કેરલ ફાઈલ્સ જેવી ફિલ્મોને કારણે મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવતી કથિત લવ જિહાદ બાબતમાં દેશભરનાં હિન્દુ સંગઠનો સતર્ક અને સજાગ થઈ ગયાં છે, જેને કારણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની તિરાડ પહોળી બની રહી છે. લવ જિહાદના મામલાઓ તો પહેલાં પણ બનતા હતા, પણ હિન્દુઓ દ્વારા તેની તીખી પ્રતિક્રિયા જોવામાં આવતી નહોતી. દેવભૂમિ ઉત્તરાખંડમાં હિન્દુ સંગઠનો દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને કારણે આમ મુસ્લિમોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જે જગ્યા પર અલકનંદા અને ભાગીરથીનો સંગમ થઈને ગંગા નદીનો જન્મ થાય છે તે ઉત્તરકાશી જિલ્લામાં પાંચ મહિનામાં લવ જિહાદના ૪૬ કિસ્સાઓ જાણમાં આવ્યા છે. તેમાં પણ પુરોલામાં એક સગીર હિન્દુ બાળકીનું મુસ્લિમ યુવાન દ્વારા અપહરણ થતાં હિન્દુઓનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો છે. હિન્દુ સંગઠનો દ્વારા તા. ૧૫ જૂનના રોજ મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું તેથી ડરીને મુસ્લિમોની હિજરત ચાલુ થઈ ગઈ હતી. સરકારની સમજાવટથી મહાપંચાયત મુલતવી રાખવામાં આવી છે, પણ ભારેલા અગ્નિ જેવો માહોલ છે.
તા. ૨૬ મેના રોજ બિજનૌરના રહેવાસી જિતેન્દ્ર સૈની અને ઉવૈસ ખાને પુરોલામાં એક સગીર છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેઓને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા હતા. જે બાદ પુરોલામાં મુસ્લિમ વેપારીઓ સામે સ્થાનિક લોકોમાં રોષ વધી ગયો હતો અને દેખાવોનો દોર શરૂ થયો હતો. આ મામલે પુરોલા, બરકોટ, ભાટવાડીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. દેખાવકારોએ મુસ્લિમ વેપારીઓની દુકાનો પર ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડ્યાં હતાં અને તેમને દુકાનો ખાલી કરવાની ધમકી આપી હતી, જેમાં ૧૫મી જૂને યોજાનારી મહાપંચાયત પહેલાં દુકાનો ખાલી કરી દેવાનું લખવામાં આવ્યું હતું. ત્યારથી પુરોલામાં મુસ્લિમ વેપારીઓની એક પણ દુકાન ખોલવામાં આવી નથી. પુરોલામાં ૩૦ થી વધુ દુકાનો છેલ્લા ૧૮ દિવસથી બંધ છે.
મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી પુરોલામાં એક સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરવા અને જિલ્લામાં સૌહાર્દપૂર્ણ વાતાવરણને બગાડવા અંગે ગંભીર છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકાર લવ જિહાદ અને લેન્ડ જિહાદને લઈને સંપૂર્ણ કડક છે. લેન્ડ જિહાદમાં હિન્દુ વિસ્તારોમાં ખાલી કરવામાં આવેલી મિલકતો મુસ્લિમો ખરીદી લે છે અને તેમાં પોતાની વગ વધારવાના પ્રયાસો કરે છે.
ગુજરાતમાં તેની સામે રક્ષણ આપવા અશાંત ધારાનો અમલ કરવામાં આવી રહ્યો છે, પણ ઉત્તરાખંડમાં તેવો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. દેવભૂમિમાં આ પ્રકારની હરકતો થવા દેવામાં આવશે નહીં. આવાં લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. જો કે, જે લોકો સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે અને વાતાવરણને બગાડશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પુરોલાના મુસ્લિમ વેપારીઓ તો પોતાના ધંધા છોડીને ડરના માર્યા દહેરાદૂન ચાલ્યા ગયા છે.
હિન્દુ ધર્મરક્ષક સ્વામી દર્શન ભારતીના જણાવ્યા અનુસાર હાલમાં વિકાસ નગરમાં લગભગ ૩૨ હજાર મુસ્લિમ મતદારો છે. આ ઝડપથી વધી રહેલી સંખ્યા અન્ય રાજ્યોમાંથી આવી છે. તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર તથા બંગાળનાં મુસ્લિમો પણ સામેલ છે. સ્થિતિ એવી છે કે ઉત્તરાખંડનાં કેટલાંક શહેરોમાં બંગાળી વસાહતોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ઓછામાં ઓછા ૫૦ હજાર બંગાળી મુસ્લિમો રહે છે.
ઉત્તરકાશીમાં પણ લગભગ ૫,૦૦૦ મુસ્લિમ મતદારો છે, જ્યારે ત્યાં ક્યારેય ૧૫૦ મતદારો પણ નહોતાં. સ્વામી દર્શન ભારતી કહે છે કે નવેમ્બર, ૨૦૦૦માં જ્યારે ઉત્તરાખંડ રાજ્યની રચના થઈ ત્યારે મુસ્લિમોની વસ્તી માત્ર દોઢ ટકા હતી. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં તે વધીને લગભગ ૧૪ ટકા થઈ હતી અને હાલમાં તે વસ્તીના લગભગ ૧૮ ટકા સુધી પહોંચી ગઈ છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ઉત્તરાખંડ પાંચથી દસ વર્ષમાં મુસ્લિમ બહુમતી બની જશે. તેના કારણે આજે માનવ તસ્કરીમાં ઉત્તરાખંડનું નામ સૌથી આગળ આવી રહ્યું છે.
ઉત્તરાખંડમાં મુસ્લિમ સમુદાયે સરહદી જિલ્લાઓ, નદીઓના કિનારે અને રેલ્વેની જમીનો પર કબજો જમાવીને પોતાની સંપૂર્ણ વસાહતો સ્થાપી છે. પહાડી વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને આવેલાં હિન્દુ લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યાં છે, જ્યારે મુસ્લિમ લોકો પહાડો પર જઈને મકાનો અને ખેતરો પર કબજો જમાવી રહ્યાં છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશને અડીને આવેલા દહેરાદૂન જિલ્લાના વિકાસ નગરમાં અને હર્બર્ટપુરમાં તો મુસ્લિમોની બહુમતી થઈ ગઈ છે.
કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાયને ગેરકાયદે કબજા માટે પ્રોત્સાહન આપવાનું સૌથી મોટું ઉદાહરણ ઉત્તરાખંડના ગફૂર બસ્તી, હલ્દવાની અને બાનભૂલપુરા છે. જ્યારે અતિક્રમણ હટાવવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યથી લઈને પૂર્વ મુખ્ય મંત્રી સુધી તેમની તરફેણમાં ઊભા રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમણે રેલવેની જમીનને મુસ્લિમ સમુદાયની જમીન જાહેર કરવામાં પણ કોઈ કસર છોડી ન હતી.
કોંગ્રેસના બે મુખ્ય મંત્રીઓના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારોમાં સૌથી વધુ મુસ્લિમ પરિવારો વસાવ્યાં હતાં. આ વિસ્તારમાં મઝારો અને મસ્જિદો ભરાઈ ગઈ છે. મુસ્લિમ યુવાનોને મસ્જિદોમાંથી કહેવામાં આવે છે કે તેઓએ કેવી રીતે કામ કરવું પડશે. ‘ગજવા હિંદ’નામની જમાત સાથે જોડાયેલા યુવાનોને મસ્જિદોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેમના હેવાલો દેવબંદ, દિલ્હી તેમ જ લખનૌ મોકલવામાં આવે છે. હિન્દુ પરિવારોને ડરાવવા અને ધમકી આપવાના એજન્ડા હેઠળ આ વિસ્તારોમાંથી કામ પૂરજોશમાં થઈ રહ્યું છે.
હિન્દુ યુવા વાહિની સાથે સંકળાયેલાં રાધા ધોનીએ દરગાહો વિરુદ્ધ જોરદાર અભિયાન શરૂ કર્યું છે. તેઓ જંગલની જમીન પર દરગાહો બનાવીને ગેરકાયદેસર બાંધકામોનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે તેમને ઘણી વખત ધમકીઓ પણ મળી ચૂકી છે. રાધા સેમવાલ લવ જિહાદ અને લેન્ડ જિહાદ વિરુદ્ધ પણ સક્રિય છે. તેમણે કહ્યું કે બદ્રીનાથમાં મોટી સંખ્યામાં મુસ્લિમો સ્થાયી થયાં છે. ત્યાં પણ સ્થિતિ એવી બની ગઈ હતી કે મુસ્લિમ સમુદાયે બદ્રીનાથ મંદિર પર દાવો કર્યો હતો અને મંદિર સમિતિ પાસે પોતાના માટે જગ્યા માંગી હતી. બદ્રીનાથ અંગે મૌલાના અબ્દુલ લતીફ કાસમીએ દાવો કર્યો હતો કે સેંકડો વર્ષ પહેલાં બદ્રીનાથ બદરુદ્દીન શાહ તરીકે ઓળખાતા હતા.
દેહરાદૂનમાં જ સૌથી મોટી દૂન હોસ્પિટલના ગેટની સામે વિશાળ વિસ્તારને ઘેરીને એક દરગાહ બનાવવામાં આવી છે, જ્યાં પરિચારકો તેમનાં દર્દીઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે અને ચાદર ચઢાવે છે. ત્યાં નજીકમાં આવેલી ગર્લ્સ ઇન્ટર અને પીજી કોલેજની વિદ્યાર્થિનીઓની હોસ્ટેલ પણ છે. અહીંથી લવ જિહાદ, કાળો દોરો બાંધવાના નામે જાદુટોણા જોરશોરથી ચાલી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્રના નાક નીચે ચાલી રહેલા આ ખેલને ખતમ કરવાની હિંમત ઉત્તરાખંડની ભાજપ સરકાર પણ દાખવી રહી નથી. અહીંથી લગભગ અડધા કિલોમીટરના અંતરે આઈજી ઓફિસ, કોર્ટ સંકુલ, ડીએમ ઓફિસ છે, પરંતુ ધર્મની આડમાં ચાલી રહેલી લવ જિહાદ અને લેન્ડ જિહાદને રોકવાના પ્રયાસો થઈ રહ્યા નથી, એવો આક્ષેપ હિન્દુ સંગઠનો દ્વારા થઈ રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.