Charchapatra

કમળ ખિલવવાની કળા

સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સત્તા ભોગવતા ભાજપ પાસેથી ખરેખર સાંપ્રત સમયની યુવા પેઢી,જેમને રાજકારણમાં અંગતપણે રસ, રુચિ ધરાવતા હોય એવા સૌ કોઈ નવયુવાનો અને નગરજનોએ એ બોધ લેવા જેવી એક ઘટના છે,જેની નોંધ લેવી પડે એમ છે. આ માટે તમારે ગત રોજના તારીખ : ૧૫ જૂન ૨૦૨૩ ને ગુરુવારના અખબાર અગ્રણી ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પાના નંબર આઠ (૮) ઉપર સચિત્ર અહેવાલની હેડલાઇન મૃતકના પરિવારને સહાય નામે પ્રકાશિત કરવામાં આવેલ વિગતોનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો નિઃશંકપણે જણાઈ આવે છે કે, સત્તાધીશો કેટલા બધા જાગૃત છે. 

છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે સમાચાર હેઠળ વાંચીએ છીએ કે,ગટરમાં ગૂંગળામણ થકી કંઈ કેટલાય સુરત મનપાના સફાઈ કામદારો સીધી રીતે મોતને ભેટ્યા હતા, ભેટી રહ્યા છે અને ભેટતા જ રહેશે, પરંતુ એ પૈકીના એક મૃતક સફાઈકામ કરનાર સુશીલાબેનના નસીબદાર પતિ (વારસ) નામે રેડ્યા સીનપ્પા રાઠોડને છેક.. કર્ણાટક રાજ્યના યાદગીર તાલુકાના તોતલૂર ગામેથી ,એમના દ્વારા દાખલ કરાયેલી એફ આર આઈ ના સંદર્ભમાં સુરત મનપાની ટીમ છેક ત્રેવીસ ( ૨૩ ) વર્ષ બાદ પણ તેમના રહેઠાણ ઉપર જઈને ત્યાંના સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ અને તલાટી તથા મામલતદારને મળીને પૂરતી તપાસ કર્યા બાદ એમના વારસદાર તરીકે એમના પતિ રેડ્યા સીનપ્પા રાઠોડને, સુરત બોલાવીને હેમાલીબેન બોઘાવાલા (મેયર)ના વરદ હસ્તે તારીખ:૧૪ જૂન ને બુધવારે સ્વ.સુશીલાબેનના પતિને ₹ ૧૦ ( દસ ) લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.  ખાસ નોંધ લેવા જેવી વાત અને આંખે વળગે તેવી વાત એ જ છે કે, સદરહુ મૃતક સહાયકેસમાં મૃતક એવાં સુશીલાબેન (સફાઈ કામદાર) ગતવર્ષ ૨૦૦૦ ની સાલમાં ઉધનામાં રણછોડનગરમાં મનપાની ગટરમાં ગૂંગળામણ થકી મોતને ભેટ્યાં હતાં.
સુરત-     પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કેન્દ્ર સરકાર રમતવીરો પ્રત્યે આટલી અન્યાયી?
ભારત દેશને રમતગમત અને કુસ્તીને ક્ષેત્રે સુવર્ણ અને રજતચંદ્રકો મેળવી આપીને ઊંચું ગૌરવ પ્રદાન કરનાર કન્યાઓની જાતીય હેરાનગતિ કરવા અંગે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ગઈ કાલે સરકાર પક્ષે કુસ્તીબાજ પીડિત કન્યાઓ પાસે પુરાવામાં એમની સાથે થયેલી નાલાયકીના પુરાવા માટે તસવીરોની માંગણી કરી છે. દેશભરમાંથી ઊઠેલા વિરોધની પરવા કર્યા વિના આપણા નરેન્દ્રભાઈની સરકાર સરાસર અન્યાયી, નફ્ફટ અને નિર્લજ્જ બની ચૂકી છે. કોણ છે આ સરકારના કર્તાહર્તા પ્રધાનમંત્રી! વિશ્વભરમાં અત્યાર સુધી કમાયેલી સઘળી પ્રતિષ્ઠા દાવમાં લાગી છે! આપના પેટનું પાણીયે હાલતું નથી! ક્યાં ગઈ આપની આધ્યાત્મિકતા? ક્યાં છે આપનું ધર્મ પાલન? ક્યાં ગયાં આપના વિનય વિવેક? આ વલણ નિર્દયી, નિષ્ઠુર અને બેપરવાઈભર્યું છે. કુસ્તીબાજ દેશ પુત્રીઓને તાત્કાલિક ન્યાય નહિ મળશે, તો આપે મેળવેલી બધી ઈજ્જત ધૂળમાં મળશે.
સુરત     – અનિલ મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top