અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ મંદિરથી (Jagannath Temple) પરંપરાગત નીકળતી ભવ્ય રથયાત્રા (Rath Yatra) આવતીકાલે અષાઢી બીજને મંગળવાર 20મી જૂનના રોજ નિકળશે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શહેરના નિર્ધારિત રૂટ ઉપરથી જ નીકળશે. 146 મી રથયાત્રાને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રાના રૂટમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.
- મંગળવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે
- સવારે 4-00 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી હાજરી આપશે
- સવારે 7-00 વાગે મુખ્યમંત્રી પહીંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે
દરમિયાન 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલુપર જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
આવતીકાલે 20મી જુનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટેબ્લો સાથેની ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા સાથે નિકળશે. તેમજ ભગવાન જગન્નાથ ભગવાન, બલરામ અને બહેન સુભદ્રાના ત્રણ રથને 1200 જેટલા ખલાસી ભાઈઓ ખેંચશે. આ રથયાત્રામાં ભારતભરમાંથી આવેલા અંદાજે 2000થી વધુ સાધુ સંતો જોડાશે.
આ રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, અને દાડમના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. અષાઢી બીજને મંગળવારે 20મી જુનના રોજ વહેલી સવારે 4-00 વાગે મંગળા આરતી યોજાશે. આ આરતીમાં ભગવાનને પ્રિય ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી સવારે 04-00 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપશે.
મંગળા આરતી બાદ સવારે 6 વાગે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને અલગ અલગ રથ ઉપર બિરાજમાન કરવામાં આવશે, ત્યારબાદ સવારે 7 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાસ્ત્રોક વિધિ દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાનના રથની આગળનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરશે. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આ પહીંદ વિધિ બાદ સવારે 7-05 વાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભગવાનનો રથ ખેંચી વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
રથયાત્રા તેના નિયત રૂટ ઉપર નીકળશે. જમાલપુર, ખાડિયા થઈ બપોરે સરસપુર ખાતે પહોંચશે. સરસપુર ખાતે થોડો વિશ્રામ કરી પ્રસાદી લઈ રથયાત્રા ફરી પાછી તેના નિયત રૂટ ઉપર આગળ વધશે. બપોર બાદ રથયાત્રા સરસપુર થી નીકળી કાલુપુર ચોખા બજાર થી પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, ખાનપુર થઈને માણેકચોક, પાનકોર નાકા થઈ નીજ મંદિર જમાલપુર ખાતે સાંજે પરત ફરશે.
રથયાત્રામાં અંદાજે 25 હજાર પોલીસકર્મીઓને તૈનાત
અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરક્ષાને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રથયાત્રામાં અંદાજે 25 હજાર પોલીસકર્મીઓને આ ઉપરાંત એસઆરપી, સીઆરપીએફ સહિતની કંપનીઓના જવાનોને પણ રથયાત્રાના રૂટ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.
હાલના આધુનિક યુગમાં રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસકર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમેરા ફીટ કરવામાં આવશે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે.
રથયાત્રા કયા રૂટ ઉપર થઈ અને હાલમાં ક્યાં પસાર થઇ રહી છે. તેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ત્રણેય રથ ઉપર જીપીએસ ટ્રેકર લગાડવામાં આવશે. જેના દ્વારા રથ હાલમાં કયા વિસ્તારમાં અને ક્યાં છે, તેની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા મેળવી શકાશે.