SURAT

દામકા ગામના તળાવમાં ડૂૂબી જતા 9 વર્ષના બાળકનું મોત

સુરત: સુરતના (Surat) દામકા (Damka) ગામમાં ગમખ્વાર ઘટના બની છે. અહીં એક 9 વર્ષીય માસૂમ બાળકનું (Child) તળાવમાં (Lake) ડૂબી (Drowning) જવાના કારણે કરૂણ મોત (Death) નિપજ્યું છે. સાયકલ લઈને ઘરેથી નીકળેલા દીકરાની લાશ ઘરે પરત આવતા પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો છે. બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં હજીરાની પટ્ટી પર આવેલા દામકા ગામમાં ભાડાના મકાનમાં રણજીતસિંહ પરિવાર સાથે રહે છે. રણજીત સિંહ મૂળ બિહારના વતની છે અને 4 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. તેઓ નાની મોટી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રણજીતસિંહને બે દીકરા છે. મોટા દીકરા 9 વર્ષીય ગોલુનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે.

ગોલુ નજીકની શાળામાં ભણતો હતો. તે સોમવારે ઘરેથી સાયકલ લઈને નીકળ્યો હતો. ઘણો સમય વીતી જવા છતાં તે પરત નહીં આવતા પરિવારજનોને ચિંંતા થઈ હતી, તેથી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કોઈકે કહ્યું હતું કે ગોલુ તળાવમાં ન્હાવા પડ્યો હતો અને તે ડૂબી ગયો છે. તેથી પરિવારજનો તળાવ તરફ દોડ્યા હતા.

ગ્રામજનો, સ્થાનિક તરવૈયાઓની મદદથી ગોલુના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હસતા રમતા બાળકનું એકા એક મોત થતા પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. ગ્રામજનો પણ આ ઘટનાથી હેબતાઈ ગયા હતા અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટના અંગે જાણ થતા પોલીસ તળાવ કિનારે દોડી ગઈ હતી અને ગોલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. ગોલુ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો? શું તે એકલો જ તળાવમાં ન્હાવા પડ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પાંડેસરામાં ચોથા માળેથી પટકાયેલી બે વર્ષીય બાળકીનું મોત
સુરત: પાંડેસરા વિસ્તારમાં ચોથા માળેથી રમતા-રમતા નીચે પટકાયેલી 2 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં આનંદો હોમ્સના ચોથા માળે સોમેલ દીવા પરિવાર સાથે રહે છે. તેમની બે વર્ષની પુત્રી ક્રિશા આજે સવારે પોતાના ઘરમાં રમતી હતી, ત્યારે માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. સોમેલ દિવા કામ પર ગયા હતા. દરમિયાન માસુમ બાળકી રમતા રમતા બારી પાસે પહોંચી ગઈ હતી અને બારીમાંથી નીચે પટકાઈ હતી.

બાળકી નીચે પટકાવવાની ઘટનાને પગલે આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતાં તેમજ તેની માતાને ખબર પડતાં તે પણ નીચે દોડી આવી હતી અને દીકરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કરી હતી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top