ભારતમાં બીજેપીનો ઉદય થયો ત્યારથી હિંદુ ધર્મ ખતરામાં હોવાના ઢોલ વગાડાઈ રહ્યા છે. દીલ્લીની ગાદી ઉપર મોદી સત્તામાં આવ્યા પછી તો હિંદુ ખતરામાં હોવાનો ગોકીરો વધુ બુલંદ બનાવાયો છે. ટી.વી. ઉપર, સમાચારપત્રોમાં અને મોબાઈલમાં વિવિધ સાઈટો ઉપર સતત હિંદુ રાષ્ટ્રની ચર્ચાઓ ચગાવાઈ રહી છે. મુસ્લિમોને સતત હિંદુઓના અને હિંદુ રાષ્ટ્રના દુશ્મનરૂપે રજૂ કરી હિંદુઓને ભડકાવાઈ રહ્યાં છે. પરંતુ વિચારવું જરૂરી છે કે ખરેખર હિંદુઓ ખતરામાં છે? આ દેશમાં 800 વર્ષ ઈસ્લામિક શાસન હતું. 200 વર્ષ અંગ્રેજોનું શાસન રહ્યું,
છતાં હિંદુ ધર્મ સલામત રહ્યો તો હવે કઈ રીતે હિંદુ ધર્મ ખતરામાં આવી ગયો? દેશમાં જોઈએ તો તમામ મુખ્ય હોદ્દાઓ અને પદો ઉપર જુઓ રાષ્ટ્રપતિ હિંદુ, પ્રધાનમંત્રી હિંદુ, તમામ કોર્ટોમાં 95 ટકા જન્મે હિંદુ, 95 ટકા પોલીસ હિંદુ, દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા હિંદુ, દેશના 90 ટકા વેપાર ધંધા હિંદુઓના હાથમાં છે. સરકારી કર્મચારીઓમાં 95 ટકા હિંદુ છતાં હિંદુ ખતરામાં? દેશની 140 કરોડ વસ્તીમાં 120 કરોડ હિંદુ છે છતાં કહો છો હિંદુ ખતરામાં? જ્યારે દુનિયામાં માત્ર 69000/ પારસી છે, છતાં તેઓ ખતરાની બૂમો નથી પાડતા! હકીકત એ છે કે હિંદુઓ પાસે નૈતિકતા નથી, ઇમાનદારી નથી. ઢોંગી ટીલાં ટપકાંવાળું હિંદુત્વ છે જે માત્ર દેખાડો છે. પોતાના પડોશી હિંદુ પ્રત્યે પણ માનવતા નથી તેથી હિંદુઓને માત્ર 20 કરોડ મુસ્લિમોનો ડર લાગે છે અને એને ભાજપ દ્વારા ચગાવાય છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
૨૩ જૂન ૨૦૨૩ શંભુમેળાની મિટિંગ
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવા એકજૂટ થવા માટે કૉંગ્રેસ અને જુદા જુદા રાજકીય પ્રાદેશિક પક્ષોના વડાઓની એક મિટિંગ મળવાની છે. એ મિટિંગમાં શું ચર્ચા થાય છે અને શું નકકી થાય છે તે ૨૩ મી જૂને ખબર પડશે. પરંતુ રાહુલ ગાંધી, મમતા બેનરજી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સી. એમ. સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી વિગેરેમાંથી મોટા ભાગનાને જો શંભુમેળાનો વિજય થાય તો વડા પ્રધાન બનવું છે. દરેકની વિચારધારા અલગ અલગ છે.
એટલે જો ભેગા થાય તો પણ વાતેવાતે તેઓ વચ્ચે મતમતાંતર ઊભા થાય જ. અને છતાં એકમાત્ર મોદીને હરાવવા આ બધા ભેગા થઈને વિચારવિમર્શ કરવાના છે. જે રીતે આખો સિનારિયો વર્તાઈ રહ્યો છે તે જોતાં શંભુમેળાનો સંઘ કાશીએ પહોંચે એમ લાગતું નથી અને છતાં કંઇક ભેગા થવાનું નક્કી થશે તો એ કેટલું લાંબું ચાલે છે તે જોવાનું રહેશે કે પછી ચૂંટણી આવતાં પહેલાં બધું કડડભૂસ થઈ જાય છે તે જોવાનું રહેશે. હાલ પૂરતું તા ૨૩ જૂનની રાહ જોવી રહી. યોગાનુયોગ આ મિટિંગને દિવસે જ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકામાં છે. અહીં આપણા દેશમાં તેમને આગામી લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટેના આયોજન અંગે ચર્ચા ચાલતી હશે ત્યારે મોદીજી અમેરિકામાં આપણા દેશના ગુણગાન ગાતા હશે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે