નવી દિલ્હી : PM મોદી (PM Modi) અમેરિકાની (America) સફળ રાજકીય મુલાકાત પછી શનિવારના રોજ ઈજિપ્તની (Egypt) રાજધાની કૈરો (cairo) પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ સ્વાગત કર્યું હતું. આ પીએમ મોદી 24 અને 25 જૂન દરમિયાન બે દિવસીય રાજકીય મુલાકાત છે. ઈજિપ્તની આ રાજકીય મુલાકાત દરમિયાન તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વેપાર તથા આર્થિક સહયોગના નવા ક્ષેત્રોમાં સહયોગને વિસ્તારવા અંગેની ચર્ચાઓ કરશે. આ સાથે તેઓ 25 જૂને ઈજિપ્તની રાજધાની કૈરોની ઐતિહાસિક 1 હજાર વર્ષ જુની અલ હકીમ મસ્જીદની મુલાકાત પણ લેશે.
પીએમ મોદી ઈજિપ્તના વડા પ્રધાન સાથે ગોળમેજી બેઠક કરશે. તેઓ રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી પોતાની ઈજિપ્તના પ્રવાસ દરમિયાન 25 જુનના રોજ લગભગ બપોરના 1 વાગ્યે અલ હકિમ મસ્જીદની મુલાકાત લેશે. આ મસ્જીદનું નામ છઠ્ઠા ફાતિમી અને 16મા ઈસ્માઈલી ઈમામ ખલીફા અલ-હકીમ બાય-અમ્ર અલ્લાહના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મસ્જીદ મૂળ 10મી સદીના અંતમાં અલ-હકીમ દ્વિ-અમ્ર અલ્લાહના પિતા ખલીફા અબુ મન્સુર નિઝર અલ-અઝીઝ બિલ્લાહ દ્વારા બનાવવામાં આવી હતી. જેનું કામ 1013માં અલ-હકીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ મસ્જીદ કૈરોની બીજી સૌથી મોટી અને ચોથી સૌથી જૂની મસ્જીદ છે.
આ મસ્જિદમાં 4 મોટા હોલ છે. સૌથી મોટા હોલમાં નમાઝ અદા કરવામાં આવે છે. આ મસ્જીદ 13,560 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. મસ્જીદનો સમયાંતરે અન્ય કાર્યક્રમો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એક સમયે તે ખંડેરમાં પણ ફેરવાઈ ગઈ હતી. જોકે આજે આ મસ્જીદ તેની સુંદરતા અને વાસ્તુકલા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. દાઉદી બોહરા સમુદાય દ્વારા આ મસ્જીદનું નવનીકરણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. મસ્જીદના સમારકામમાં કુલ 27 મહિના લાગ્યા હતા. ઈજિપ્ત મસ્જીદ પ્રમુખ અનવર સાદત મોહમ્મદ બુરહાનુદ્દીન અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 24 નવેમ્બર 1980ના રોજ ફરીથી ખોલવામાં આવી હતી.
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર પીએમ મોદી આ મુલાકાત કરી રહ્યા છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા અલ-સીસીએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન તરીકે મોદીની આ ઈજિપ્તની પ્રથમ મુલાકાત હશે. ઈજિપ્તના પ્રવાસ દરમિયાન તેઓ હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લેશે. જ્યાં તેઓ શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે જે દરમિયાન કેટલાક એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ગાઢ સંરક્ષણ સંબંધો છે. બંને દેશો ઘણા વર્ષોથી સંયુક્ત કવાયત, તાલીમ કાર્યક્રમો વગેરેમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થયો છે. પ્રથમ વખત ભારતીય અને ઈજિપ્તની વાયુસેનાના લડાયક વિમાનોએ સંયુક્ત લશ્કરી અભ્યાસ પણ કર્યો હતો.