કપડવંજ: કઠલાલના વાત્રક કાંઠા વિસ્તારના રવદાવત ગ્રામ પંચાયતના પેટા પરા વિસ્તારની પીપળીયા પ્રાથમિક શાળા જર્જરિત જાહેર કરાઇ છે. જેમાં ચાર ઓરડા તોડી પણ નાંખવામાં આવ્યાં છે. પરંતુ એક વર્ષથી નવા ઓરડા બન્યાં નથી. બીજી તરફ વિદ્યાર્થીઓને બાકીના ત્રણ જર્જરિત ઓરડામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત શાળા બે પાળીમાં ચાલતાં વિદ્યાર્થી અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાત્રકકાંઠા વિસ્તારના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહ સોલંકીના તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ, આદર્શ પ્રાથમિક શાળા પીપળીયાના ઓરડા છેલ્લા એક વર્ષથી તોડી નાખવામાં આવતા વૈકલ્પિક વ્યવસ્થા રીતે પ્રાથમિક શાળાના બાળકોને બાકીના વધેલા ઓરડામાં બેસાડવામાં આવી રહ્યા છે.
આ ઓરડાની સંખ્યા ઓછી હોવાથી બે પાળી પદ્ધતિમાં પ્રાથમિક શાળા ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને સવારે અને બપોરે શાળાના આ કામકાજને લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરેશાની ભોગવવી પડ રહી છે. પીપળીયા આદર્શ પ્રાથમિક શાળામાં 212 વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 95 કન્યાઓ અને 117 કુમારની સંખ્યા આવેલી છે. જેમાં 10 શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ચાર ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ 3 જર્જરીત ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. આ ત્રણ ઓરડાઓમાં સંખ્યા વધારે હોવાને કારણે તેમાંય ધોરણ સાતના અ અને બ એમ બે વર્ગ હોઇ આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સવાર અને બપોરે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી કરીને અનેક પ્રશ્નોનું નિર્માણ થયું છે. જેમાં એક જ પરિવાર ના નાના-મોટા આવતા વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે આવવાનું અનુકૂળતા આવતી નથી. મધ્યાહન ભોજનમાં પણ તકલીફ પડી રહી છે.
આમ આ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, જો ઓરડાનું નવું નિર્માણ કરવામાં ન આવવાનું હોત તો જૂના ઓરડા કેમ પાડી નાખવામાં આવ્યા છે ? આજ દિન સુધી કેમ નવા ઓરડાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું નથી ? આમ અનેક પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. આ અંગે સત્વરે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સત્વરે શ્રીઆદર્શ પ્રાથમિક શાળા પીપળીયાના ઓરડાઓનું કામકાજ શરૂ કરવામાં આવે એમ સૌની લાગણી અને માગણી પ્રબળ બની રહી છે.