Charchapatra

નવી પુત્રવધૂને થોડો સમય ‘સેટ’ થવા આપો

પરિવારમાં પુત્ર લગ્નગ્રંથિથી બંધાય ત્યારે આપણા સમાજની પરંપરા મુજબ પુત્રવધૂ પાસેથી ગૃહકાર્યની અપેક્ષા વધુ રખાય છે! લગભગ તમામ માતા (સાસુ)ની માનસિકતા એવી હોય કે, આટલાં વર્ષોથી મેં ગૃહકાર્યની જવાબદારી સંભાળી તો હવે પુત્રવધૂની ફરજ જ છે.’’ તો એ પુત્રવધૂને આપણા પરિવારમાં અનુકૂળ થવા માટે થોડો સમય તો આપવો જ રહ્યો. જે પરિવારમાંથી એનું આગમન થયું હોય છે એ પરિવારની રીતરસમ, રસોઈની પધ્ધતિ કદાચિત અલગ પણ હોઈ શકે અને વર્તમાન સમયમાં દીકરીઓ અતિ શિક્ષિત હોઈ શકે જેથી એને સંભવ છે કે ગૃહકાર્ય શીખવાનો સમય ન પણ પ્રાપ્ત થયો હોય! તો એ સંજોગોમાં પુત્રવધૂને શ્વસુરગૃહે ત્યાંના રીત-રિવાજ કે અન્ય નિયમોની જાણકારી ન પણ હોઈ શકે. એ સમયે સાસુ કે નણંદે સસ્નેહ પુત્રવધૂને ગૃહકાર્યનો કાર્યભાર સમજાવવો અતિ આવશ્યક છે.

ઘણી વાર ઘરકામને કારણે જ પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાતું હોય છે અને આર્થિક ઉપાર્જન કારણસર પુત્રવધૂ નોકરી કરતી હોય તો ગૃહકાર્ય બાબત વિખવાદ સર્જાવાના સંજોગો પણ ઉપસ્થિત થાય છે. આજની મોંઘવારીના સમયમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એ સંભવ હોઈ શકે. ક્યારેક પુત્રવધૂની કાર્યચૂક થાય તો ‘‘માતાએ કંઈ શીખવ્યું નથી.’’ એવું પણ સાંભળવા મળે! પુત્રવધૂને પ્રેમથી કેળવીને શ્રેષ્ઠ ગૃહિણી બનાવવાની નૈતિક ફરજ શ્વસુરગૃહે સાસુની બની શકે. આ બધામાં બંને પક્ષના સ્વમાનની જાળવણી દીકરાએ રાખવાની હોય તેથી એની હાલત દોરડા પર સંતુલન જાળવવા  જેવી હોઈ શકે! અપવાદ સર્વત્ર હોય જ, પણ જ્યાં પરંપરાગત રૂઢિચુસ્ત પરિવાર હોય ત્યાં બદલાવ આણવાની આવશ્યક્તા ખરી.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top