કપડવંજ: કપડવંજમાં પરંપરાગત રીતે સુપ્રસિધ્ધ નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યોજાઇ છે. દાદા ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે, આ પરંપરા છેલ્લા 231 વર્ષથી યોજાઇ છે. 231મી રથયાત્રા મંદિરના વડપણ હેઠળ ઉત્સવ સમિતિની રાહબારી હેઠળ નગરના સર્વ સમાજના સાથ સહકારથી કાઢવામાં આવી હતી.
રથયાત્રાના પર્વ નિમિત્તે નિજ મંદિરમાં મંદિરના સેવક ભગવતભાઈ જોષી, જૈમીન જોષી તથા પૂજારી મંડળ દ્વારા જનક તળાવીયા લાઠીના ધારાસભ્ય, કૌશિક વેકરીયા નાયબ મુખ્ય દંડક, જે.વી. કાકડીયા ધારીના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ મોનિકા પટેલ વગેરેએ નિશાનપૂજાનું વિધિવત મુહુર્ત કરી ધાર્મિક પુજન – અર્ચન સાથે ભગવાનની શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર નીકળી હતી. જય રણછોડ , માખણ ચોરના નાદ સાથે નારાયણની ભવ્ય રથયાત્રા અત્રેના સુપ્રસિધ્ધ નાના રામજીમંદિર , મોટા રામજી મંદિર અને રાધા – કૃષ્ણના મંદિરોમાં રથયાત્રાનું ધાર્મિક પુજન અને આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે સાથે નગરજનોએ રથયાત્રાનું ઠેર – ઠેર સ્વાગત કરી પરંપરાગત જાંબુ – મગ – કેરી – કાકડીનો પ્રસાદ માણ્યો હતો. રથયાત્રામાં ભક્તજનો તથા નગરજનો જોડાયા હતા.નગરના રાજમાર્ગો ઉપર નગરજનોએ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક રથયાત્રાના વધામણા કર્યા હતા. નિજ મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાપડબજાર, હોળીચકલા, લાંબીશેરી, ગાંધી બાવલા, ટાઉનહોલથી કુબેરજી મહાદેવમાં વિસામો કરી પુજન – અર્ચન બાદ પુનઃ મીનાબજાર, સુથારવાડા, કુંડવાવ, ગાંધીચોકથી પ્રસ્થાન થઈ યથાસ્થાને નીજમંદિરમાં પરત ફરવા નીકળી હતી. કપડવંજ રેવન્યુ તથા પોલીસતંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચોકસાઈ રાખવામાં આવી હતી. દેવ પ્રિય પુષ્ય નક્ષત્રનો આ એક જ દિવસ છે જ્યાં ભગાવન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે.અને તેથી ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે.