સુરત: ભાજપના વોર્ડ નં.29નાં મહિલા કોર્પોરેટર વૈશાલી પાટીલે પોતાના વિસ્તારમાં બાંધકામ માટે લાંચ માંગી હોવાનો વિડીયો આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયો હતો. આમ આદમી પાર્ટીએ સ્ટિંગ ઓપરેશન કરી આ કોર્પોરેટરની પોલ ખોલી હોવાનો દાવો કર્યો હતો.
- ભાજપનાં કાઉન્સિલરે પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે દોઢ લાખ રૂપિયા માંગ્યા: ધર્મેશ ભંડેરી
જે અંગે અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધી સુરત આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભાજપનાં કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ (વોર્ડ નં.29) તથા તેમના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ અને ભરતભાઇ (મળતીયા)એ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે એક કાઉન્સિલર દીઠ 40,000 રૂપિયા અને ચાર કાઉન્સિલર (વૈશાલીબેન પાટીલ, સુધાબેન પાંડે, બંશુભાઈ યાદવ અને કનુભાઈ પટેલ)ના કુલ 1,60,000 રૂપિયાના રાઉન્ડ ફિગરમાં એક લાખ પચાસ હજાર રૂપિયા માંગ્યા છે.
એ લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, મનપાના અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે. ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ સ્ટિંગ ઓપરેશનમાં કોઈ અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. સુરતની જનતાએ અને સાથે સાથે ગુજરાત અને દેશની જનતાએ સમજવાની જરૂર છે કે તમે જેમને ચૂંટીને મોકલો છો, તેઓ સુવિધાના કામને પ્રાથમિકતા આપવાની જગ્યાએ પોતાનાં ખિસ્સાં ભરવાના કામને પ્રાથમિકતા આપે છે. જે લોકો પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા તેઓ દ્વારા વ્યથા રજૂ કરાઈ હોવાની વાત વિપક્ષી નેતાએ કરી હતી.
આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ અંગે એસીબીમાં ફરિયાદ થઈ છે અને એસીબીએ છટકું ગોઠવ્યું તો એની માહિતી પણ તે લોકોને પહોંચી ગઈ છે. એનો મતલબ એમ છે કે, સિસ્ટમ ફૂટેલી છે. 5 એપ્રિલ-2023ના રોજ અમદાવાદ એસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી.
લેખિતમાં ફરિયાદ કરવાને આજે અઢી મહિનાનો સમય થઈ ગયો, તો પણ કોઈપણ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં નથી. એસીબીને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પણ એસીબીએ કોઈ કાર્યવાહી નથી કરી. સુરતના કોઈ મોટા નેતાએ એસીબી પર કોઈ દબાણ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે, 50 લાખથી એક કરોડ રૂપિયા લઈને ભાજપમાં આવી જાવ અને ત્યારબાદ તમે ભાજપમાં આવીને લૂંટ ચલાવો. અમારી માંગણી છે કે, SITની રચના કરવામાં આવે અને તેમાં હાઇકોર્ટના નિવૃત્ત જજ અંતર્ગત તપાસ થાય.
વૈશાલી પાટીલે ફોન રિસીવ કર્યો નહીં
જેના પર આટલો મોટો આક્ષેપ થયો છે, તે ભાજપના કોર્પોરેટર વૈશાલી પટેલનો સંપર્ક કરી તેના પર લાગેલા આક્ષેપો બાબતે વાત કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે, ગુજરાતમિત્રના પ્રતિનિધિ દ્વારા બે વખત કોલ કરવા છતાં ફોન રિસીવ કર્યો નહોતો. આથી તેનો પ્રતિભાવ મળી શક્યો નથી.
આવા વાહિયાત આક્ષેપોમાં કોઈ વજૂદ નથી: યમલ વ્યાસ (પ્રદેશ ભાજપ પ્રવક્તા)
આપના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કરેલા આક્ષેપ બાબતે પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આવા વાહિયાત આક્ષેપોમાં કોઇ વજૂદ હોતું નથી. આથી તે બાબતે વાત કરવી યોગ્ય લાગતી નથી.