નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જુન સુધી અમેરિકા (America) અને ઈજિપ્તની (Egypt) રાજકીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ફસ્ટ લેડી જિલ બાઈડનના (First lady Jill Biden) આમંત્રણ પર અમેરિકાની રાજકીય મુલાકાતે જવાના છે. જેની શરૂઆત અમેરિકાના ન્યૂ યોર્ક (New York) સીટીથી થશે. આ પ્રવાસ દરમિયાન PM અમેરિકામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
PM મોદી સૌ પ્રથમ 21 જુનના રોજ ન્યુયોર્કમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રોજ રાખેલ કાર્યક્રમનું નેતૃત્વ સંભાળશે. ત્યાર બાદ તે વોશિંગ્ટન ડીસી જવા રવાના થશે. વોશિંગ્ટન ડીસીમાં PM મોદીના વેલકમમાં એક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ જોવા માટે અમેરિકાભરમાંથી ભારતીય સમુદાયના પાંચ હજાર કરતા વધુ પીઢ સભ્યોને આમંત્રણ અપાયું છે. વેલકમ કાર્યક્રમ બાદ PM મોદી અમરિકાના રાષ્ટ્રપતિને મળશે.
22 જુને પીએમ મોદી માટે સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન દ્વારા 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પીએમ મોદી યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટ સ્પીકર ચાર્લ્સ શૂમર સહિતના અનેક સાંસદો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પછી 23 જુનના રોજ પીએમ માટે લંચનું આયોજન કરવામાં આવ્યું
23 જૂને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન દ્વારા લંચનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે પીએમ મોદી કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે અમેરિકાની ઘણી કંપનીઓના CEO સાથે પણ વાતચીત કરશે. આ સાથે પીએમ મોદી ભારતીય-અમેરિકન સમુદાયના લોકોને પણ મળશે.
વડાપ્રધાન મોદી બીજા તબક્કામાં 24 થી 25 જૂન સુધી ઈજિપ્તની મુલાકાત લેશે
પીએમ મોદી અમેરિકાની મુલાકાત પછી ઈજિપ્તની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી બીજા તબક્કામાં 24 થી 25 જૂન સુધી ઈજિપ્તની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજિપ્તની મુલાકાત માટે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ આમંત્રણ પાઠવ્યું હતું. તમણે જણાવી દઈએ કે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ હાજરી આપી હતી. તે દરમિયાન તેમણે પીએમ મોદીને ઈજિપ્તની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન તરીકે ઈજિપ્તની નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હશે. ઈજિપ્તની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઈજિપ્તની કેટલીક અગ્રણી હસ્તીઓને પણ મળી શકે છે. પીએમ મોદી ઈજિપ્તમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરી શકે છે.