Charchapatra

સમાચારના અતિરેકના કારણે ‘બાઈસ્કોપ’ કી બાતે’ના ભોગ લેવાયો

ઇંદિરા ગાંધીના રાજમાં રેડિયો પર ઇંદિરાજી છવાયાં હતાં. ઇંદિરાજીને ટક્કર મારે એ રીતે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયા છે. અત્ર, તત્ર, સર્વત્ર બેફામ રીતે મોદીની બોલબાલા, એમ સમજો ખુશામતખોરી ચાલી રહી છે. સવાર, બપોર, સાંજ બસ 24 કલાક સમાચાર વિભાગમાં એમના નામની માળા જપવાનું કામ પૂરબહારમાં ચાલી રહ્યું છે. સમાચાર પણ કેવા? ચાવી- ચાવીને કૂચા કરે એવા. એમની આરતી ઉતારવામાં એમનાં ગીતો ગાવામાં એમના નામનો મહિમા કરવામાં મિડીયાના કોઇ ઉપકરણ જરા સરખી પણ કસર બાકી રાખી નથી. જે અમારા જેવા હજારો લાખો રેડિયોપ્રેમી માટે અસહ્ય માથાના દુખાવા સમાન બની ગયા છે. ‘ગુજરાતમિત્ર’ની ‘ચર્ચાપત્ર’ વિભાગમાં જાણીતા ચર્ચાપત્રી ‘મિત્ર’ ‘બાબુભાઈ નાઈ’નો આક્રોશ તદ્દન વ્યાજબી છે. સમાચારના અતિરેકના કારણે આઘાત લાગ્યો છે. એનાથી બધા નારાજ થયા છે. અહીં મારે મહત્ત્વની વાત એ કરવાની છે કે દર રવિવારે રેડિયો વિવિધ ભારતી પરથી બપોરે બે થી ત્રણ વાગ્યાનો પ્રસારિત થતી વર્ષો જુનો લોકપ્રિય કાર્યક્રમ ‘બાઈસ્કોપ કી બાતે’નો ભોગ લેવાયો છે.

ભારતની હિન્દી ફિલ્મ જગતની યાદગાર ફિલ્મો વિશેની એના નિર્માણની, કેટલીક યાદગાર પળોની અતિ મહત્ત્વની જાણકારી અમારા જેવા સિનેપ્રેમીઓને એના નિર્માતા લોકેન્દ્ર શર્મા પાસેથી એમના વિશિષ્ટ અવાજમાં જાણવા મળતી હતી. એ બધી જાણકારી અન્ય ફિલ્મ મિડીયા પાસે પણ નહોતી. ગુજરા હુઆ જમાનાની ભારતની મહાન મધર ઇન્ડિયા, મોગલે આઝમ, કાગળ કે ફૂલ, ગાઈડ, નયા દૌર, મધુમતી, આવારા જેવી કંઇ કેટલીય ફિલ્મોની મજેદાર જાણકારી હજુ આજે પણ રેડિયો થકી દિલોદિમાગમાં છવાઈ ગઇ છે. જો સમય સમય પર બહાર આવે છે. હિન્દી ફિલ્મોના અમારા જેવા ચાહકો રવિવારની બપોરે બધા કામ પડતા મૂકીને એની મજા લેતા. હવે એ કાર્યક્રમ વિના ચેન પડતું નથી. વધુ પડતા સમાચારના કારણે બધી મજા મરી ગઇ છે. ફરી પાછો વિવિધ ભારતીનો રસપ્રદ લાજવાબ કાર્યક્રમ શરૂ થાય એવી આશા જરૂર રાખી શકાય. મોદી સરકાર એ બાબતે ગંભીરતાથી વિચારે એવી નમ્ર વિનંતિ.
સુરત. – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top