SURAT

દેશ છોડી દીધો પણ મુસ્લિમ ધર્મ નહીં અપનાવ્યો, આજે સુરતમાં વટભેર જીવે છે આ પરિવાર…

સુરત: 1947માં ભારત અને પાકિસ્તાનના (IndiaPakistanPartition) ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનમાં રહેતા અનેક હિન્દુઓએ (Hindu) ભારતમાં સ્થળાંતર કર્યુ હતું. ભારતમાં શરણાર્થી તરીકે આવેલા અમે પોતાનું ઘર, ખેતી, કરીયાણાની દુકાન અને મિલકત વગેરે છોડીને આવ્યા હતા. જેના કારણે અમને આર્થિક, સામાજિક અને ભૌગોલિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ ભારતમાં 76 વર્ષથી અને સુરતમાં 48 વર્ષથી રહેતા કિશનચંદ લાલવાણીએ જણાવ્યું હતું.

અડાજણ વિસ્તારમાં રહેતા હરિશભાઈ લાલવાણીના 88 વર્ષિય પિતા કિશનચંદભાઈએ જણાવ્યું હતું કે, ‘ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યાં સુધી મારો સંપૂર્ણ પરિવાર પાકિસ્તાનમાં જ રહેતો હતો. તે સમયે પાકિસ્તાનમાં હિંદુઓને મુસ્લિમ (Muslim) ધર્મ સ્વીકારવા માટે કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ સનાતની હિન્દુઓએ તે સમયે ધર્મ પરિવર્તન કરવાના બદલે પોતાનું ઘર, મિલકત, ખેતી છોડીને અન્ય દેશમાં સ્થળાંતર કરવાનું પસંદ કર્યુ હતું.

મારા પિતા બધું છોડીને અમે બંને ભાઈઓ અને એક બેન સાથે ખાલી હાથે સૌપ્રથમ પાકિસ્તાનથી જહાજ માર્ગે ઓખા બંદરે પહોંચ્યા અને ત્યાંથી રાયપુર ગયા હતા. રાયપુરમાં સરકારના રાહત કેમ્પમાં રહીને 1-2 મહિનાઓ સુધી કેમ્પમાં આપવામાં આવતાં ભોજન થકી ગુજરાન ચલાવ્યું અને ત્યાર બાદ પિતાએ પરિવારના ગુજરાન માટે રાયપુરમાં જ નાનાં-મોટાં કામો કરવાના શરૂ કર્યાં હતાં.

કિશનચંદ લાલવાણી

વર્ષ-1950માં અમે રાયપુર છોડીને પોરબંદર રહેવા માટે આવ્યાં હતાં. બાળપણમાં જ માતાનું અવસાન થઈ જવાના કારણે પિતાએ બિસ્કિટ વેચીને અને કાપડની ફેરીઓ મારી ત્રણેયનો ઉછેર ર્ક્યો હતો. તે સમયે હું માત્ર 12 વર્ષનો હતો.’
તે સમયની સ્થિતિને યાદ કરતાં કિશનચંદભાઈ કહે છે કે, ‘શરણાર્થી તરીકે ભારત આવ્યા તે સમયની પરિસ્થિતિ થોડી વિચિત્ર હતી.

નવી જગ્યા હોવાના કારણે મનમાં સતત ભય રહેતો હતો. અમે 24 કલાક પિતાની સાથે રહેતાં હતાં. સતત મનમાં પરિવાર વિખેરાઈ ન જાય એ વાતનો ભય રહેતો હતો. પિતાએ ઈ.સ.1952માં પોરબંદરમાં કાપડનો વ્યવસાય શરૂ કર્યો. પહેલા તો શેરીઓમાં ફેરી મારીને કાપડ વેચ્ચું, ત્યારબાદ કાચા મકાનમાં હોલસેલમાં કાપડ વેચવાનું શરૂ કર્યુ હતું.

કાપડના વ્યવસાયમાં પરિવારે સખત મહેનત કરતાં રાજકોટ, સુરત અને મુંબઈ જેવી જગ્યાઓ પર રિટેઇલ ઓફિસો શરૂ કરી હતી. જેનું સંચાલન કરવા માટે હું 1974માં પોરબંદરથી બાળકોને લઈને સુરત આવ્યો હતો. મારા પિતાએ શરૂ કરેલા આ કાપડનો વ્યવસાય આજે એક ઊંચાઈ ધરાવતા સ્તરે પહોંચ્યો છે. તે વાતનો આનંદ અનુભવું છું.’

‘વર્લ્ડ રિફ્યુજી ડે’ મનાવવાનો હેતુ શું છે?
વિશ્વભરમાં શરણાર્થીઓના સાહસ અને શક્તિને સમ્માનિત કરવા માટે પ્રતિ વર્ષ 20 જૂને ‘વર્લ્ડ રિફ્યુજી ડે’ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવાનું કારણ એવા શરણાર્થીઓને સન્માનિત કરવાનું છે. જેમને તેમનાં ઘરોથી દૂર રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

2023માં આ થિમ સાથે થશે ઉજવણી
આ વર્ષે ‘વર્લ્ડ રિફ્યુજી ડે’ની ઉજવણી ‘Hope away from Home’ થિમ હેઠળ કરવામાં આવશે.

Most Popular

To Top