SURAT

એવું શું થયું કે ધી સુરત પીપલ્સ કો.ઓ.બેન્કના 6 ડિરેક્ટરોએ એકસાથે રાજીનામા આપી દીધાં?

સુરત: શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહેલી સુરતીઓ સૌથી જૂની ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટિ સ્ટેટ બેન્કના (The Surat Peoples co.op. Bank) વાઇસ ચેરમેન રહેલા સુનીલ કનૈયાલાલ મોદી સહિત 6 ડિરેક્ટરે ટર્મ પૂરી થાય એ પહેલાં ડિરેક્ટર પદેથી રાજીનામાં (Resignation) આપી દેતાં સહકારી ક્ષેત્રમાં ચકચાર જાગી છે.

સુનીલ મોદી, જયવદન બોડાવાલા, મુકેશ ગજ્જર, આશિત ગાંધી, પ્રવીણ જરીવાલા અને સંજીવ તમાકુવાળાએ રાજીનામું આપી દીધું હતું. ચર્ચા એવી છે કે, રાજીનામું આપનાર કેટલાક ડિરેક્ટરો ટર્મ બ્રેક કરી ફરી બેંકની વ્યવસ્થાપક કમિટીની ફરી ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમણે આ પગલું ભર્યું છે. સિનિયર ડિરેક્ટર સુનીલ મોડિયા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ નજીકના દિવસોમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે એ પહેલાં સીટિંગ ડિરેક્ટરોએ રાજીનામાં આપી દીધાં છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી જોગવાઈ મુજબ સતત 8 વર્ષ જે વ્યક્તિ ડિરેક્ટર રહ્યો હોય એ ફરી ડિરેક્ટરની ચૂંટણી લડી ન શકે. સુરત પીપલ્સ બેંકમાં કેટલાક ડિરેક્ટરો દાયકાઓથી ડિરેક્ટર રહ્યા છે.

બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી બીઆર. એક્ટ અને બેંકના પેટા કાયદા મુજબ યોજાવા જઈ રહી છે. આરબીઆઇના માત્ર એક કાયદાથી વર્ષો જૂના બેંકના ડિરેક્ટરોની એકતા તૂટી છે. બેંકમાં સત્તાનો કબજો રાખવા માંગતું ગ્રુપ સિનિયર ડિરેક્ટરોએ મોકલાવેલાં નામો ફગાવી પોતાની મરજીની પેનલ નક્કી કરતાં શહેરમાં દાયકાઓથી માન મોભો ધરાવનાર સિનિયર ડિરેક્ટરોએ સામે બીજી પેનલ ઉતારવાની તૈયારીઓ કરી છે. બંને પેનલોના સમર્થકો રાજકીય રીતે ભાજપ સાથે સંકળાયેલા હોવાથી દાયકાઓ પછી સુરત પીપલ્સ બેંકમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલે પોતાની પેનલ મેદાને ઉતારવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ પોતાની મરજીનું બોર્ડ ઇચ્છી રહ્યા છે. રાજીનામું આપી બ્રેક લેનારા ડિરેક્ટરો ચૂંટણી લડી શકશે કે કેમ એ મામલે જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલની ખરી કસોટી થશે. સ્વ.શ્રી રા.સા. વૃંદાવનદાસ જાદવ અને તેમના લઘુબંધુ સ્વ.ઠાકોરભાઈ જાદવે સ્થાપેલી બેન્કની આગામી ચૂંટણી રાજકીય રંગ પકડે એવી શક્યતા છે.

સુરતની સહકારી બેંકોમાં ટર્મ પહેલાં રાજીનામું આપી ગોઠવાઈ ગયેલા ડિરેક્ટરોને આ ચૂંટણી નડી જશે
સુરત સહિત રાજ્યની સહકારી બેંકોમાં વર્ષોથી જામી પડેલા કેટલાક ડિરેક્ટરો કાયદાની છટકબારી શોધી ટર્મ પૂરી થાય એ પહેલાં રાજીનામું આપી બેંકની વ્યવસ્થાપક કમિટી અને હોદ્દા પર ગોઠવાઈ ગયા છે. અહીં બિનહરીફ ચૂંટણી થઈ હોવાથી કોઈ વિવાદ થયો નથી. તેમને સુરત પીપલ્સ બેંકની ચૂંટણી નડી જશે. સુરતની ત્રણથી ચાર સહકારી બેંકોમાં આ રીતે ડિરેક્ટરો ગોઠવાઈ ગયા છે. એને લઈ સ્ટેટ કો.ઓપરેટિવ રજિસ્ટ્રાર કચેરી તપાસ કરી રહ્યું છે. આવી બેંકો સામે RBI કાર્યવાહી કરે એવી શક્યતા છે.

સહકારી બેંકોમાં ચેરમેન સહિતના હોદ્દે ચુંટાયેલા ડિરેક્ટરોને પણ વિદાય લેવી પડશે?
સહકારી ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે, સતત 8 વર્ષથી ડિરેક્ટર રહ્યા હોય અને બેંકમાં ચેરમેન સહિતના હોદ્દા પર નવી ટર્મ માટે ઇલેક્ટ થયા હોય આવા ડિરેક્ટરોએ ચેરમેન સહિતના હોદ્દા પર ચાલુ રહેવા રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી લીધી ન હોય તો એવા ડિરેક્ટરો પણ ચૂંટણી લડી શકે નહીં, કે હોદ્દેદાર તરીકે રહી શકે નહીં. રાજ્યની કેટલીક સહકારી બેંકોના ચેરમેન પણ આ કાયદાની ઝપટે આવી શકે છે. જો આરબીઆઇ, સ્ટેટ કો.ઓપ.રજિસ્ટ્રાર કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીને ફરિયાદ મળે તો.

Most Popular

To Top