પટનામાં જોવા મળેલી વિપક્ષી એકતાની ઈચ્છા રાજકીય રીતે યોગ્ય છે, પરંતુ એકબીજા પર આરોપ લગાવવાથી કામ નહીં ચાલે. હજુ પણ વૈચારિક ખામીઓ છે. બધાને એક કરવાનું એકમાત્ર કારણ મોદી વિરોધી ન હોઈ શકે. મોદીને હરાવવા અને પડકારવા માટે વિશ્વસનીય વ્યૂહરચના હોવી જોઈએ. એક વિશ્લેષણ દર્શાવે છે કે જો બિન-ભાજપ ઉમેદવારો, અપક્ષો અને નોટાના તમામ મતો એકસાથે ઉમેરવામાં આવે તો પણ, ભાજપ 2019માં 224 બેઠકો જીતી શક્યું હોત, બહુમતીના આંકથી માત્ર 48 ઓછી. ભાજપે લડેલી 436 બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો પર ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર જીત્યા હતા.
વાસ્તવમાં, ભાજપે આ વિશાળ વોટ શેર સાથે જીતેલી 224 બેઠકો 1984 પછી કોઈપણ એક પક્ષ માટે સૌથી વધુ છે. વિપક્ષે એ પણ યાદ રાખવાનું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 136 સાંસદોએ 50 ટકા કે તેથી વધુ વોટ શેર મેળવ્યા હતા. પાર્ટીએ આ વોટ શેર સાથે માત્ર તેની સીટોની સંખ્યામાં જ વધારો કર્યો નથી, પરંતુ વ્યાપક ભૌગોલિક ફેલાવા પર પણ જીત નોંધાવી છે. તેથી, જેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે મહાગઠબંધનની કલ્પના કરી રહ્યા છે, તેમના માટે પડકાર પ્રચંડ લાગે છે.
વોશિંગ્ટન ડીસી અને પટના વચ્ચે કેટલું અંતર છે? ના, ભૌગોલિક અંતરની વાત નથી કરી રહ્યો, મારો મતલબ બે શહેરો વચ્ચેના કિલોમીટરનું અંતર નથી, પરંતુ રાજકીય ઊથલપાથલના અંતરની વાત છે, જે 2024માં ભારતની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ નક્કી કરી શકે છે. એક તરફ આર્થિક અને તકનીકી કૌશલ્ય સાથે નોંધપાત્ર શક્તિ તરીકે ઉભરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન એક મજબૂત અને સમૃદ્ધ દેશ સાથેની સ્થિર સરકારની સંભાવનાનો સંકેત આપે છે. બીજી બાજુ, ભારતના સૌથી પછાત રાજ્યોમાંના એક બિહારની રાજધાનીમાં 15 વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓની બેઠક લાખો અવાજહીન અને ચહેરા વિનાના લોકોના અવાજો અને ચહેરાઓનું પ્રતિનિધિત્વ કરવા બેઠું થઈ રહ્યું છે! મોદીની સામે! સવાલ એ છે કે, શું વિપક્ષી એકતા એક મહત્વપૂર્ણ ચૂંટણી જીતના રૂપમાં પરિવર્તિત થશે કે અમેરિકાની યાત્રા પછી મોદીનો ઉત્સાહ તેમને ત્રીજી વખત સત્તામાં લાવવાનું આશ્વાસન આપશે? આ પ્રશ્નોના જવાબ સરળ નથી.
23મી જૂને પટનામાં વિપક્ષની બેઠક બે મોટા કારણોસર સફળ રહી એવું કહી શકાય. સૌપ્રથમ, તેમાં 15 રાજકીય પક્ષોના 32 નેતાઓએ હાજરી આપી હતી, જેમાં 10 વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે. આવું આ પહેલા ક્યારેય થયું નથી. બીજું અને સૌથી અગત્યનું, પક્ષોએ બેઠક વહેંચણી અને સામાન્ય કાર્યક્રમ અંગે ચર્ચા કરવા જુલાઈમાં ફરી મળવાનું નક્કી કર્યું છે. આમાં એક માત્ર ડખાવાળી બાબત એ હતી કે કેન્દ્રના વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાની કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની માગ હતી. આ મુદ્દે આપ અને કોંગ્રેસ આમને સામને હોય એવી છબિ મીડિયામાં ઉપસી હતી, પણ વિપક્ષ માટે મોદી વિરુદ્ધ મોરચો માંડવામાં આ બાબત મુખ્ય પડકાર નથી. મુખ્ય પડકાર તો બીજા છે.
આપણે આજે એકે-એક મુદ્દે ચર્ચા કરીએ. પહેલો મુદ્દો જ કોંગ્રેસ વિરુદ્ધ આપનો શું છે, એ સમજીએ. કોંગ્રેસ અને આપ મુખ્યત્વે ત્રણ રાજ્યો – દિલ્હી, પંજાબ, ગુજરાત અને એક કેન્દ્રશાસિત પ્રદેશ – ચંદીગઢમાં એકબીજા સામે લડી રહ્યાં છે. આપ દાવો કરે છે કે હરિયાણામાં પણ તેની હાજરી છે, પરંતુ અત્યાર સુધી તેની હાજરી ફક્ત નાગરિક સંસ્થાના સ્તરે જ છે. છેલ્લી અનેક લોકસભાની ચૂંટણીઓથી દિલ્હીમાં મતદાનની લહેર ચાલી રહી છે. દિલ્હીએ 2009માં કોંગ્રેસને તમામ સાત બેઠકો અને 2014 અને 2019માં તમામ સાત બેઠકો ભાજપને આપી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપને દિલ્હીની દરેક લોકસભા સીટ પર 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને આપના વોટ મર્જ કરવામાં આવે તો પણ ભાજપને હરાવવું મુશ્કેલ હતું.
આ જ વાત ગુજરાતની મોટાભાગની સીટો પર લાગુ પડે છે. જો ભાજપ ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં જેટલો મજબૂત રહ્યો છે તેટલો જ મજબૂત રહેશે તો કોંગ્રેસ-આપ ગઠબંધન તેને બહુ નુકસાન કરે તેવી શક્યતા નથી. ગુજરાત આમ પણ ભાજપનો ગઢ કહેવાય છે. અહીં ભાજપ પાસેથી એક બેઠક આંચકી લેવી પણ મુશ્કેલ છે. હવે આપણે પંજાબની વાત કરીએ. ગ્રામીણ શીખ મતદારોમાં ભાજપના નબળા આધારને કારણે પાર્ટી રાજ્યની 13માંથી 10 બેઠકો માટે મજબૂત દાવેદારી કરતી દેખાતી નથી, સિવાય કે તે શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરે. બાકીની ત્રણ બેઠકો – હોશિયારપુર, ગુરદાસપુર અને અમૃતસરમાં પણ ભાજપ ગ્રામીણ શીખ મતદારોના સમર્થન વિના જીતી શકે તેમ નથી.
તેથી, જ્યાં સુધી ભાજપ અને શિરોમણી અકાલી દળ એકસાથે નહીં આવે ત્યાં સુધી પંજાબની મોટાભાગની બેઠકો બિન-ભાજપ પક્ષો વચ્ચે લડાય તેવી સંભાવના છે. જો ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન નહીં કરે તો તેની અસર રાષ્ટ્રીય સ્તરે માત્ર થોડી જ બેઠકો પર થશે. એટલે આ મોટો મુદ્દો નથી. તો પછી વિપક્ષી એકતા સામે મોટો પડકાર શું છે? લોકસભા બેઠકોની દ્રષ્ટિએ પાંચ સૌથી મોટા રાજ્યો વિપક્ષી એકતા માટે મોટો પડકાર છે.
આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (80 બેઠકો), મહારાષ્ટ્ર (48 બેઠકો), પશ્ચિમ બંગાળ (42 બેઠકો), બિહાર (40 બેઠકો) અને તમિલનાડુ (39 બેઠકો). જાણકારોનું માનવું છે કે, ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાં વિવિધ સ્તરે વિરોધ પક્ષોના મજબૂત જોડાણની વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે તમિલનાડુમાં ડીએમકેના નેતૃત્વમાં સ્થિર ગઠબંધન સરકાર છે. આ ગઠબંધન છેલ્લી લોકસભાની ચૂંટણીમાં જીત્યું હતું અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યું હતું. તેથી જ આગામી લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન નિશ્ચિત છે.