સુરત: કોસાડ આવાસમાં રહેતા પરિવાર વચ્ચે પારિવારિક કલેશ થયો હતો. પત્ની અને બાળકની પરવા કર્યા વગર પતિએ ઘરનો દરવાજો બહારથી લોક કરીને ક્યાંક જતો રહ્યો હતો. ઓરડામાં બંધ પત્ની અને બાળક કલાકો સુધી પુરાઈ રહ્યા હતાં, જેમનું ફાયરની ટીમે દરવાજો તોડીને રેસ્ક્યુ કર્યું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરના કોસાડ આવાસમાં આવેલી H-3 બિલ્ડિંગમાં પ્રધાન પરિવાર રહે છે. સોમવારે રાત્રે કોઈ કારણોને લઇને પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં ઉગ્ર ઝગડો થયો હતો. પત્ની લક્ષ્મીબેન પ્રધાન અને તેમના 13 વર્ષીય પુત્ર સ્વાધીન પ્રધાનને મોડી રાત્રે 12:03 કલાકે ઘરમાં પૂરી, દરવાજો બહારથી લોક કરીને પતિ નાસી છૂટ્યો હતો.
લક્ષ્મીબેન અને તેના દીકરાએ ખૂબ જ બૂમાબૂમ કરી હતી, પણ મોડી રાત હોવાથી કોઈ પડોશના લોકો પણ મદદે આવી શક્યા ન હતા. ઘટનાનો કોલ ફાયર કંટ્રોલ રૂમને મળતાં જ કોસાડ ફાયર સ્ટેશનની ટીમ કોસાડ આવાસ પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર હિતેશ ભગવાકરે જણાવ્યું હતું કે, ફાયરની ટીમે બંધ દરવાજાનું લોક તોડીને બંધક પત્ની અને બાળકને બહાર કાઢ્યા હતા. ઘટના સ્થેળે અમરોલી પોલીસ પણ હાજર હતી. તેમણે સમગ્ર હકીકત જાણ્યા બાદ પતિની શોધખોળ શરુ કરી હોવાનું ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું.