SURAT

સુરતમાં પ્રેમાંધ યુવાને શિક્ષિકાને કહ્યું તારા હાલ ગ્રીષ્મા જેવા કરી નાંખીશ

સુરત : સુરતમાં લંપટ પ્રેમાંધ યુવાને શિક્ષીકાને ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમાંધ યુવકે શિક્ષીકાના હાલ ગ્રીષ્મા જેવા કરવાની ધમકી આપતા પોલીસ પણ ચોંકી છે. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક યુવકની ધરપકડ કરી છે.

મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું હતું. મેસેજના કારણે પ્રેમાંધ બનેલા યુવાને શિક્ષિકાને ગ્રીષ્મા જેવા હાલ કરવાની ધમકી આપી હતી. ગભરાયેલી શિક્ષિકાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે આ છેલબટાઉ યુવાનની ધરપકડ કરી હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ઉત્રાણ ખાતે કિર્તિનગર સોસાયટીમાં શૈલેષ પૂજાભાઇ ગુર્જર રહે છે. તેની સામે એક શિક્ષિકાએ કતારગામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી શૈલેષના સંપર્કમાં હતી. આ બંને સારા મિત્ર હોવાથી ચેટિંગ પણ કરતાં હતાં. ત્યાર બાદ શૈલેષના લગ્ન થઇ ગયા હતાં જો કે, એક વર્ષ પછી તેના છૂટાછેડા પણ થઇ ગયા હતાં.

ત્યારબાદ તેણે શિક્ષિકા ઉપર લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. તેના માટે તે તેને ધાકધમકી પણ આપતો હતો. દરમિયાન શિક્ષિકાના લગ્ન નક્કી થતાં તેણે સાસરિયાને ભરમાવી તેના વિવાહ તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ શિક્ષિકા સ્કૂલે જઇ રહી હતી ત્યારે શૈલેષે તેને ગ્રીષ્માની જેમ હણી નાંખવાની ધમકી આપતા શિક્ષિકા ગભરાઇ ગઇ હતી અને તેણે તેના માતા પિતા સમગ્ર હકીકત જણાવી હતી. માતા પિતાએ હિંમત આપતા તેણે આરોપી શૈલેષ વિરૂદ્ધ કતારગામ પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top