પેટલાદ: પેટલાદમાં આવતીકાલે ૯૭મી રથયાત્રા નીકળનાર છે. તે પૂર્વે આજરોજ ભગવાન લાલજી મહારાજનું મોસાળું શેખડી ગામથી નીકળ્યું હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે રણછોડજી મંદિરે પહોંચ્યું હતું. જેમાં ગામની જનમેદની ઉમટી પડી હતી.
પેટલાદ શહેરમાં છેલ્લા 97 વર્ષથી રથયાત્રા અષાઢી બીજનાં દિવસે નીકળે છે. જે ચાલુ વર્ષે મંગળવાર રણછોડજી મંદિરેથી બપોરે નિકળશે. પરંતુ દર વર્ષે રથયાત્રા પૂર્વે શહેર અને આજુબાજુના ગામડામાં લાલજી ભગવાનની ઠેરઠેર પધરામણી કરવામાં આવતી હોય છે.
ત્યારબાદ રથયાત્રા પૂર્વે જ્યાંથી મોસાળું પ્રસ્થાન થવાનું હોય ત્યાં લાલજી ભગવાનની છેલ્લી પધરામણી કરવામાં આવતી હોય છે. જે મુજબ આજરોજ શેખડીથી બપોરે ૪ કલાકે લાલજી ભગવાનની પાલખી સાથે મોસાળું ધામધૂમથી દબદબાભેર પ્રસ્થાન થયું હતું. જેમાં પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, અમૂલના ડિરેક્ટર વિપુલભાઈ પટેલ, પાલિકાના કાઉન્સિલરો, શેખડીના ગ્રામજનો, મહિલાઓ, પેટલાદના નગરજનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
છેલ્લા ૯૭ વર્ષમાં સૌપ્રથમ વખત શેખડીથી મોસાળું નીકળી પેટલાદના અંતરિયાળ એવા ખંભાતી ભાગોળ, ખારાકુવા, ચબૂતરી, ઝંડા બજાર, પટેલ સોડા જેવા વિસ્તારોમાંથી પસાર થયું હતું. ત્યારબાદ આ મોસાળું અંબામાતા મંદિર, ટાવર, ચાવડી બજાર થઈ રણછોડજી મંદિરે સાંજે પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોસાળાના રૂટને લઈ નગરજનોમાં ભારે ઉત્તેજના હતી. પરંતુ રેન્જ આઇજી વી ચંદ્રશેખર, આણંદ એસપી પ્રવિણકુમાર, પેટલાદ ડીવાયએસપી પી કે દિયોરાના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈએ લોખંડી બંદોબસ્ત ગોઠવી મોસાળું હર્ષોલ્લાસ સાથે રણછોડજી મંદિરે પહોંચાડ્યું હતું.
પેટલાદમાં અધિકારીઓના ધામા
અતિ સંવેદનશીલ ગણાતા પેટલાદમાં 97મી રથયાત્રા નિકળશે. તે પૂર્વે અત્યાર સુધીમાં ત્રણેક વખત પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ શાંતિ સમિતીની બેઠકો યોજાઈ હતી. આજે પણ રેન્જ આઇજી વી ચંદ્રશેખરની અધ્યક્ષતામાં વધુ એક બેઠક ડીવાયએસપી કચેરીએ યોજાઈ હતી. જેમાં હિન્દુ – મુસ્લિમ આગેવાનો, રથયાત્રાના આયોજકો, પોલીસ અધિકારી હાજર રહ્યાં હતાં.