવે છે અને તે વધુ નુકસાન કરે છે. આ વાવાઝોડાઓ વધુને વધુ ઘાતક અને હાનિકારક પુરવાર થતા જાય તે પહેલા આપણે પ્રદૂષણ ઘટાડીને ગ્લોબલ વૉર્મિંગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવા જ પડશે.

Most Popular

To Top