સાપુતારા: (Saputara) ડાંગનાં સુબીર તાલુકાનાં લવચાલી ગામમાંથી 19 વર્ષીય યુવાન અને 17 વર્ષીય સગીર બાઈક (Bike) પર સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે (Car Driver) બાઈકને અડફેટે લેતાં 19 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને 17 વર્ષીય સગીરને માથાને ભાગે ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અનાવલ ગામથી રણજીતભાઇ રતનભાઈ પવાર (ઉ.વ.19) અને રાજભાઈ ધર્મેશભાઈ પવાર (ઉ.વ.17) (રહે.ધુબીટા, તા.આહવા, જી.ડાંગ) બાઈક પર સવાર થઈ કિરલી ગામ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ ગાયગોઠણ અને લવચાલી ગામના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ રોંગ સાઈડમાંથી એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી બેફિકરાઇથી હંકારી લાવતાં બાઈક સવારને અડફેટે લેતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રણજીતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વધુ લોહી વહી જવાને કારણે મોત નીપજ્યું હતું. તેમજ રાજભાઈને માથાને ભાગે તથા શરીરે ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતનાં બનાવ અંગે સુબીર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કનાડુમાં બે બાઈક અથડાતા એક યુવકનું મોત
ઉમરગામ : ઉમરગામ તાલુકાના કનાડુ ગામ, વડલી ફળિયામાં સતિષ જેઠીયાભાઈ વરઠા (ઉં.50) પરિવાર સાથે રહે છે અને તેઓની સાથે નાની બહેનના ત્રણ સંતાનો પણ રહે છે. તેમનો ભાણેજ વિશાલ દિલિપભાઈ વઘાત (ઉં.18) અને ગામનો મિત્ર જયેશ મગન વરઠા (ઉં.22) સાથે નવી બાઈક લઈને નીકળ્યા હતાં. તેઓ બાઈક લઈને કનાડુ, ભાસ્કર ફળિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી બાઈક નં. જીજે-15 બીએસ-0463 રોંગ સાઈડેથી પૂરપાટ ઝડપે આવતા બંને બાઈક સામસામે અથડાતા અકસ્માતમાં જયેશને શરીરે અને પગના ભાગે તથા વિશાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભિલાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે વિશાલને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સતિષ વરઠાએ ભિલાડ પોલીસ મથકમાં કરી હતી.
હનવતચોંડ નડગખાદી માર્ગમાં આઈસર ટેમ્પો પલટી ગયો
સાપુતારા: ડાંગ જિલ્લાનાં હનવતચોંડ નડગખાદી માર્ગમાં આઈસર ટેમ્પો પલ્ટી મારી જતાં ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાના કાલીબેલ તરફથી આહવા તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો નં. જીજે-03-એઝેડ-5551 હનવતચોંડ-નડગખાદી માર્ગમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો પલ્ટી મારી જતાં ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પોને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.