અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ ‘અન્નદેવતા’તરીકે ઓળખવામાં આવે છે. અન્નસંબંધી અનેક કહેવતો કે રૂઢિપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. જેમ કે, ‘અન્ન એવો ઓડકાર’, ‘અન્ન ત્યાં સુધી તન’, ‘અન્ન એવું મન’, ‘અન્ન જીવાડે અને અન્ન મારે’ સહિત બીજા અનેક.આપણા આહાર અંગે વિવિધ શોધખોળ સતત થતી આવી છે.
આપણી પરિવર્તનશીલ જીવનશૈલી અને તેને લઈને થતા રોગોનો ઈલાજ આવી શોધખોળો થકી થતો રહે છે. આમ થાય ત્યારે એમ માનીને ચાલવામાં આવે છે કે સૌ નાગરિકોને પેટ ભરવા પૂરતો આહાર મળી રહે છે. પણ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ૨૦૨૨માં પ્રકાશિત વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ)માં આપણો ભારત દેશ કુલ ૧૨૧ દેશોમાં ૧૦૭મા ક્રમે આવ્યો છે. આ અંકના માપન માટે ચાર મહત્ત્વનાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણ, કુપોષણને લઈને રુંધાતો વિકાસ, કુપોષણને કારણે દુર્બળતા અને બાળમૃત્યુદર. સો પોઈન્ટના માપદંડના આધારે આ અંકની ગણતરી કરાય છે, જે ભૂખની તીવ્રતા દર્શાવે છે. એ મુજબ શૂન્ય ઉત્તમ સ્કોર ગણાય, જે સૂચવે છે કે કોઈ ભૂખ્યું નથી અને સો સૌથી ખરાબ સ્કોર ગણાય.
અલબત્ત, કેન્દ્ર સરકારે સંસદમાં જણાવેલું કે આ આંકડા ભારતનું સાચું ચિત્ર દર્શાવતા નથી. દેશમાં પ્રવર્તતી સ્થિતિને તે યોગ્ય રીતે સૂચવતા નથી કે નથી તેનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા. દેશના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અંક માપવાનાં ચાર પરિબળો પૈકી કેવળ કુપોષણનું એક જ પરિબળ ભૂખ સાથે સીધેસીધું સંબંધિત છે. કુપોષણને કારણે રુંધાતો વિકાસ અને દુર્બળતા માટે આનુવંશિકતા, પર્યાવરણ, સ્વચ્છતા જેવાં અન્ય પરિબળો જવાબદાર હોય છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતની છબિને દાગ લગાવવાનો આ સાતત્યપૂર્વકનો અને દેખીતો પ્રયત્ન છે. ગેરમાહિતી આ વાર્ષિક ઈન્ડેક્સનો મુદ્રાલેખ હોય એમ જણાય છે.
આ અંક અનુસાર ભારતનું સ્થાન શ્રીલંકા (૬૪મું), નેપાળ (૮૧મું), બાંગ્લાદેશ (૮૪મું) અને પાકિસ્તાન (૯૯મું) કરતાંય પાછળ છે. આ દેશોના વિસ્તાર અને વસતિની રીતે વિચારીએ તો તેમની સરખામણી ભારત સાથે કરવી અયોગ્ય ગણાય. આથી માનીએ કે આપણા દેશનો ક્રમ કદાચ યોગ્ય ન હોય, છતાં તેનાથી વાસ્તવિકતા ખાસ બદલાતી નથી. મૂળ મુદ્દો અપૂરતા ખોરાકનો અને કુપોષણનો છે. દેશ ગમે એટલો વિકાસ કરે, પોતાના નાગરિકને પેટ ભરવા પૂરતું ભોજન પૂરું ન પાડી શકે તો એનો શો અર્થ? એક તરફ આધુનિક સંશોધનોને લઈને અસાધ્ય મનાતા વિવિધ રોગોના ઉપચારની વાત ચાલી રહી હોય અને બીજી તરફ મહારોગ જેવો ભૂખમરો હોય એ કેવી વક્રતા! માની લઈએ કે કોઈક વિદેશી સંસ્થાએ કરેલો આ અભ્યાસ ચોકસાઈપૂર્વકનો ન હોય કે આપણા દેશને નીચો દેખાડવાનું કાવતરું હોય, પણ ભૂખમરાનું પ્રમાણ વ્યાપક હોવાની હકીકત શી રીતે નકારી શકાય?
ભૂખમરાની વાતને ઘડીક બાજુએ મૂકીએ તો આપણા દ્વારા થતા અન્નના બેફામ વેડફાટનું શું? આપણા લગ્ન સમારંભોમાં ભોજનનો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે છે એ ઉઘાડી હકીકત છે. સામાન્યપણે પ્રચલિત સ્વરુચિ ભોજનની પદ્ધતિમાં લોકો ફરી વાર વાનગી લેવા જવું ન પડે એ માટે પોતાની ડિશને ભરચક કરી મૂકે છે- ચાહે જરૂર હોય કે ન હોય! આથી સ્વરુચિ ભોજનનો મૂળભૂત હેતુ જ મારો જાય છે અને ભોજનનો જથ્થાબંધ વેડફાટ થતો રહે છે.
હવે તો યજમાન ભોજનનો સીધેસીધો કંત્રાટ આપી દે છે, આથી ભોજનના વેડફાટ બાબતે તેની કશી નૈતિક જવાબદારી પણ રહેતી નથી, જે પહેલાં પણ નહોતી. આમ પણ ભોજનનો વેડફાટ અટકાવવો એ વ્યક્તિગત નૈતિક જવાબદારી છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રસંગે થતા વેડફાટ પછી વાત આવે વ્યક્તિગત સ્તરે કરવામાં આવતા બગાડની. આપણે ભોજન માટે બહાર રેસ્તોરાંમાં જઈએ ત્યારે એવી અનેક વાનગીઓ હોય છે, જેને આપણે ડિશમાં છાંડીએ છીએ. સમાજનો એક આખો વર્ગ એવો છે કે જે માને છે કે પીરસાયેલું ભાણું સાવ પૂરું ન કરાય. આથી તેઓ થાળીમાં ભોજન છાંડે છે.
ભોજન એટલે કે અન્ન પણ નૈસર્ગિક સ્રોત છે અને તેનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. કેવળ નાણાં કે પોષાણ હોવાથી અન્નના વેડફાટનો પરવાનો મળી નથી જતો. આપણું મંત્રાલય કહે છે એમ ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ કદાચ એકતરફી હોય કે ભૂલભરેલો હોઈ શકે, પણ સંસ્કૃતિ બની રહેલી વેડફાટની આપણી આદતનું શું કરીશું? ભૌતિક રીતે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ એમ કુપોષણ, ભૂખમરો કે અન્નથી વંચિત હોવાનો વિરોધાભાસ વધતો જતો હોય એમ લાગે છે.
એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણી આસપાસ અને પોતાની થાળીમાં નજર કરવાથી જ તેનાં પ્રત્યક્ષ દર્શન થઈ શકશે. નવધનિક બની રહેલો મધ્યમ વર્ગ કેવળ અન્નને નહીં, કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કરવામાં પોતાનો મોભો સમજે છે. અન્ન બાબતે હવે નવેસરથી વિવેક કેળવવાની જરૂર જણાય છે. એક તરફ સરકારી યોજનાના ‘અન્નબ્રહ્મ’ જેવા નામકરણ થકી અન્નને બ્રહ્મનો દરજ્જો અપાતો હોય અને બીજી તરફ માનવની મૂળભૂત જીવનજરૂરિયાત પણ પૂર્ણ થતી ન હોય તો એ સંસ્કૃતિગૌરવનો દાવો શા કામનો?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.