Madhya Gujarat

કપડવંજની પ્રાથમિક શાળામાં એક જ વર્ગખંડ !

કપડવંજ : આણંદ – ખેડા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રવેશોત્સવમાં અનેક પ્રકારના તાયફા કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓએ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. પરંતુ આ બધા લખલૂટ ખર્ચ પાછળ એવી અનેક શાળા છે, જેમાં માળખાકીય સુવિધાનો અભાવ છે. કપડવંજના બાપુજીના મુવાડાની પ્રાથમિક શાળામાં ધો.1થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ ઓરડો છે. જેના કારણે બાળકોને અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામની પ્રાથમિક શાળા સન -1961માં બની હતી. છેલ્લા ત્રણેક વર્ષથી શાળાના ત્રણ વર્ગખંડ પૈકી બે વર્ગગખંડ જર્જરિત થઈ ગયા છે. જેને લીધે ધો.1થી ધો.5ના વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં બેસવા મજબુર બની ગયા છે. એક જ વર્ગખંડમાં બેસીને અંદાજે 65થી 70 વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે ? તે એક મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેવી રીતે કેન્દ્રીત કરતા હશે ? તથા શિક્ષકો પણ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવતા હશે ? તે પણ એક પ્રશ્ન છે.

તાજેતરમાં વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી મોટાપાયે થઈ હતી. બાળકોને અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હોશે હોશે પ્રવેશ અપાવી આનંદ માણ્યો હશે પણ જર્જરિત વર્ગખંડમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે ? તેની નોંધ પણ લેવી જોઈએ. તેવું વડાલી ગામના પૂર્વ સરપંચ પર્વતસિંહ પરમાર જણાવી રહ્યા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બાળકો આવી સ્થિતિમાં અભ્યાસ કેવી રીતે કરી શકે ? તેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. સદરહુ શાળાના કુલ -3 ઓરડામાંથી બે ઓરડા જર્જરિત થઈ ગયા છે. તેનું ડેમેજ સર્ટીફીકેટ પણ મળી ગયું છે. પરંતુ તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવાની મંજુરી મળતી નથી. જેથી વિદ્યાર્થીઓના હિત માટે બાપુજીના મુવાડા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા નવા બનાવવા માટે સત્વરે કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

Most Popular

To Top