Gujarat

પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી: ગોધરામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ

ગોધરા: ગુજરાતમાં (Gujarat) બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના (Monsoon) સમીકરણો બદલાઈ ગયા છે. વરસાદના આગમન વચ્ચે વાવાઝોડેએ દસ્તક આપતા આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ છે. કેરળમાં પણ ચોમાસાએ મોડી એન્ટ્રી મારી છે ત્યારે ગુજરાતમાં 27 જૂનથી મેઘરાજા એન્ટ્રી મારશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. શનિવારે પૂર્વ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 25 થી 30 જૂન સુધી મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે.

આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં સવારના બે કલાકમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી ગરમી અને ઉકાળના કારણે ત્રાહિમ્મ પોકારી રહેલા લોકોને પણ રાહત મળી હતી. પંચમહાલના ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તાઓ ઉપર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે નગરપાલિકા પર પ્રિમોન્સૂનની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા હતા.

આ સાથે ખેડાના નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.  અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. મોડાસાના ડીપ, ચારરસ્તા, માલપુરરોડ સહિત વિસ્તારમાં વરસાદ છે. ગ્રામ્ય પંથક સબલપુર,લાલપુર સહિતના પંથકમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.

ગુજરાતમાં 27 જૂનથી મેઘરાજા એન્ટ્રી મારશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત્ આગમનની રાહ જોવાઇ રહી છે, ત્યારે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થાઈ ચૂક્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન નિષ્ણાંત મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે પંચમહાલ, દાહોદ, મહી સાગર, સુરત, તાપી, ડાંગમાં તેમજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top